રાજકીય નેતાઓ તેમના ખિસ્સામાંથી મંદિરમાં દર્શન કે પૂજા કેમ કરતા નથી?

PC: go2india.in

ગુજરાતના મંદિરોમાં દર્શન કરવા જવું હોય તો ભક્તોને લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. કોઇ મંદિરમાં લાગવગ ચલાવીને કે દાન આપીને પહોંચ મેળવીને ગર્ભગૃહમાં જઇને દર્શન અને પૂજા કરવાનો લહાવો મળે છે પરંતુ રાજકીય નેતાઓને રૂપિયા ખર્ચવા પડતા નથી, એ હકીકત છે. આ નેતાઓ લાઇનમાં ઉભા રહેતા નથી. તેઓ જ્યારે મંદિરમાં એન્ટર થાય છે ત્યારે લોકો માટે ટ્રસ્ટીઓ દર્શન બંધ કરે છે. ભક્તોને અટકાવે છે.

ગુજરાતના મોટા મંદિરોમાં સામાન્ય ભક્તજનો અને વીવીઆઇપી કલ્ચર વચ્ચેનો આવો તફાવત વર્ષોથી જોવા મળે છે. શું રાજકીય નેતાઓ ભક્તોની વચ્ચે રહી લાઇનમાં ઉભા રહી દર્શન કરી શકે નહીં, તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે પરંતુ રાજ્યના યાત્રાધામોમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદસભ્યો કે રાજકીય પાર્ટીના આગેવાનો દર્શન કે પૂજા કરવા આવે તો તેમના માટેના દ્વાર અલગ હોય છે. સામાન્ય જનતાને તે દ્વારમાંથી પ્રવેશ અપાતો નથી.

ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ગુજરાતના મોટા અને ખ્યાતનામ મંદિરોમાં રાજકીય નેતાઓની આગતા સ્વાગતા માટે ટ્રસ્ટ અને સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ નેતાઓ તેમના પોતાના પૈસે દર્શન કરતા નથી પરંતુ ટ્રસ્ટના રૂપિયાથી તેઓ છેક ગર્ભગૃહના દર્શન કરે છે. મોટા મંદિરોમાં જતા રાજકીય નેતાઓ ક્યારેય દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા નથી.

જ્યારે કોઇ વીવીઆઇપી નેતા દર્શને જાય તો ટ્રસ્ટીઓ અને વહીવટી તંત્ર માર્ગ બંધ કરી દે છે. કોઇપણ રાજનેતા અંબાજી, બહુચરાજી કે પાવાગઠ જેવા મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તેમને માતાજીની સન્મુખ રહીને પૂજા કરાવવામાં આવે છે. આ નેતા સોમનાથ, દ્વારકા કે ડાકોર જાય ત્યારે પણ ટ્રસ્ટીમંડળ તેમને ગર્ભગૃહમાં લઇ જઇને ભગવાનના દર્શન તેમજ પૂજા કરાવે છે. આ નેતાઓ સલામતી જવાનો વચ્ચે રહીને દર્શન કરે છે ત્યારે સામાન્ય ભક્તજનો માટે દરવાજા બંધ કરી દેવામાં આવે છે.

ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓની આગતા સ્વાગતા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એક વર્ષમાં આઠ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. એવી જ રીતે સોમનાથદ્વારકા અને ડાકોરમાં પણ આટલી રકમનો ખર્ચ થાય છે. સરકારના મંત્રી કે પાર્ટીના નેતાઓ જ્યારે દર્શનાર્થે જાય છે ત્યારે ટ્રસ્ટીમંડળ તેની સરભરામાં ખડેપગે હોય છે.

મંત્રીનેતા અને તેમના પરિવારની સ્વાગતા માટે ટ્રસ્ટીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. ધર્મસ્થળોમાં આવો શિષ્ટાચાર સામાન્ય દર્શનાર્થીઓના ભોગે થતો હોય છે. હિન્દુત્વ અને રામ કે ભગવાન શિવના નામે દુહાઇ દેવામાં આવે છે પરંતુ આ રાજનેતાઓની આગતા સ્વાગતા માટે ટ્રસ્ટમાં અલગ ભંડોળ રાખવામાં આવે છે જે હકીકતમાં તો ભક્તો દ્વારા કરવામાં આવેલા દાનની રકમ હોય છે. ટ્રસ્ટીમંડળ દ્વારા આપવામાં આવતી ભેટસોગાદો લેતાં નેતાઓ ખચકાતા પણ નથી. તેમની આ મુલાકાત દરમ્યાન રહેવાનો તેમજ જમવાનો ખર્ચ પણ ટ્રસ્ટ કરતું હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp