ગુજરાતમાં શિક્ષકો માટે ખુશીના સમાચાર, સરકારે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

PC: pritamkabe.com

ગુજરાતના શિક્ષકોની સળંગ નોકરી કરવાની માગને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને નિયમિત કરવાની મંજૂરી આપવાની સાથે સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકોને તફાવતની રકમ રોકડ કે અન્ય કોઈ રીતે નહીં ચૂકવવામાં આવે. મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચાને અંતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતાવાળી કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકો લાંબા સમયથી માગણી કરતા હતા કે, અમારી નોકરી સળંગ કરો. શિક્ષકોની આ માંગણી સ્વીકારીને રાજ્ય સરકારે નોકરી સળંગ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જુની પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે જુની પેન્શન યોજના શરૂ રાખવામાં આવશે અને બાકીના નવા શિક્ષકોને જે નવી પેન્શન યોજના લાગુ પડે છે, તેમને નવી પેન્શન યોજનાના લાભ મળશે અને શિક્ષકોને નવા ઉચ્ચતર પગાર ધોરણના લાભ અને સળંગ નોકરીનો લાભ આગામી 1લી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શિક્ષકોની માગણી હતી કે, 1997 પછી ફિક્સ પગારના તમામ શિક્ષકોને સળંગ કરવામાં આવે. આ માંગણીને લઇને થોડા દિવસો રાજ્યના શિક્ષકો માસ CL પર ઉતર્યા હતા અને તેમણે અલગ-અલગ શહેરો અને ગામડાંના શિક્ષકોએ ગાંધીનગર ખાતે પહોંચીને સચિવાલયનો ઘેરાવો કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શિક્ષકો રેલી કાઢીને સચિવાલયનો ઘેરાવો કરે તે પહેલા જ પોલીસ દ્વારા 700થી વધુ શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અટકાયત પછી શિક્ષક મંડળના આગેવાનો દ્વારા સરકાર સાથે બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં સરકાર દ્વારા શિક્ષકોની માગણી વહેલી તકે સંતોષવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp