26th January selfie contest
BazarBit

DPS નિત્યાનંદ કાંડઃ CBSEએ માન્યતા રદ કરતા પ્રિંસિપાલે હાથ અદ્ધર કરતા કહ્યું..

PC: cbse.nic.in/

કોઈ પણ વ્યકિતને સફળતા મળે પછી પ્રમાણભાન જાળવવુ ખુબ જરૂરી હોય છે. આવુ જ મંજુલા શ્રોફ સાથે પણ થયુ. ડીપીએસ સ્કુલ જેવી પ્રતિષ્ઠિત ગણાતી સ્કુલ શરૂ કર્યા પછી તેમની સ્કુલમાં પ્રવેશ લેવા માટે રાજયના અનેક શ્રીમંતો અને મંત્રીથી લઈ સંત્રી સુધીના લોકો મંજુલા શ્રોફ સામે અદબવાળી ઉભા રહેતા હતા. જેના કારણે મંજુલા શ્રોફ પોતાનો સર્વોપરી માનવા વાગ્યા હતા. કાયદાને ખીસ્સામાં મુકી પોતાની મનમાની કરવા લાગ્યા હતા. નીત્યાનંદ બાબાનો પ્રશ્ન વ્યકિતગત હોવાને કારણે તેને બાજુ ઉપર મુકીએ તો કેન્દ્ર અને રાજય સરકારની સત્તાઓની પણ અવગણના કરવા લાગ્યા હતા. પરંતુ જયારે પણ કોઈ વ્યકિત પોતે કાયદાથી પરથી તેવુ માને ત્યારે પટકાય છે. આવુ જ કંઈક થવાની શરૂઆત થઈ છે.

ડીપીએસ ઈસ્ટ સ્કુલની જમીન ખેડુતનના નામે હોવા છતાં ગુજરાત સરકારે એનઓસી આપ્યુ છે તેવો દસ્તાવેજ સીબીએસસી સામે રજુ કરી તેની માન્યતા લીધી. નીત્યાનંદ બાબામાં વ્યસ્ત મંજુલા શ્રોફ ભુલી ગયા કે બાબા તેમને આ મામલે મદદ કરી શકે તેમ નથી. આ પ્રકરણમાં ગુજરાત સરકારે આકરૂ વલણ દાખવતા ભાંડો ફુુટયો કે ગુજરાત સરકારે એનઓસી આપ્યુ નથી. જેના ગુજરાત સરકારે જાણ કરતા સીબીએસસીએ સ્કુલની માન્યતા રદ કરી. બીજી તરફ પ્રાથમિક શાળા માટે ગુજરાત સરકારે જે મંજુરી આપી હતી તેની કાયદાની પુર્તતા કરવા માટે ગુજરાત સરકારે અનેક વખત જાણ કરી. પણ પોતાનું કાયદો કઈ બગાડી શકે નહીં તેવુ માનતા મંજુલા શ્રોફ ભુલી ગયા કે હવે તેમનો સમય પુરો થયો છે. હવે ગુજરાત સરકારે આકરી થઈ પ્રાથમિક સ્કુલની માન્યતા પણ રદ કરી નાખવાની જાહેરાંત કરી છે. એટલુ જ નહીં ગુજરાત સરકારે વાલીઓ પાસેથી લેવામાં આવેલી બીજી ટર્મની ફિ પણ પરત કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલા પછી પોતાના બાળકો માટે ચિંતિત વાલીઓ ડીપીએસ સ્કુલ ઉપર પહોંચ્યા હતા અને તેમને પ્રિન્સીપાલ હિતેશ પુરી પાસે શાળાના દસ્તાવેજ માંગતા પુરી કોઈ દસ્તાવેજ બતાવી શકયા ન્હોતા. તેમણે આ મામલે સરકાર સાથે વાત ચાલી રહી હોવાનું જણાવી પોતાની ફરજ પુરી કરી હતી. જો કે વાલીઓ આક્રમક મુડમાં હતા. તેમનો મુડ જોઈ હિતેશ પુરીએ સલાહ આપી કે આ મામલે તેઓ મુખ્યમંત્રીને રજુઆત કરવા સહિત જાહેરહિતની અરજી કોર્ટમાં કરી શકે છે. જો કે વાલીઓની બેઠક બાદ હિતેશ પુરીને પોલીસ પ્રોટેકશન હેઠળ સ્કુલની બહાર લઈ જવાની ફરજ પડી હતી. કેટલાંક વાલીઓ આ મુદ્દે રજુુઆત કરવા ગાંધીનગર પણ પહોંચ્યા હતા. આમ કેન્દ્ર અને ગુજરાત આકરી થતાં મંજુલા શ્રોફ એન્ડ મંડળના પગ નીચેની ચાદર ખેંચાઈ ગઈ છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી વિકટ સ્થિતિમાં આવી ગયેવા મંજુલા શ્રોફ અને ડીપીએસનો સ્ટાફ આ મુદ્દે ભેદી મૌન ધારણ કરી બેઠો છે. પત્રકારો પણ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે અને તેમના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી પણ સ્થિતિ બગડતા ડીપીએસના ઓએસડી ઉન્મેશ દિક્ષીત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે સીબીએસસી દ્વારા શો કોઝ આપ્યા પછી કુદરતી ન્યાયના સિધ્ધાંત પ્રમાણે સમય આપ્યા વગર માન્યતા રદ કરી છે જે અંગે અમે સક્ષમ સત્તામંડળ સામે રજુઆત કરીશુ. જો કે દિક્ષીતે ગુજરાત સરકારે રદ કરેલી માન્યતા અંગે મૌન ધારણ કર્યુ છે. બીજી તરફ આ મામલે શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ નોધાવ્યા પછી પોતાના ઘરેથી નિકળી ગયેલા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુવા આગોતરા જામીન લેવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યા છે. આ મામલે કોર્ટ બે દિવસ બાદ સુનવણી કરશે. જો કે ત્યાં સુધી મંજુલા શ્રોફ , હિતેન વસંત અને અનિતા દુઆએ પોલીસથી બચવુ પડશે કારણ જો તે પહેલા ઝડપાઈ જાય આગોતરા જામીનનો અર્થ રહેશે નહીં.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp