જવાનો સાથે ઉજવણી કર્યા વગર મારી દિવાળી અધૂરી છેઃ PM મોદી

PC: PIB

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળો સાથે દિવાળીની ઉજવણી કરવાની પોતાની પરંપરાને આગળ વધારી ભારતીય સરહદની લોંગેવાલા પોસ્ટ પર જઇને જવાનો સાથે દિવાળી ઉજવી હતી અને જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ તેમને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમની દિવાળીની ઉજવણી ત્યારે જ પૂરી થાય છે જ્યારે તેઓ જવાનો સાથે ઉજવણી કરે, ભલે તેના માટે હિમાચ્છાદિત શિખરો પર કે પછી રણમાં જવું પડે. તેમણે સરહદે તૈનાત જવાનોને પ્રત્યેક ભારતીયો વતી દિવાળીની શુભેચ્છાઓ, આશીર્વાદ અને શુભકામનાઓ પહોંચાડ્યા હતા. તેમણે તમામ હિંમતવાન માતાઓ અને બહેનોને પણ શુભેચ્છા પાઠવી હતી અને તેમના બલિદાનને વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓ વતી સશસ્ત્ર દળો સમક્ષ કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 130 કરોડ ભારતીય સશસ્ત્ર દળોની પડખે અડગ રીતે ઉભા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર એવો જ દેશ સુરક્ષિત છે જે હુમલાખોરો અને ઘુસણખોરોનો સામનો કરવાનું સામર્થ્ય ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહયોગમાં ભલે ગમે તેટલી પ્રગતિ થાય અને સમીકરણોમાં પરિવર્તનો આવે તો પણ, આપણે એ વાત ક્યારેય ના ભૂલવી જોઇએ કે સતર્કતા એ દેશની સુરક્ષાની ચાવી છે અને સતર્કતા જ દેશની ખુશીઓનો આધાર છે, તેમજ તાકાત એ વિજયનો વિશ્વાસ છે.

પ્રધાનમંત્રીએ જાહેર કર્યું હતું કે ભારતની નીતિ બહુ સ્પષ્ટ છે - આજનું ભારત પારસ્પરિક સમજણ અને સ્પષ્ટતામાં માને છે, પરંતુ જો કોઇ આપણી કસોટી કરવાની હિંમત કરશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

તેમણે જાહેર કર્યું હતું કે, આજે, આખી દુનિયા જાણે છે કે આ દેશ પોતાના રાષ્ટ્રીય હિતો બાબતે ક્યાંય પણ બાંધછોડ નહીં કરે. ભારતની આ સ્થિતિ તેની બહાદુરી અને સામર્થ્યનું જ પરિણામ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષાના કારણે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બળપૂર્વક અગ્રેસર રહેવા માટે સમર્થ છે, ભારતની સૈન્ય શક્તિએ તેની વાટાઘાટોની શક્તિ વધારી છે. ભારત ત્રાસવાદીઓના ઠેકાણાઓનો તેમના ઘરમાં ઘુસીને સફાયો કરે છે.

તેમણે કહ્યું હતું કે, ભારત વિસ્તારવાદની વિચારધારા સામે એક પ્રબળ અવાજ તરીકે ઉભરી આવ્યું છે. આખી દુનિયા વિસ્તારવાદી તાકાતોના કારણે મુશ્કેલીમાં સપડાયેલી છે જે 18મી સદીની વિચારધારાની માનસિકતા પ્રતિબિંબિત કરે છે.

આત્મનિર્ભરતા અને ‘વોકલ ફોર લોકલ’ના આગ્રહનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં દળો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 100 હથિયારો અને ઍક્સેસરીની હવે પછી આયાત કરવામાં આવશે નહીં. વોકલ ફોર લોકલના માર્ગે મોરચો સંભાળવા બદલ તેમણે સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોની જરૂરિયાતો પૂરી કરવા માટે શક્ય હોય એટલા વધુ સ્ટાર્ટઅપની શરૂઆત કરીને સશસ્ત્ર દળો માટે ઉત્પાદન કરવાનું દેશના યુવાનોને આહ્વાન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, યુવાનોના નેતૃત્ત્વ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સના પ્રારંભથી દેશ આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોથી પ્રેરણા લઇને, દેશ મહામારીના સમયમાં દરેકે દરેક નાગરિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકો માટે ભોજન સુનિશ્ચિત કરવાની સાથે સાથે, દેશ અત્યારે અર્થતંત્રને ફરી પાટે ચડાવવાની દિશામાં પણ કામ કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી જવાનોને ત્રણ બાબતો ખાસ જણાવી હતી જેમાં સૌથી પહેલી વાત, આવિષ્કારને તેમના દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે કહ્યું હતું. બીજું, યોગને તેમના દૈનિક જીવનનો હિસ્સો બનાવવા કહ્યું હતું અને ત્રીજું, પોતાની માતૃભાષા, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઓછામાં ઓછી અન્ય એક ભાષા શીખવા માટે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું, આમ કરવાથી તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે.

પ્રધાનમંત્રીએ લોંગેવાલા ખાતેના કિર્તીપૂર્ણ યુદ્ધની વાતો યાદ કરી હતી અને કહ્યું હતું કે, વ્યૂહાત્મક આયોજન અને સૈન્યની બહાદુરીના વૃત્તાંતોમાં તે યુદ્ધને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ એવો સમય હતો જ્યારે પાકિસ્તાનનો ગંદો ચહેરો ઉઘાડો પડી ગયો હતો કારણ કે તેમનું સૈન્ય બાંગ્લાદેશના નિર્દોષ લોકો પર અત્યાચાર કરી રહ્યું હતું અને દીકરીઓ તેમજ બહેનો સાથે દુર્વ્યવહાર કરી રહ્યું હતું. પાકિસ્તાને વૈશ્વિક ધ્યાન બીજે દોરવા માટે પોતાની પશ્ચિમી સરહદો તો ખોલી દીધી હતી પરંતુ આપણા સૈન્ય દળોએ તેમને યોગ્ય જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp