26th January selfie contest
BazarBit

પરીક્ષાના ટેન્શનમાં ધો. 12ના વિદ્યાર્થીનો ગળા પર ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ

PC: youtube.com

પરીક્ષાના ટેન્શનમાં આવીને ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. વિદ્યાર્થીઓના આપઘાત અટકાવવા માટે ઘણી સંસ્થાઓ જાગૃતિનું કામ કરી રહી છે. ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, પરીક્ષામાં ઓછા માર્ક્સ મળવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આપઘાતનો રસ્તો અપનાવે છે, પરંતુ સુરતમાં એક વિદ્યાર્થી પરીક્ષા પહેલા એટલો ડિપ્રેશનમાં આવી ગયો કે, તેણે પોતાના ગળા પર ચપ્પુ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતા તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, પાંડેસરાના ગણેશનગરમાં રહેતા અને ધોરણ 12ની પરીક્ષા તૈયારી કરતા વિજયે બપોરના સમયે પોતાના ગળા પર શાકભાજી કાપવાનું ચપ્પુ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિજય બિહારમાં પરીક્ષા આપવા જવાનો હતો અને ગત વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થયો હતો, તેથી તે બીજીવાર પરીક્ષા આપવા જવાનો હતો. પરીક્ષાના વધતા જતા ટેન્શનના કારણે વિજયે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિજયે 12 સેમી લાંબો અને ઊંડો ઘા પોતાના ગળા પર કર્યો હતો. આ સમગ્ર મામલે વિજયના પરિવારને જાણ થતા પરિવારજનોએ 108ને જાણકારી આપી હતી. 108 ગણતરીના સમયમાં વિજયના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ વિજયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં વિજયની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ વિજયના ગળા પર 60 ટાંકાઓ લઇને વિજયનો જીવ બચાવ્યો હતો. વિજયે પોતાની જાતે જ ગળા પર ઊંડો ઘા કર્યો હોવાના કારણે તેની શ્વાસનળી અને અન્નનળી કપાઈને ભેગી થતા લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું અને તે બેભાન અવસ્થામાં ચાલ્યો ગયો હતો. હાલ વિજયની હાલત નોર્મલ છે. (વિદ્યાર્થીનું નામ બદલ્યું છે.)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp