26th January selfie contest
BazarBit

વિદેશી ભાષાનો ઉપયોગ કરીએ પણ વિદેશી ભાષા આપણો ઉપયોગ ન કરે: અમિત શાહ

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આહ્વાન કર્યું કે નયા ભારતના નિર્માણના પ્રધાનમંત્રીના સંકલ્પમાં આ યુવા શક્તિએ પોતાના જ્ઞાન કૌશલ્ય અને સામર્થ્યથી લીડ લેવાની છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યમંત્રીમંડળના મંત્રીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ડિગ્રી ધારકોને મેડલ્સ અને પદવી પ્રમાણપત્ર એનાયત કર્યાં હતા.

જેમાં રાજ્યપાલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટીઓના 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 36 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. પ્રથમ વખત GTU દ્વારા નવીન સાહસને પ્રોત્સાહન આપવા અંગે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપકર્તાને પણ આ પ્રસંગે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પદવીદાન સમારંભમાં વિવિધ કોર્ષના કુલ 61,000 જેટલાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પદવીધારકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, દિક્ષાંત એ શિક્ષાંત નથી. આજીવન વિદ્યાર્થી બનીને સતત જ્ઞાન સંપની બનતા રહેવાથી સ્વયંનો સતત વિકાસ થતો રહેશે. જે સફળતાના શિખર સુધી લઈ જશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દિક્ષા અર્પણ કરી અંતમાં સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:નો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કારકિર્દીમાં હંમેશા સત્યનું આચરણ-ધર્મનું આચરણ કરવુ-ધર્મ એટલે પોતાના માટે જે સારું ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો તે જ ધર્મ છે તેમ જણાવી સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેમણે જણાવ્યું હતુ.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવોનો આપણો સંસ્કૃતિ ભાવ હદયસ્થ કરવા વિદ્યાર્ઓને અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલે પદવીધારક વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે, કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરીને ભારત દેશને દુનિયામાં શ્રેષ્ઠ સ્થાને પહોંચાડવાના યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થાય. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ જણાવ્યું હતું કે, જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો કે, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલે પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

ગૃહમંત્રીએ યુવાનોને કહ્યું હતું કે, રાષ્ટ્રની સમસ્યાઓના સમાધાન માટે તેમણે જ પોતાના આ ટેક્નિકલ જ્ઞાનનો મહતમ વિનિયોગ કરવાનું દાયિત્વ અદા કરવાનું છે. અમિત શાહે કહ્યું કે, વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ છે તેની શરૂઆત આપણી ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતમાં પડેલી છે. આ સંદર્ભમાં તેમણે યુવાઓને રાષ્ટ્રભાષા અને સ્વભાષાનું ગૌરવ કરવાની શીખ આપતા કહ્યું કે, ભાષાકીય લઘુતાગ્રંથીથી યુવાઓ ક્યારેય ન પીડાય. તેમણે કહ્યું કે વિદેશી ભાષાનો ઉપયોગ કરીએ પણ વિદેશી ભાષા આપણો ઉપયોગ ન કરે તે આપણો ધ્યેય હોવો જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના નવમા પદવીદાન સમારોહમાં પદવી મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, ભારત એ સૌથી યુવા દેશ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓ માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે : સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા મિશનો થકી ‘નયા ભારત’ના નિર્માણ માટે યુવાનો જ્ઞાન અને કૌશલ્યોના સમન્વયથી અગ્રેસર બને તે અત્યંત અનિવાર્ય છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે, સૌથી શ્રેષ્ઠ બૌદ્ધિક ધન ધરાવતો યુવાવર્ગ ભારત પાસે છે. ‘નયા ભારત’ ની સ્થપાનાનો આધાર માત્ર પોતાના ઉપર નહિ પરંતુ તમારા જેવા દેશના અનેક યુવાનોના આધારે તેમણે વ્યક્ત કર્યો છે. આ તબક્કે દેશનું યુવાધન પણ આ ક્ષેત્રે વધુ સંશોધન કરીને દેશની સમસ્યાઓનું સમાધાનકારે તે જરૂરી છે. વડાપ્રધાનનાં ‘નયા ભારત’ ના નિર્માણનું સપનું 2022 સુધીમાં સાકારિત કરવા આપણે સહુએ સહિયારા પ્રયાસો કરવા પડશે.

અમિત શાહે કહ્યું હતું કે, ભારતના યુવાનોને ‘સ્ટાર્ટ અપ’ જેવા આયામો વૈશ્વિક મંચ ઉપર પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ થશે. ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગનું ઉદાહરણ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, જીઓ ટેગીગ દવારા દેશભરનું પ્લાનિંગ શ્રેષ્ઠ રીતે થઇ રહ્યું છે. ભારત-ચીન વાકછે જીઓ ટેગીગની મદદથી બનાવેલી 45 જેટલી ચોકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે સંદર્ભે તજજ્ઞોનું માનવું છે કે આગામી 20 વર્ષ સુધી આ ચોકીઓ દેશની સુરક્ષા માટે અગત્યની પુરવાર થશે અને એકપણ નવી ચોકી બનાવવાની જરૂરિયાત રહેશે નહિ. સ્પેસ ટેક્નોલોજીના માધ્યમથી દેશના મત્સ્ય ઉદ્યોગમાં પણ પાંચ ગણું ઉત્પાદન વધ્યું છે. આ જ રીતે ટેક્નોલોજીના માધ્યમથી ખેતી અને આરોગ્ય સેવાઓને જોડવી પણ ખૂબ જ જરૂરી છે, તે માટે પણ નવા-નવા સંશોધનો કરવા માટે તેમને યુવાનોને આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસને યાદ કરીને યુવાનોને સ્વામી વિવેકાનંદના જીવનને સમજવાનો અને આત્મસાત કરવાનો પણ અનુરોધ કર્યો હતો. વિવેકાનંદના જીવનને સમજશો તો આપની બધી જ સમસ્યાનું સમાધાન મળી જશે. GTU દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઇની 100-મી જન્મજયંતિ નિમિતે ઉજવાઈ રહેલા વિવિધ આયમોનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, વિક્રમ સારાભાઇના જીવનમાંથી યુવાનનોને ખૂબ જ પ્રેરણા મળી રહેશે.

GTU દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ માં 6000 થી વધુ શૌચાલય નિર્માણ, મેક ઈન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયામાં પણ મોટું યોગદાન રહ્યું છે. માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં જ 4.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે, જે સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી ક્ષેત્રે GTU નિર્માણનું સપનું સેવ્યું હતું તે આજે સાકાર થઇ રહ્યું છે. હું GTUની સ્થાપનાથી અત્યાર સુધીની પ્રગતિનો સાક્ષી રહ્યો છું. GTUના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર થયેલા અને તેના સમાધાન સાથે જોડાયેલા છે જે ગૌરવસમાન છે. હાલમાં જળવાયુ પરિવર્તન અટકાવવા ક્ષેત્રે વધુ સંશોધન કરવાની જરૂરિયાત છે તે દિશઆમાં પણ વિચારવા વિદ્યાર્થીઓને અમિત શાહે અનુરોધ કર્યો છે.

અમિત શાહે દેશની ઈકોનોમી સંદર્ભે વાત કરતાં ઉમેર્યું કે, વર્ષ 1947થી 2014 સુધીમાં ભારત દેશની ઈકોનોમી 2 ટ્રિલિયન ડોલર હતી જે વર્ષ 2014થી 2019 સુધીમાં 3 ટ્રિલિયન ડોલર થઈ છે. દેશના વડાપ્રધાને વર્ષ-2024 સુધીમાં ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું જે લક્ષ્યાંક સેવ્યું છે તેને આપણે સૌએ સાકાર કરવા તેમજ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિગ્રી પ્રાપ્ત કરી રહેલાં યુવા છાત્રોને પ્રેરણા આપતા કહ્યું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરામાં શિક્ષા સાથે દિક્ષાનું મહાત્મ્ય સ્વીકારાયું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કેરિયર-કારકિર્દી માટે જ પુરતુ નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં નિહિત હોય છે. વ્યક્તિથી સમષ્ટિના કલ્યાણ ભાવ સાથે આ પદવીદાનમાં શિક્ષા સાથે દિક્ષાનો પણ સમન્વય થાય તેવું દાયિત્વ યુવાશક્તિએ નિભાવવાનું છે એમ તેમણે ઉમેર્યું હતુ.

વિજય રૂપાણીએ સ્વામી વિવેકાંનદ જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલો આ પદવીદાન સમારોહ ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ની વિવેકાનંદની વિભાવના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આજની યુવા પેઠીને માત્ર તકની આવશ્યકતા છે જો તેને યોગ્ય તક મળે તો, પોતાના જ્ઞાન-કૌશલ્યથી તે નવા વિચારો, નવીનતમ શોધ-ઈનોવેશનથી આવનારા સમયની ચેલેન્જ ઝીલી લેવા સક્ષમ છે. વિજય રૂપાણીએ ગુજરાતમાં આ માટેનો વિશાળ અવકાશ રાજ્ય સરકારે ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટથી ઉભો કર્યો છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ પોલીશી અને હેકાથોન જેવાં ટેક્નોલોજીયુક્ત આયામોથી અને સેકટરલ યુનિવર્સિટીના પ્લેટફોર્મથી ગુજરાતનો યુવાન ગ્લોબલ એજયુકેશન ઘર આંગણે મેળવી શકે છે. એટલું જ નહીં સ્ટાર્ટઅપને અપાતા પ્રોત્સાહનથી યુવા શક્તિ જોબ સિકરમાંથી જોબ ગ્રિવર બની છે. સમગ્ર દેશના 43 ટકા સ્ટાર્ટઅપ સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ વિશ્વની શ્રેષ્ઠતમ જ્ઞાન ઉર્જિત કરનારી યુનિવર્સિટીઓ સમકક્ષ રાજ્યમાં પણ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. આઈક્રિએટ, GSFU, PDPU, રક્ષાશક્તિ, મરિન યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનુવર્સિટી વગેરેના ઉદાહરણો તેમણે ટાંક્યા હતા. વિજય રૂપાણીએ પદવી પ્રાપ્ત કરી સમાજમાં પદાર્પણ કરવા જઈ રહેલા યુવાઓને આવનારા દિવસોમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચારમુક્ત ભારત, નયા ભારતના નિર્માણ માટે આ પદવી રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે એમ જણાવતા ઉજ્જવળ ભાવિની શુભેચ્છા પાઠવી હતી.

પદવી મેળવનારા સર્વે વિદ્યાર્થીઓને સુવર્ણ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, સમસ્યાઓ પહેલા પણ હતી અને આજે પણ છે. પહેલાં સમસ્યાને અનુકૂળ થવામાં આવતુ હતુ પરંતુ, હવે ઉકેલ શોધવામાં આવે છે. સગવડતા સાથે સમાધાન થાય તેનું નામ સ્ટાર્ટઅપ છે. 

GTUનું નિર્માણ કરનાર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળી ત્યારબાદ યુવાનોને સ્ટાર્ટઅપ ઈન્ડિયા, આઈ કેન વી કેન, મેકિંગ ઈન્ડિયા જેવાં પ્રેરણાદાયી સૂત્રો આપ્યાં છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ ગુજરાતનો યુવાન પોતાનું ભવિષ્ય જાતે જ તૈયાર કરે તેવો બનાવવા ઈચ્છતા હતા. જેથી રાજ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ અભ્યાસક્રમવાળી યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતનો યુવાન વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તે માટે ગુજરાત સરકારે પહેલીવાર સ્ટાર્ટઅપ પોલીશી દેશમાં અમલી બનાવી છે. તેમણે યુવાનોને જીવનમાં સફળ થવા ટૂંકા રસ્તા ન અપનાવવા, રિસ્પોન્સેબલ ઈન લાઈફ, રિલાયેબલ ઈન લાઈફ અને કમિટેડ ઈન લાઈફને અનુસરવા જણાવ્યું હતુ.

GTUના કુલપતિ પ્રો. નવીન શેઠે GTUનો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, સ્થાપના વર્ષ-2007થી અત્યાર સુધી GTU દ્વારા અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એમ.બી.એ. ઈન ઈન્વેન્શનના કોર્ષ માત્ર ચાર યુનિવર્સિટીમાં શરૂ થયા છે. જેમાં ગુજરાતની GTU એક છે. GTU દ્વારા 179 સ્ટાર્ટઅપ શરૂ કરાયા છે જેમાં રૂ. 12 કરોડના ટનઓવરની સાથે 500થી વધુ યુવાનોને રોજગારી પણ અપાઈ રહી છે. આ યુનિવર્સિટી શિક્ષણમાં જ નહીં પણ NSS, NCC અને રમત-ગમત જેવી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે જેના ભાગરૂપે ગત વર્ષે GTUના વિદ્યાર્થીઓઓ રમત ક્ષેત્રે 6 ટ્રોફીઓ વિજેતા બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા લેકાવાડા ખાતે ફાળવવામાં આવેલી 100 એકર જમીનમાં વિશ્વકક્ષાનું શૈક્ષમિક સંકુલનું નિર્માણ કરાશે.

વર્લ્ડ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન-WIPOનું ટેક્નોલોજીકલ એન્ડ ઈનોવેશન સપોર્ટ સેન્ટર શરૂ કરનાર GTU ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે જે આપણા માટે ગૌરવ સમાન છે. GTU દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી સાર્ધ શતાબ્દિ તેમજ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની 100મી શતાબ્દિની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે તેમ જણાવી કુલપતિએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપી સમફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp