નવસારીમાં શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ બાળકો પાસે કરાવાઈ સાફ-સફાઈ

PC: youtube.com

20 મહિના જેટલો લાંબો સમય વીતી ગયા પછી ધોરણ 1થી 5ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. 21 નવેમ્બરના રોજ રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓની પાસે શાળા સાફ કરાવવા માટે મજૂરી કરાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓની પાસેથી શાળાના શૌચાલય, ગ્રાઉન્ડ અને ક્લાસરૂમની સફાઈ કરાવવામાં આવી હતી. જ્યારે બાળકો શાળામાં કામ કરી રહ્યા હતા તે સમયે શિક્ષણ અધિકારી પણ શાળામાં ઊભા રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય એટલા માટે બાળકોને શાળાએ અભ્યાસ કરાવવા માટે તેમના વાલીઓ મોકલે છે. ત્યારે હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થયા છે. ત્યારે નવસારીના તાવડી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે પહોંચ્યા પણ બાળકોને અભ્યાસ કરવાની જગ્યા પર શાળાની સફાઈ કરવાનો વારો આવ્યો હતો. જે સમયે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા તે સમયે ત્યાં શિક્ષણ અધિકારી પણ હાજર હતા.

શાળાના શિક્ષકોએ શિક્ષણ અધિકારીની હાજરીમાં અભ્યાસ કરવા માટે શાળાએ પહોંચેલા બાળકોની પાસે શાળાની સફાઈ કરાવવામાં આવી હતી. શાળામાં કોઈ વિદ્યાર્થી મેદાન સાફ કરતો દેખાયો હતો, તો કોઈ વિદ્યાર્થી ક્લાસરૂમમાં સફાઈ કરતો દેખાતો હતો, તો કોઈ વિદ્યાર્થી ટોયલેટની સફાઈ કરતો દેખાયો હતો.

મહત્ત્વની વાત છે કે, શિક્ષણ અધિકારીની હાજ્રરીમાં જ શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા આ પ્રકારે તમાશો કરવામાં આવ્યો પણ શિક્ષણ અધિકારી કશું બોલ્યા નહીં. એટલે આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ અધિકારીની પણ બેદરકારી સામે આવે છે.

આ બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં શાળામાં જે બાળકો આવે છે તે મજૂરી કરતા વાલીઓના છોકરાઓ હોય છે. તે ઘરે થોડું સાફ-સફાઈનું કામ કરતા હોય છે. આજે શાળાનો પ્રથમ દિવસ હતો અને તેમણે ઉત્સાહમાં આવીને આ કામ કર્યું છે.

વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ આ બાબતે કંઈ કહ્યું નથી. બાળકો તેમની રીતે શાળાની સફાઈ કરતા હતા. જ્યારે આ બાબતે અમને ખબર પડી હતી ત્યારે અમે બાળકોને ના પડી દીધી હતી કે તમારે શાળાની સફાઈ કરવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp