દેશમાં પ્રતિભાની કમી નથી આવી પ્રતિભાને પાંગરવા અવસર આપીએ: રાજ્યપાલ

PC: Khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા દેશભરમાંથી પસંદ કરેલા એક હજાર જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સાથે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, દેશમાં પ્રતિભાઓની કમી નથી. પરંતુ અવસરના અભાવે આવી પ્રતિભા પાંગરતી નથી. યુવા અનસ્ટોપેબેલ સંસ્થા ને કોર્પોરેટ જગતના સહયોગીઓ દ્વારા આવી પ્રતિભાઓને શોધીને તેમના વિકાસ માટે જે સહયોગ આપવામાં આવે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. તેમણે યુવા અનસ્ટોપેબેલ સંસ્થાના સ્થાપક અમિતાભ શાહ અને તેમના ધર્મપત્ની રશ્મીબેન શાહનો આવા શ્રેષ્ઠ કાર્ય બદલ આભાર માન્યો હતો.

રાજ્યપાલે આ તકે જણાવ્યું હતું કે, સમાજના જરૂરતમંદ પ્રતિભાશાળી બાળકોને પોતાના બાળકની જેમ સુવિધા આપવી તેમના ઉત્કર્ષની ચિંતા કરવી એ ઇશ્વરીય કાર્ય છે. આ ઇશ્વરીય કાર્ય કરનારા અમિતાભ શાહ અને તેમના સહયોગીઓ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણનું રાષ્ટ્ર કાર્ય કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા રૂપિયા બે લાખથી ઓછી આવક ધરાવનારા પરિવારોના દેશભરના 10 હજાર બાળકોની પ્રતિભા કસોટી લઇને તેમાંથી ધો. 10માં 80 ટકાથી વધુ ગુણ મેળવનારા એક હજાર બાળકોની પસંદગી કરી ધો.11થી કોલેજ શિક્ષણ સુધીના છ વર્ષ સુધી આર્થિક સહાય અને મેન્ટર બનીને બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી સ્કોલરશીપ સ્વરૂપે સ્વીકારી છે. તેમના આ કાર્યમાં દેશભરના કોર્પોરેટ જગતના મહાનુભાવોનું આર્થિક યોગદાન મળી રહે છે. રાજ્યપાલે આ દાનશ્રેષ્ઠીઓને બિરદાવીને વિદ્યાદાનથી કોઇ દાન મોટું નથી એમ પણ જણાવી સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓને કઠોર પુરૂષાર્થ દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિ બનવા અનુરોધ કરી શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp