ગુજરાતના આ ગામમાં કોઈ પણ દીકરી ધોરણ 8 પછી ભણી જ નથી, જાણો કારણ

PC: youtube.com

ગુજરાતમાં શિક્ષણની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. તો બાળકોના શિક્ષણના મુદ્દે રાજ્યમાં રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણ મોડેલને લઇને આગળ વધી રહી છે. તો બીજી તરફ સરકાર દ્વારા ગુજરાતમાં સારું શિક્ષણ બનાવવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્યમાં ઘણા ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ જર્જરીત હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળામાં ગ્રાઉન્ડમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવે છે. તો બીજી આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના ઘણા ગામડાઓ શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે આવા જ એક ગામની વાત કરવી છે કે, જ્યાં ધોરણ 8 પછી ગામની દીકરીએ અભ્યાસ કર્યો જ નથી. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને તેનું નામ ઉંડવી છે.

આ ગામમાં રહેતી દીકરીઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું જોવા મળે છે. તેનું મુખ્યકારણ એ છે કે, ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે પણ આ પ્રાથમિક શાળામાં ધોરણ-8 પછીના વર્ગો નથી. તેથી ગામની યુવતીઓ 8 ધોરણ કરતા વધુ ભણી શકતી નથી. શાળામાં વધારે વર્ગો તો નથી જ પણ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. આ ગામમાં બહાર જવા કે અંદર આવવા માટે બસ કે પછી અન્ય વાહનોની સુવિધા પણ સ્થાનિક લોકોને મળી નથી. આ ગામમાં જે લોકો રહે તે ગરીબ પરિવારના હોવાથી તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે મોકલી શકતા નથી. ગામના લોકોની ઈચ્છા છે કે, તેમના ગામમાં સરકાર દ્વારા 8 ધોરણ પછીના વર્ગોની સરકારી શાળા શરૂ કરવામાં આવે તેથી તેમની દીકરી અને દીકરાઓ વધારે ભણીને આગળ વધી શકે. ગામમાં શિક્ષણનું સ્તર તો નીચું છે જ પણ તેની સાથે-સાથે ગામમાં એક પણ આરોગ્ય કેન્દ્ર નથી.

ઉંડવી ગામની એક મહિલાએ જણાવ્યુ હતું કે, આ ગામની અંદર પીવાની પાણી અને ગટર વ્યવસ્થાની પણ જરૂર છે. ગામનો દરવાજો પણ નથી. આ ઉપરાંત ગામમાં સરકારી દવાખાનું અને હાઈસ્કૂલ પણ નથી. ગામમાં લોકોને નળથી પાણી મળતું નથી. અમારા ગામની દીકરી મોટી થાય એટલે તેને બહાર જવા દેવામાં ડર લાગે છે અને ગામમાં ધોરણ 8 સુધીની શાળા જ છે. જો દીકરીને બહાર ભણવા માટે જવા દઈએ તો 10 કિલોમીટર ચાલીને જવું પડે છે. એટેલે દીકરાઓ જ ગામની બહાર ભણવા જાય છે.

ત્યારે ગામના લોકોની માગણી છે કે તેમને આરોગ્ય અને શિક્ષણની સેવા આપવામાં આવે અને તેમના ગામમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ પણ કરવામાં આવે છે. એક તરફ ગુજરાત સરકાર ભણે ગુજરાત જેવા સુત્રો બનાવીને પ્રચાર કરી રહી હોય પણ બીજી તરફ રાજ્યના આવા ઘણા અંતર્યાળ ગામડાઓ છે કે જે ગામડામાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp