GTUના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ લેબના માધ્યમથી પ્રેક્ટિકલ કરી શકશે

PC: khabarchhe.com

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કૉલેજોના એન્જીનિયરીંગ અને બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ હવે વર્ચ્યુઅલ લેબના માધ્યમથી પ્રેકટીકલ કરી શકશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (આઈઆઈટી) મુંબઈની મદદથી ગુજરાતભરમાં જીટીયુના 25 નોડલ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. આવા એક સેન્ટરનું ઉદઘાટન જીટીયુના ગાંધીનગર કેમ્પસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે 300 પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબ વિશે તાલીમ પણ આપવામાં આવી હતી.

જીટીયુના સૌપ્રથમ વર્ચ્યુઅલ લેબ નોડલ સેન્ટરનું ઉદઘાટન ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી કે.કે. નિરાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ નોડલ સેન્ટરોના માધ્યમથી વર્ચ્યુઅલ લેબની જે સેવા ઉપલબ્ધ બનશે તેનો સહુથી વધારે ફાયદો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની કૉલેજોના વિદ્યાર્થીઓને થશે. તેઓ શહેરી વિસ્તારોની કૉલેજોની જેમ જ અત્યાધુનિક ઉપકરણો અને આઈઆઈટી સહિતની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓએ વિકસાવેલા મંચની મદદથી પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.

રાજ્ય સરકાર તમામ કૉલેજોમાં મૂળભુત સુવિધાઓ હોય એવો આગ્રહ રાખે છે, પણ તમામ કૉલેજો અત્યાધુનિક ઉપકરણોથી સુસજ્જ હોય એવી વ્યવસ્થા કરવા ઈચ્છતી હતી, તે હવે આ વર્ચ્યુઅલ લેબથી શક્ય બનશે. તેમાં અમને બજેટ કે ભૌગોલિક સમસ્યાઓ અડચણરૂપ નહિ બને. ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળનો આ યોગ્ય ઉપયોગ છે અને વિશ્વની ઝડપથી બદલાતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા આ સમયસરનું પગલું છે. આનાથી વિદ્યાર્થીઓ ઈનોવેશન અને રિસર્ચ કરવા પ્રેરાશે. વળી આવી લેબથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ તેમજ પ્રેકટીકલ કૌશલ્યો પૂરા પાડવાના ઉદ્દેશો પણ સાકાર થશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સંબોધતા કહ્યું હતું કે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ આઈસીટીના ભાગરૂપે જીટીયુને અન્ય યુનિવર્સિટીઓની સરખામણીએ સૌથી વધારે નોડલ સેન્ટરોની ફાળવણી કરી છે.

આઈઆઈટી મુંબઈના વેબ આધારિત પ્લેટફોર્મ (vlabs.iitb.ac.in)ની મદદથી આ વર્ચ્યુઅલ લેબની સુવિધા ઉપલબ્ધ થશે. જીટીયુ પહેલા પ્રાધ્યાપકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપશે અને પછી તાલીમ પામેલા પ્રાધ્યાપકો તેમના નોડલ સેન્ટર આસપાસની કૉલેજોના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબમાં પ્રયોગો કરતા શિખવશે. આ વ્યવસ્થાનો લાભ ફિઝીકલ સાયન્સ, બાયોમેડિકલ એન્ડ બાયોટેકનોલોજી, ઈલેક્ટ્રીકલ, કેમિકલ, મિકેનીકલ, સિવીલ એન્જી. તેમજ કેમિકલ સાયન્સ અને કૉમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને મળશે. આવા દરેક સેન્ટરે વર્ષના ઓછામાં ઓછા આઠ હજાર પ્રયોગો કરવા પડશે. સૌપ્રથમ આઠ હજાર પ્રયોગો પૂરા કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેન્ટરોને અનુક્રમે રૂ. 15 હજાર, 10 હજાર અને પાંચ હજારના ઈનામો આપવામાં આવશે.

આઈઆઈટી મુંબઈના વર્ચ્યુઅલ લેબ વિભાગના પ્રોજેક્ટ મેનેજર પુષ્પેન્દ્ર મિશ્રાએ આ કન્સેપ્ટની પૂર્વભૂમિકા સમજાવી હતી અને ઉમેર્યું હતું કે ઈન્ટરનેટની મદદથી દૂરની લેબોરેટરીમાં પ્રયોગો કરી શકાય એવી આ વ્યવસ્થા છે. પ્રથમ તબક્કામાં વર્ષ 2015થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યારે દેશભરમાં આવી 114 લેબમાં નવ વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ 1200થી વધુ પ્રયોગો સફળતાપૂર્વક કરી ચૂક્યા છે.

બીજા તબક્કામાં તેને લગતી તાલીમ દિલ્હી, મુંબઈ, ઔરંગાબાદ અને વડોદરામાં અગાઉ અપાઈ ચૂકી છે. હાલમાં 12 વર્ચ્યુઅલ લેબ કાર્યરત છે અને નવી 160 લેબ બનાવવાની દરખાસ્તો અમને મળી છે. નાસકોમ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ પ્રોજેક્ટની પ્રશંસા કરી છે. હવે ત્રીજા તબક્કામાં વર્ષ 2018થી આવી અનેક વર્ચ્યુઅલ લેબના પ્રાદેશિક નોડલ સેન્ટરો ખોલવામાં આવી રહ્યા છે. ટૂંકસમયમાં તેને લગતા બુટકેમ્પ પણ યોજવામાં આવશે.

યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં વર્ચ્યુઅલ લેબનો સમાવેશ કરાશે. આ યોજનામાં વધુને વધુ પોલિટેકનિક કૉલેજોને પણ આવરી લેવાનો અમારો પ્રયાસ રહેશે. વર્ચ્યુઅલ લેબ ત્રણ પ્રકારની રહેશે, જેમાં (1) મોડેલિંગ એન્ડ સિમ્યુલેશન લેબ્સ (ઈન્ટરએક્ટીવ એનિમેશન આધારિત શિક્ષણ), (2) મેઝરમેન્ટ આધારિત લેબ્સ (પ્રયોગોના ડેટા આધારિત શિક્ષણ) અને (3) રિમોટ ટ્રીગર્ડ લેબ્સ (દૂર રહેલા ઉપકરણોનું ઈન્ટરનેટથી શિક્ષણ)નો સમાવેશ થાય છે.

જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલે એવી માહિતી આપી હતી કે વર્ચ્યુઅલ લેબના નોડલ સેન્ટરો માટે જીટીયુએ 25 કૉલેજોને એવી રીતે પસંદ કરી છે કે જેથી તેની આસપાસના વિસ્તારોની કૉલેજોના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળી શકે. આ 25 કૉલેજોમાં એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ, સાલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગ રિસર્ચ, સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી તેમજ વિવિધ સરકારી ઈજનેરી કૉલેજો અને પોલિટેકનિક કૉલેજોનો સમાવેશ થાય છે.

આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે. જેનાથી તેઓ ઘરેથી પણ પ્રેકટીકલ કરી શકશે. દેશભરમાં આવા 474 નોડલ સેન્ટરો સ્થાપવામાં આવ્યા, તેમાં જીટીયુને 25 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. સામાન્ય લેબોરેટરીઓમાં પ્રયોગો કરવામાં વિદ્યાર્થીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે લેબની સાધનસામગ્રી 24 કલાક ખુલ્લી હોતી નથી, અત્યાધુનિક ઉપકરણો ખરીદવા જંગી ખર્ચ કરવો પડે છે, ઘણા પ્રયોગો જોખમી પણ હોય છે. બીજી બાજુ વર્ચ્યુઅલ લેબમાં આવા જોખમો દૂર થશે એટલું જ નહિ વિદ્યાર્થી ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રયોગો કરી શકશે.

જીટીયુ નોડલ સેન્ટરોના કો-ઓર્ડિનેટર પ્રો. વિરલ બોરીસાગરે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ લેબ વડે અમે પ્રાધ્યાપકોને નવા પ્રયોગોનું ડિઝાઈનિંગ કરવાની તક આપીશું. નવા પ્રયોગોને આઈઆઈટી-મુંબઈના નિષ્ણાતોની મંજૂરી મળે તો તેને વર્ચ્યુઅલ લેબના મંચ પર અપલોડ કરવામાં આવશે અને દેશભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

વર્ચ્યુઅલ લેબોરેટરીના વિવિધ ફાયદાઓ

  • વર્ચ્યુઅલ લેબમાં પ્રયોગો કરવા માટે સંસ્થામાં / નોડલ સેન્ટરમાં કોઇ જ પ્રકારના વધારાના માળખાકીય સુવિધાની જરૂર રહેતી નથી.
  • વર્ચ્યુઅલ લેબમાં પ્રયોગો કરવા માટે વિદ્યાર્થીને ફક્ત ઈન્ટરનેટની ફેસીલીટી ધરાવતા એક કોમ્પ્યુટરની જ જરૂરિયાત રહે છે.
  • ઘણી સંસ્થાઓમાં જરૂરી સોફિસ્ટિકેટેડ સાધનોના અભાવથી વિદ્યાર્થીઓ પ્રયોગો કરી શકતા નથી, ત્યાં વર્ચ્યુઅલ લેબ ખુબજ ઉપયોગી નીવડી શકે છે.
  • વર્ચ્યુઅલ લેબથી વિદ્યાર્થીઓ વિવિધ લેબોરેટરીઓનો રિમોટ એક્સેસથી ઉપયોગ કરી શકશે તથા સાયન્સ અને એન્જીનિયરીંગના વિવિધ પ્રયોગો કરી શકશે.
  • ફીજીકલ લેબ ન હોય ત્યાં વર્ચ્યુઅલ લેબ ખુબજ ઉપયોગી નીવડી શકે છે. વિદ્યાર્થીઓ / પ્રાધ્યાપકો વિવિધ પ્રયોગો ગમે ત્યારે, ગમે તે જગ્યાએથી કરી શકશે.
  • વર્ચ્યુઅલ લેબમાં વિવિધ સુવિધાઓ જેવી કે વેબ-રિસોર્સિસ, વીડીયો લેકચર્સ, એનીમેટેડ ડેમોન્સ્ટ્રેશન અને સેલ્ફ ઈવેલ્યુએશન ઉપલબ્ધ થશે.
  • વર્ચ્યુઅલ લેબનાં માધ્યમથી પ્રયોગો કરવાથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિમાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp