આદિજાતિ સમાજની સુખસમૃદ્ધિ અને સુખાકારી માટે શિક્ષણ શ્રેષ્ઠ વિકલ્પ છે: નરેશ પટેલ

PC: khabarchhe.com

સરકારે પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સરકારી કન્યા છાત્રાલયના વિસ્તરણ કાર્ય અંતર્ગત રૂ.16 કરોડના ખર્ચે નવીન બિલ્ડીંગનું આદિજાતિ વિકાસ, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી કન્યા છાત્રાલયમાં હાલ 550 વિદ્યાર્થિનીઓ નિવાસ કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતા માંગરોળ તથા આસપાસના ઉમરપાડા, માંડવી, ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલીયા તાલુકા વિસ્તારની વિદ્યાર્થિનીઓ પ્રવેશથી વંચિત રહી જતી હતી. ઉપરાંત, વાંકલમાં આવેલી સ2કારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અંદાજે 4000 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓને છાત્રાલયમાં સમાવી શકાય એવા આશયથી નવા ભવનના નિર્માણનું આયોજન આદિજાતિ વિભાગે કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિજાતિ સમાજની સુખસમૃદ્ધિ અને સુખાકારી માટે શિક્ષણ શ્રેષ્ઠ વિકલ્પ છે. સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નમૂનેદાર અને અદ્યતન વિદ્યાના મંદિરો સાકાર કરી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના યુવાનો માટે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં બહુવિધ શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરીને રાજ્ય સરકારે આદિવાસીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ અગ્રેસર કર્યા છે.

તેમણે કુપોષણને નાથવાના રાજ્ય સરકારના પ્રયાસોને સહકાર આપી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા આદિજાતિ સમાજને આ તકે આહ્વાન કર્યું હતું. તેમણે સ્થાનિક વિસ્તારના નાગરિકોની સુખસુવિધા માટે અનેકવિધ વિકાસકાર્યોને સાકાર કરવામાં અથાગ પરિશ્રમ કરનાર જનપ્રતિનિધિ ગણપતસિંહ વસાવાની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વાડી ગામ સ્થિત સૈનિક શાળાની પણ મુલાકાત લીધી હતી, અને અહીં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી સૂચન સહ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મતિ ચંદનબેન ગામિત, કોસંબા એ.પી.એમ.સી. ચેરમેન દિલીપસિંહ રાઠોડ, સુરતના મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર અનિતા નાયક, અગ્રણી હર્ષદ ચૌધરી, દિપક વસાવા, રાજુ વસાવા, દિનેશ સુરતી, આદિજાતિ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp