ચૂંટણીમાં પહેલીવાર શિક્ષણનો મુદ્દો, જાણો શું છે ગુજરાતની હકીકત

PC: indianexpress.com

2022નું ચૂંટણી યુદ્ધ શિક્ષણ અને ઠગના નામે ખેલવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ત્રણેય પક્ષો શિક્ષણની વાતો જોરશોરથી કરશે. પણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ્યાં ભણવા જાય છે એ વિદ્યાની દેવી રહે છે એ શાળાઓના ઓરડા જ તૂટી રહ્યાં છે. નવા બનતા નથી.

પ્રાથમિક શિક્ષણની કેવી હાલત છે તે જોવા જેવી છે. છેલ્લા 5 વર્ષમાં 4 લાખ નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા હોવાનું શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું છે. જે વિક્રમજનક આંકડો છે.ગત વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમોનાં શ્રેષ્ઠ પરિણામો આજે મળી રહ્યા છે. NCERT દ્વારા કરાયેલા નેશનલ એચિવમેન્ટ સર્વેમાં આપણા રાજ્યની સરકારી શાળાઓ ધોરણ 3 થી ના વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે દેશભરમાં ટોચ પર રહી છે. રાષ્ટ્રના સરેરાશ દેખાવ કરતા પણ રાજ્યનો દેખાવ સારો રહ્યો છે.

4 વર્ષમાં ઉત્સવો અને કાર્યક્રમોથી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે. એવો દાવો સરકાર કરે છે. પણ વાસ્તવિકતા અલગ છે. ગુજરાતમાં ખાનગી અને સરકારી 35 હજાર પ્રાથમિક શાળાઓમાં 80 લાખ વિદ્યાર્થીઓ ભણે છે.

મુખ્યમંત્રી ભિક્ષુકોનાં બાળકોને ભણાવવા માટે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ મોબાઇલ વાન શરૂ કરી છે. પણ છેલ્લાં બે વર્ષમાં એક પણ ઓરડો બન્યો નથી. ગુજરાતમાં 19,128 ઓરડાની અછત 2021માં હતી આજે તે વધીને 20 હજાર થઈ ગઈ છે.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. વર્ષ 2020-21માં 18 હજાર 537 ઓરડાની ઘટ હતી. 2020-21માં રાજ્યમાં માત્ર 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા હતા.

વર્ષે 600 નવા ઓરડા ઓછા થતાં જાય છે. નવા તેની સામે ઓછા બને છે. રાજ્યમાં 5439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્‍ડ વોલ પણ નથી.

મંજૂરી

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. 2 વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે. સૌથી વધુ અમદાવાદમાં 1728, રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે. રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ ,5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી શાળાઓને મંજૂરી અપવામાં આવી છે. માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી અપાઇ છે.

16 હજાર શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસાવશે. 35133 ધોરણ 1થી 12ની સરકારી શાળા સ્કૂલો પૈકી 50 ટકા સ્કૂલો એટલે કે 150થી વધુ વિદ્યાર્થીઓ મોનિટરિંગ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે.

પુરતા ઓરડા, લાયબ્રેરી, લેંગ્વેજ લેબ, STEM લેબ વગેરે તેમજ ડિજિટલ સંસાધનો જેમકે ટેબલેટ, લેપટોપ, કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ રાજ્યમાં શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ માટે કોઈ MOU કરવામાં આવ્યાં છે.

MOU હેઠળ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સના વિદ્યાર્થીઓ માટે એક્સેલેન્ટ કરીક્યુલમ બનાવવામાં આવશે. ધોરણ 6થી આઠમાં ગુજરાતી અંગ્રેજીનું દ્વિભાષિય શિક્ષણ તેમજ ધોરણ 9 પછી અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવશે. આ માટેનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સહયોગથી તૈયાર કરવામાં આવશે

રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં 19,128 ઓરડાની ઘટની વાત શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકારી છે.

ક્યાં કેટલા ઓરડાની ઘટ

સુરેન્દ્રનગર  508

બોટાદમાં 119,

અમદાવાદમાં 477,

સુરતમાં 285

જૂનાગઢમાં 356,

અમરેલી 319,

નવસારીમાં 352,

વલસાડમાં 759

ખેડામાં 990

આણંદમાં 670

બનાસકાંઠા 1532,

મહેસાણામાં 947,

ગાંધીનગરમાં 427,

નર્મદામાં 183,

રાજકોટમાં 373,

પોરબંદરમાં 57,

કચ્છમાં 885,

મોરબીમાં 146,

આણંદમાં 782,

ભરૂચમાં 598,

તાપીમાં 162

ડાંગમાં 154

જામનગર 302,

દ્વારકા 185,

મહીસાગરમાં 630,

દાહોદમાં 1688,

પંચમહાલમાં 1209,

સોમનાથમાં 188

ભાવનગર 966

અરવલ્લી 734

સાબરકાંઠામાં 941,

વડોદરામાં 505

છોટાઉદેપુરમાં 576

સરકાર શું કહે છે

ભાજપે 28 વર્ષમાં 2.50 લાખ ઓરડા બનાવ્યા છે. 2.5 હજાર ઓરડા બને છે. રાજ્યની શાળાઓમાં  10 હજાર ઓરડાઓ બનાવવા 9037 કરોડ ફાળવ્યા છે.

વર્ષ આેરડાઆેની ઘટ

2015 8,388

2018 16,008

2021 18,573

2021-22  19,128

2022-23 20,300

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 18,537 ઓરડા ઘટ, 6 વર્ષમાં 10,149નો ઘટાડો. 2015માં ઓરડાની ઘટ 8388ની હતી. 2018માં 16800 થયા હતા.2019માં 18537 થયા, 6 વર્ષોમાં 10149નો વધારો થયો હતો.આવું જ ચાલશે તો ઓરડાની ઘટતા બીજા 21 વર્ષના ભાજપના રાજમાં પૂરા નહીં થાય

સ્ત્રીઓ અભણ બની રહી છે

ગુજરાતમાં 25 ટકા વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર દેશમાં 13.5 ટકા છોકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેવા એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ (ASER) કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા પોલ ખોલી નાંખી છે.

એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ (ASER) વાંચન, ગણન, લેખનની સાથોસાથ શિક્ષણમાં સુવિધા, ડ્રોપ આઉટ અને શિક્ષણના સ્તર નીચું છે. ગુજરાતમાં 14 થી 16 વર્ષની 24.9% કન્યા શાળા શિક્ષણ મેળવી શકતા નથી.

ખાનગી માધ્યમિક શાળાઓમાં વર્ષે 7 વર્ગો 5 વર્ષથી વધી રહ્યાં છે. તે પ્રાથમિક શાળા પછીનું પતન બતાવે છે. યુવાનો તેથી પછાત રહે છે. ગુજરાતમાં 1 લાખ યુવાનો માટે  માત્ર 30.5 ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે. જે ગુજરાતની કુલ વસતી પ્રમાણે 5.09 ટકા જ છે. તેની સીધો મતલબ કે ગુજરાતની માત્ર 5 ટકા પ્રજા કોલેજ પુરી કરે છે. દેશમાં ગુજરાત હવે 16માં નંબર પર આવીને ઊભું છે. ગુજરાત ઉચ્ચ શિક્ષણ માટે હવે પછાત રાજ્ય બની ગયું છે.

શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓમાં શિક્ષણ એટલું મોંઘુદાટ કરી દેવાયું છે કે મહીને રૂ.25,000ની આવક ધરાવનારાં માં-બાપ માટે સંતાનોના શિક્ષણ માટે દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી. ત્યારે રાજ્યમાં બેફામ ટ્યુશન પ્રથા, મોંઘા શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તાના અભાવને લીધે પ્રવર્તતી અરાજકતા અને અજંપાની સ્થિતિ માટે ભાજપ સરકારની સંચાલકો સાથેની ભાગબટાઈ 50 લાખ બાળકો પર ફીનો બોજો આવી રહ્યો છે.

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં 18 ટકા બાળકો શાળા અધવચ્ચે જ છોડી દે છે. તેઓ આઠ ધોરણનું શિક્ષણ પણ પૂરું કરતાં નથી. તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ 140 કરતાં વધુ તાલુકામાં 22 ટકા થી 45 ટકા ડ્રોપઆઉટ રેશિયો છે, ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ 40,746 છે અને તેમાં ખાનગી 7,191 શાળા છે.

સરકારી 33,518 છે અને તેમાં 72.51 ટકા શાળાઓ જ ધોરણ-1 થી ધોરણ-8 ધરાવે છે. એટલે કે, 27.49 ટકા શાળાઓમાં આઠમું ધોરણ નથી.  જે શિક્ષણ અધિકારના કાયદા મુજબ 8મું ધોરણ હોવું જોઈએ. આમ, ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવતું જ નથી. જ્યારે રાજ્ય સરકાર ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ હોવાનું ગપ્પું મારે છે. સરકારે ફી પર નિયમન કરતો જે કાયદો “ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી) નિયમન ધારો-૨૦૧૭” કર્યો છે તે જ છેતરપીંડીવાળો છે.

રાજ્યના 958 કેન્દ્રોમાં 4.72 લાખ વિદ્યાર્થીઓએ S.S.C પરીક્ષા આપી જેમાં 62.18 ટકા પરિણામ જાહેર થયું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ છાત્રોને 1318 કરોડની સહાય અપાઇ છે. ટોપ ક્લાસ સ્કૂલને પાંચ વર્ષમાં સમગ્ર ભારતની 21 હજાર શાળાઓને શોર્ટલિસ્ટ કરી 1608 કરોડ શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર આપશે.ટોપ ક્લાસ 259 કોલેજોને શોર્ટલિસ્ટ કરી 2342 કરોડ રકમની શિષ્યવૃત્તિ અપાશે.

RTE ACT-2009 બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25  ટકા ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTEVમાં 10 હજાર શાળાઓમાં 71400 બાળકોની જગ્યા છે.  13 હજાર જગ્યા ખાલી રહી હતી. વર્ષ 2007-08થી અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલ બનાવવાની શરૂઆત થઇ છે. જેમા અત્યાર સુધી અમદાવાદમાં 11 જેટલી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે.

1.38 કરોડમાં તૈયાર થયેલ સ્માર્ટ સ્કૂલ આનંદ સાથે શીખવે છે. બાળમાનસની બુધ્ધિક્ષમતાનો આંક ઉંચો લાવશે. રાજય સરકારે શીલજ અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા અનેક બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો. અનુપમ પ્રાથમિક શાળામાં 679 કરતાં વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે એપ્રિલ 2022માં આ શાળાનું લોકાર્પણ કર્યું હતું. નૈસર્ગિંક શક્તિ, જિજ્ઞાસા ઉત્પન્ન થાય તેવું વાતાવરણ છે. 1થા 2 ધોરણના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગના ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક કિટમાં રમકડાથી ભણાવવામાં આવે છે.

રંગીન બેઠક, દિવાલો પર માસના નામ, વાહનો,પશુ-પંખીઓની ઓળખ, રૂતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું ચિત્રકામ કરવામાં આવ્યું છે. બાળમાનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. રમતગમત માટે મેદાન છે.

સીડીના પગથિયાઓ પર ગુજરાતી અને અંગ્રેજીમાં 1થી 100 અંક અને ABCD  લખી છે. પગથિયા ચડતા બોલતા જાય સાથે શીખતા જાય છે. શાળાની દિવાલોને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક માહીતીસભર વાર્તાઓથી સુંદર કલાત્મક ચિત્રસભર બનાવવામાં આવી છે.

શાળામાં ધો.5થી 8ના વિધાર્થીઓ માટે 4 સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર ક્લાસમાં વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. પ્રોજેકટર, કેમેરા અને વાઇફાઇ છે. લેપટોપ છે. ગણિત અને વિજ્ઞાન લેબોરેટરી છે. રામહાટ ખોયા-પાયા પેટી છે.

બીજી એક શાળા

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં અવનવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતા મળી છે. શિક્ષણની વાત કરીએ તો આ શાળામાં સોફોસ કંપની દ્વારા શાળાને 1.37 કરોડ નાં ખર્ચે અદ્યતન નવું બિલ્ડિંગ પ્રાપ્ત થયું. અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થીએ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો છે અને તેને પગલે બની છે.

આમ સારી શાળા 8 ધોરણ સુધીની બનાવવી હોય તો જમીન વગર 1.40 કરોડ રૂપિયા જોઈએ. એક વર્ગ ખંડ બનાવવા માટે 15 લાખ જોઈએ. તે હિસાબે 20 હજાર ઓરડાઓ બનાવવાના થાય છે. તે હિસાબે માત્ર 3 હજાર કરોડ સરકારે આપવાના થાય છે. જે બજેટમાં પૂરી રકમ શિક્ષણ પાછળ ફાળવવામાં આવતી ન હોવાથી ઓરડા બંધાતા નથી.

5 વર્ષમાં રૂ.10 હજાર કરોડના  ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 50 ટકા 20 હજાર શાળાઓને વિશ્વ-કક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી ઉત્કૃષ્ટ બનાવાશે.  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઓનલાઇન રીઅલટાઇમ મોનીટરીંગ થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઇન હાજરી, એસેસમેન્ટ, ગુણોત્સવ ૨.૦, ટેક્નોલોજી આધારીત લર્નિગ, જી-શાળા, CRC/BRC મોનિંટરીંગ  થાય છે.શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શૈક્ષણિક ગુણવત્તા સુધારવી પડે તેમ છે.

અંગ્રેજી શાળાનું પરિણામ

શિક્ષણ પ્રધાને અંગ્રેજી માધ્યમ જાહેર કરીને વર્ગ શરૂ કરાવ્યા છે. પણ ગુજરાતી ભાષા જ મરવા પડી છે. શાળામાં ભણતાં 40 ટકા બાળકોને ગુજરાતી આવડતું નથી. ગુજરાતના લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ નથી. તેઓ અંગ્રેજીના પ્રભાવમાં છે. મુંબઈમાં ગુજરાતી શાળાઓ મરવા પડી છે. વિદેશમાં વસતા 1 કરોડ ગુજરાતીઓને ગુજરાતી ભાષા લખતા આવડતી નથી. ગુજરાતી ભાષાની શાળાઓ હવે ઘટી રહી છે અને ગુજરાતી ભાષાના વિષયોમાં વિદ્યાર્થીઓ ઠોઠ બની રહ્યાં છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાતી ભાષામાં 2,35,302 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા એટલે કે 34 ટકા બાળકો ગુજરાતીમાં ઠોઠ જાહેર થયા હતા. તેની સામે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.35 ટકા આવ્યું હતું. તેમાં 4,429 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે બતાવે છે કે અંગ્રેજી ઉપર લોકો વધારે ધ્યાન આપી રહ્યાં છે. ગુજરાતી પ્રત્યે બહુ ધ્યાન આપવામાં આવતું નથી.

અંગ્રેજી શાળા

રાજ્ય સરકારી 33,000 શાળા છે. 98 ટકા ગુજરાતી છે. આ વર્ષે 100 અંગ્રેજી શાળા સરકાર પોતે શરૂ કરશે. કોરોનાના કારણે 5 લાખ વિદ્યાર્થીઓ ખાનગી અને 10 લાખ વિદ્યાર્થીઓએ સરકારની શાળાઓ છોડી ગયા હતા. તેની ચિંતા નથી.

અમદાવાદ મહાનગરપાલિકા આ વર્ષે 50 અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની છે. 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી.

વર્ષ 2021ના ગુજરાત સરકારના શિક્ષણવિભાગના એક રિપોર્ટ પ્રમાણે રાજયભરમાં 11958 શાળાઓ છે.  91,462 શિક્ષકો છે. જો વર્ષ 2020ના ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનાં પરિણામોની વાત કરવામાં આવે તો 'અમદાવાદ મિરર'ના એક અહેવાલ પ્રમાણે અંગ્રેજી અને હિંદીની સરખામણીએ ગુજરાતીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી હતી.

1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. અંગ્રેજીમાં  99 ટકા વિદ્યાર્થીઓ ફત્તિર્ણ થયા હતા. ગુજરાતીમાં 82 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.  જ્યની કુલ શાળામાંથી 75 ટકા શાળાઓ ગુજરાતી માધ્યમની છે.

દર વર્ષે 300 ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલે છે. 6 વર્ષમાં અંગ્રેજી માધ્યમની 1687 ખાનગી શાળા શરુ થઈ છે. રાજ્યમાં કુલ 43,176 પ્રાથમિક શાળાઓ હતી. અંગ્રેજી માધ્મની ખાનગી પ્રાથમિક શાળાની સંખ્યા હવે 5 હજાર થઈ ગઈ છે.6 વર્ષમાં અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાની સંખ્યા બે ગણી  થઈ ગઈ છે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જે ગુજરાતી છે. ગુજરાતી ભાષાના 6 હજાર શિક્ષકો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp