26th January selfie contest

લ્યો બોલો આદિવાસી બાળકોને અપાતા ભોજનમાં પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરે છે

PC: youtube.com

ગુજરાત સરકારના રાજમાં ભ્રષ્ટાચાર બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. સરકારના સાવ નાના ખાતામાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે ત્યારે સરકારના મંત્રીઓ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હોવાની વાત કરે છે. રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર, કેનાલમાં ભરષ્ટાચાર પણ હદ તો ત્યારે થાય છે કે, શાળામાં આદિવાસી બાળકોને આપવામાં આવતા ભોજનમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. આ વાત છે બનાસકાંઠામાં આવેલી આદિજાતિ સ્કૂલોની કે જ્યાં આદિવાસી બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા ભોજન આપવામાં આવે છે પણ તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બાળકોના ભોજનની ગુણવત્તા સાથે ગડબડ કરવાની સાથે ટેન્ડર અનુસાર આહાર આપવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજને ઉપર લાવવા માટે પ્રયાસો કરાતા હોવાનો દાવો કરવામાં આવે છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે આદિવાસીઓ માટે ચાલતી યોજનાના નામે મોટા મોટા ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે આદિવાસી બાળકોનો વિકાસ નથી થયો.

બનાસકાંઠાના દાંતા અને અમરગઢમાં ચાલતી મોર્ડન સ્કૂલોમાં આદિવાસી બાળકોના શિક્ષણના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ શાળાઓમાં ભણતા આદિવાસી બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રોજનું અલગ મેનુ બનાવવામાં આવ્યું છે પરંતુ આ બાળકોને મેનુ અનુસાર ભોજન આપવામાં આવતું નથી. ભ્રષ્ટાચારીઓ બાળકોના ભોજનમાંથી પણ કટકી કરે છે. આ મામલે જ્યારે મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જે વાનગી ટેન્ડર પ્રક્રિયા સમયે નક્કી કરવામાં આવી છે તે કોઈ પણ વાનગી આપવામાં આવતી નથી માત્ર રોટલી, શાક, દાળ ભાત અને ખિચડી જ આપવામાં આવે છે. આ બાળકોએ મેનુની અંદર જે વાનગીઓ લખી છે, તેના નામ જ સાંભળ્યા છે કોઈ પણ વાનગી જોઈ નથી.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં આવેલી 9 મોર્ડન સ્કૂલમાં 3,222 બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર વર્ષે 7 કરોડનો ખર્ચ કરે છે. આ ભ્રષ્ટાચાર સામે આવતા આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી દ્વારા તપાસની વાતો કરવામાં આવે છે.

આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવે નવ શાળાઓનો સરવે કરાવીને આ બાબતની ચકાસણી કરવામાં આવશે અને જ્યાં પણ ભોજનની વ્યવસ્થામાં સમાધાન હશે કે છૂટછાટ હશે ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નિયમ અનુસાર બાળકોને પોષક તત્ત્વો યુક્ત ભોજન બાળકોને મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp