મોબાઈલ ન હોવાના કારણે સરકારી શાળાના 80% વિદ્યાર્થી શિક્ષણથી વંચિત

PC: deccanherald.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શાળા અને કોલેજો બંધ હતી. ત્યારે વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય ન બગડે તે માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા ન મળ્યો હોવાનું સામે આવ્યું છે. એક સરવે અનુસાર જાણવા મળ્યું હતું કે, રાજ્ય સરકારી શાળામાં અભ્યાસ કરતા 80% વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસનો લાભ મળ્યો નથી. આ ઉપરાંત બીજી એક એવી પણ માહિતી મળી છે કે, રાજ્યના શિક્ષકો છેલ્લા પાંચ મહિનાથી કોરોનાની મહામારી વચ્ચે અલગ-અલગ સરવે કરવામાં વ્યસ્ત હોવાના કારણે તેઓ બાળકોને ભણાવવા માટેનો સમય આપી શક્યા નથી. તો સરકારી શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની પાસે મોબાઈલ ન હોવાના કારણે તે ઓનલાઈન અભ્યાસ કરી શક્યા નથી.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજોની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ નાના ધોરણના વિદ્યાર્થીઓને હજુ સુધી ઓનલાઈન અભ્યાસ કરાવામાં આવે છે. ત્યારે જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ન હોય તે વિદ્યાર્થીઓને કઈ રીતે અભ્યાસ કરી શકે. આ બાબતે શિક્ષકો કહે છે કે, મોટા ભાગે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પરિવારના સભ્યો બાળકોને ફોન અપાવી શકતા નથી. આ ઉપરાંત જો પરિવાર પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો પણ તેઓ બાળકને ઇન્ટરનેટનું રીચાર્જ કરાવી આપતા નથી. જેથી સરકારી શાળામાં અભ્યાસ કરતા ઘણા બાળકો શિક્ષણ મેળવી શક્ય નથી. આ ઉપરાંત સરકારી શિક્ષકો પણ રાજ્ય સરકારની સરવેની કામગીરી કરી રહ્યા હોવાના કારણે બાળકો પર ધ્યાન આપી શક્યા નથી.

સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય સોનલ ફળદુએ જણાવ્યું હતું કે, ઘણા બાળકો પાસે મોબાઈલ ન હોવાથી તેમને ઓનલાઈન શિક્ષણ મળી શક્યું નથી. તેથી વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે કઈ પૂછવામાં આવે તો તે તેમને ન આવડે. હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષાને ચાર મહિના બાકી રહ્યા છે. એટલે જ ચાર મહિનામાં બાળકોને આખા વર્ષનો અભ્યાસ કરાવવો પડે છે.

બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય બીના જોબનપુત્રાનું કહેવું છે કે, અમે અલગ-અલગ વિષયનો વીડિયો બાળકોના વાલીઓના મોબાઈલમાં મોકલતા હોઈએ છીએ પણ સ્માર્ટફોન ન હોય અથવા તો મોબાઈલ જ ન હોય તેવા બાળકો ભણી શકતા નથી.

આ ઉપરાંત વીર સાવરકર વિદ્યાલયના આચાર્ય એચ.આર. ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારથી ઓનલાઈન શિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી અમારા શિક્ષકો સરવેની કામગીરીમાં વ્યસ્ત હતા. સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ 100 રૂપિયા પણ ન ભરી શકે તો તેઓ કઈ રીતે મોબાઈલમાં રીચાર્જ કરાવી શકે. મોટાભાગના વિદ્યાર્થીઓની પરિસ્થિતિ નબળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp