શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે: CM રૂપાણી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉદ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

મુખ્યમંત્રીએ આજે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાની 16મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાધરાના બાળકોને ધોરણ-1માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-9 તથા ધોરણ-11મા વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.

બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. 1.45 કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂ. 5.08 કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના 60 ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય હતો કે બાળકો શાળાએ રડતા-રડતા જતા અને નામાંકનમાં ગુજરાત પછળ હતું પણ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 100 ટકા નામાંકનના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજ્યનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું ન રહે અને શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળાપ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે.

આદિજાતિ વિસ્તાર એવા પોશીના પટ્ટા સહિત સમગ્ર રાજ્યના વાલીઓ પાસેથી બાળકોને ભણાવાવનું વચન માંગતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રતિવર્ષ શિક્ષણના પાછળ રૂ. 27 હજાર કરોડ જેટલો માતબર ખર્ચ કરે છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે.

આદિજાતિ વિસ્તારમાં 45 એકલવ્ય શાળાઓ ઉભી કરી છે અને 550થી વધુ આશ્રમશાળાઓ ચાલે છે. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ વગેરે જગાએ મેડીકલ કોલેજનો નિર્ણય કર્યો છે. આદિજાતિ પટ્ટામાં શિક્ષકોની ભરતી પણ વેગવાન બનાવી છે તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકારે આદિજાતી બાળકોના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે.

મુખ્યમંત્રીએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓએ પણ રસ દાખવવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પોતાનું બાળક શાળાએ જાય છે કે નહી, ભણે છે કે નહી, તેમાં રસ-રૂચિ વાલી દાખવે તો બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે અને તો જ એક સુશિક્ષિત સમાજનું નિર્માણ થશે.

મુખ્યમંત્રીએ આજે પારસ વિદ્યાલયના એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી સૂચનો કર્યા હતા.

તેમણે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું.

આ પ્રસંગે પોશીના તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને કન્યા કેળવળી નિધિમાં રૂ. 25,000 પારસ વિદ્યાલયના દાતા અને ટ્રસ્ટી સંકીત દોશી દ્વારા રૂ. 51,000નો અને વ્યાપારી મહામંડળ દ્વારા રૂ. 51,000નો ચેક અર્પણ કરાયો હતો.

દાતા સંકીત, ઉત્તમ શિક્ષક ઇશ્વર વગેરેનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું. જ્યારે ધોરણ 3 થી 10ના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોક જોષી, સ્થાનિક અગ્રણી રૂમાલ ધ્રાંત્રી તાલુકા ભાજપા સંગઠન યુવા મોરચા–મહિલા મોરચના અગ્રણીઓ-હોદ્દેદારો, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp