કઈ રીતે થયું હતું રાધાનું મૃત્યુ, કૃષ્ણએ શા માટે તોડી હતી પોતાની પ્રિય વાંસળી?

PC: google.co.in

જ્યારે પણ પ્રેમની મિસાલ આપવામાં આવે છે, ત્યારે શ્રીકૃષ્ણ-રાધાનાં પ્રેમની મિસાલ સૌથી પહેલા આપવામાં આવે છે. રાધા-કૃષ્ણનાં પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ નાનપણનો હતો. શ્રીકૃષ્ણ જ્યારે 8 વર્ષનાં હતાં, ત્યારે બંનેએ પ્રેમની અનુભૂતિ કરી હતી. રાધા શ્રીકૃષ્ણનાં દૈવીય ગુણોથી પરિચિત હતાં. તેમણે જીવનભર પોતાનાં મનમાં પ્રેમની સ્મૃતિઓને સાચવી રાખી. એ જ તેમનાં સંબંધની સૌથી મોટી સુંદરતા હતી.

કહેવાય છે કે, શ્રીકૃષ્ણને માત્ર બે જ વસ્તુઓ સૌથી પ્રિય હતી. એક હતી અમની વાંસળી અને બીજા હતા રાધાજી. કૃષ્ણની વાંસળીની ધૂન જ હતી જેને લઈ રાધા શ્રીકૃષ્ણ તરફ ખેંચાઈ જતાં. શ્રીકૃષ્ણનાં જેટલાં પણ ચિત્રો તમે જોયાં હશે, એ તમામમાં તમને વાંસળી અચૂક દેખાશે. વાંસળી શ્રીકૃષ્ણનો રાધા પ્રત્યેનાં પ્રેમનું પ્રતીક છે. આમ તો રાધા સાથે જોડાયેલી જુદી-જુદી સ્ટોરીઓ છે, પરંતુ એક પ્રચલિત સ્ટોરી વિશે અહીં વાત કરવામાં આવી છે.

ભગવાન શ્રીકૃષ્ણથી રાધા પહેલીવાર જ્યારે અલગ થયા ત્યારે મામા કંસે બલરામ અને કૃષ્ણને આમંત્રણ આપ્યું હતું. વૃંદાવનનાં લોકો આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા હતાં. મથુરા જતાં પહેલા શ્રીકૃષ્ણ રાધાને મળ્યાં હતાં. રાધા, કૃષ્ણનાં મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધીઓ જાણતાં હતાં. રાધાને અલવિદા કહી કૃષ્ણ તેમનાંથી દૂર ચાલ્યા ગયાં.

કૃષ્ણ રાધાને એ વાયદો કરીને ગયા હતાં કે તેઓ ફરી પાછા આવશે. પરંતુ કૃષ્ણ રાધાની પાસે પાછા ન આવ્યાં. તેમનાં લગ્ન રુકમણી સાથે થયાં. રુકમણીએ પણ શ્રીકૃષ્ણને પામવા માટે બહુ જતન કર્યાં હતાં. શ્રીકૃષ્ણ સાથે વિવાહ માટે તેઓ પોતાનાં ભાઈ રુકમીની વિરુદ્ધ જતાં રહ્યાં. રાધાની જેમ તેઓ પણ શ્રીકૃષ્ણને પ્રેમ કરતાં હતાં.

જ્યારે અંતિમવાર મળ્યાં હતાં, ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે ભલે તેઓ એમનાંથી દૂર જઈ રહ્યાં છે, પરંતુ મનથી કૃષ્ણ હંમેશાં તેમની સાથે જ રહેશે. ત્યારબાદ કૃષ્ણ મથુરા ગયા અને કંસ તેમજ અન્ય રાક્ષસોને મારીને પોતાનું કામ કર્યું. ત્યારબાદ, પ્રજાનાં રક્ષણ માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયાં અને દ્વારકાધીશનાં નામે લોકપ્રિય બન્યાં.

જ્યારે, કૃષ્ણ વૃંદાવનથી નીકળ્યાં ત્યારે રાધાનાં જીવને અલગ જ વળાંક લીધો હતો. રાધાનાં લગ્ન એક યાદવ સાથે થઈ ગયાં. રાધાએ પોતાનાં દાંપત્ય જીવનની બધી જ ફરજો પૂર્ણ કરી, પરંતુ તેમનું મન ત્યારે પણ કૃષ્ણ માટે જ સમર્પિત હતું. દરેક કર્તવ્યોથી મુક્ત થયા બાદ રાધા અંતિમવાર પોતાનાં પ્રિયતમ કૃષ્ણને મળવા ગયાં. જ્યારે, તેઓ દ્વારકા પહોંચ્યાં ત્યારે તેમણે કૃષ્ણનાં રુકમણી અને સત્યભામા સાથે વિવાહ અંગે સાંભળ્યું, પરંતુ તે દુઃખી ન થયાં. જ્યારે કૃષ્ણએ રાધાને જોયા તો તેઓ પ્રસન્ન થઈ ગયાં. બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે સાંકેતિક ભાષામાં ઘણીબધી વાતો કરતાં રહ્યાં. રાધાજીને કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું નહોતું. રાધાનાં અનુરોધ પર કૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકાનાં રૂપમાં નિયુક્ત કર્યાં.

રાધા આખો દિવસ મહેલમાં રહેતા હતા અને મહેલ સાથે સંકળાયેલા કામોની દેખરેખ રાખતાં હતાં. તક મળતાં જ તેઓ કૃષ્ણનાં દર્શન કરી લેતા હતાં. પરંતુ, મહેલમાં રાધાને શ્રીકૃષ્ણ સાથે પહેલાં જેવું આધ્યાત્મિક જોડાણ અનુભવાતું નહોતું, આથી રાધાએ મહેલથી દૂર જવાનો નિર્ણય લીધો. તેમણે વિચાર્યું કે તેઓ દૂર જઈને ફરીથી શ્રીકૃષ્ણ સાથે આત્મિય સંબંધ સ્થાપિત કરી શકશે.

રાધાને એ નહોતી ખબર કે એ ક્યાં જઈ રહ્યાં છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતાં. ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને રાધા એકદમ એકલા અને કમજોર થઈ ગયાં. તે સમયે તેમને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. અંતિમ સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયાં. કૃષ્ણએ રાધાને કહ્યું કે તેઓ તેમની પાસે કંઈક માંગે, પરંતુ રાધાએ ના પાડી દીધી. કૃષ્ણએ બીજીવાર અનુરોધ કરતાં રાધાએ કહ્યું કે અંતિમવાર તેમને વાંસળી વગાડતાં જોવા માંગે છે. શ્રીકૃષ્ણએ વાંસળી લીધી અને તેનાં પર સુરીલી ધૂન વગાડવા માંડ્યાં.

શ્રીકૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિકરૂપથી કૃષ્ણમાં વિલીન ન થઈ ગયાં. વાંસળીની ધૂન સાંભળતા-સાંભળતા રાધાએ પોતાનાં શરીરનો ત્યાગ કરી દીધો. જોકે, ભગવાન જાણતા હતાં કે તેમનો પ્રેમ અમર છે, તેમ છતાં તેઓ રાધાનાં મૃત્યુને સહી ન શક્યાં. કૃષ્ણએ પ્રેમનાં પ્રતીકાત્મક અંતનાં રૂપમાં વાંસળી તોડીને ઝાડીઓમાં ફેંકી દીધી. ત્યારબાદથી શ્રીકૃષ્ણએ જીવનભર વાંસળી કે અન્ય કોઈ વાદ્ય ન વગાડ્યું.

કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગમાં નારાયણે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો, ત્યારે માં લક્ષ્મીજીએ રાધા રાણીનાં રૂપમાં જન્મ લીધો હતો જેથી મૃત્યુલોકમાં પણ તેઓ એમની સાથે જ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp