લોકરક્ષકની પરીક્ષાના પેપરની સુરક્ષા માટે જાણો સરકારે શું વ્યવસ્થા કરી છે

PC: youtube.com

તાજેતરમાં રાજ્યમાં 8,76,356 ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ લેવામાં આવી હતી તેના સચોટ પુરાવા રજૂ કરીને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિપક્ષના નેતા દ્વારા બારકોડેડ વિનાની OMR શીટ દ્વારા લેવાયેલ લોકરક્ષકની પરીક્ષા અંગેના ખોટા અને આધાર વિનાના આક્ષેપો ફગાવી દીધા હતા.

રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને અગાઉથી OMR શીટની તમામ જાણકારી મળી રહે તે હેતુથી નમૂનાના ભાગરૂપે બારકોડેડ વિનાની OMR શીટ વેબસાઇડ ઉપર મુકવામાં આવી હતી. લોકરક્ષક પરીક્ષા પધ્ધતિમાં ઉત્તરવહી પર પાર્ટ-એ માં ઉમેદવારોનો નંબર, પ્રશ્નપુસ્તિકા ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા કોડ, ઉમેદવારની સહી, પ્રયાસ કરેલ પ્રશ્નોની સંખ્યા અને બારકોડ હોય છે. જયારે પાર્ટ-બી માં બારકોડ અને ઉત્તરના એ, બી, સી., ડી. વિકલ્પો હોય છે. પાર્ટ-એ અને પાર્ટ-બી ના બારકોડ એક જ ઉત્તરવહીમાં સરખા હોય છે અને તે તમામ ઉત્તરવહીમાં યુનિક એટલે કે, તમામમાં અલગ-અલગ હોય છે. ઉત્તરવહીના મુલ્યાંકનમાં ગુણાંકન પાર્ટ-બી માંથી સ્કેનીંગ દ્દવારા નકકી થાય છે. જે પાર્ટ-બી માં ઓળખની કોઇ જ નિશાની જેવી કે, સહી, નંબર, નામ વિગેરે કશુ જ નથી હોતુ, એટલે નકકી થયેલ નામ કે નંબર વાળાનું જ પરિણામ સારૂ લાવી શકાય તેવું શકય જ નથી.

પરિણામ તૈયાર કરવાની પધ્ધતિમાં પાર્ટ-એ અને પાર્ટ-બી નો ડેટા સ્કેનીંગ આધારે તૈયાર થયા બાદ તેમાં આન્સર કી દ્દવારા ડેટા મેચ કરાય છે. તેના આધારે પરિણામ તૈયાર થાય છે. આ પધ્ધતિમાં કોઇપણ તબકકે કોઇપણ વ્યકિત સુધારો કે ફેરફાર, પરિણામમાં કે ડેટામાં કરી શકતો નથી. એ વાત ખરી નથી કે પાર્ટ-એ અને પાર્ટ-બી માં બારકોડ આપેલ નથી. વળી આ સિસ્ટમ કોઇ નવી નથી. અગાઉની પરીક્ષાઓ પણ આ જ રીતે લેવાયેલ છે અને તેમાં ક્ષતિરહિત અને તટસ્થ પરિણામો તૈયાર થયા છે તેમ રાજ્ય ગૃહ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું.

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની લેખિત પરીક્ષા કાર્યવાહી અંગેની સંપૂર્ણ માર્ગદર્શિકા તમામ સેન્ટરોના સંચાલકોને અગાઉથી મોકલી આપવામાં આવી હતી. જેમાં પરીક્ષાની કામગીરીમાં જોડાયેલ તમામ અધિકારીઓ/ કર્મચારીઓની જવાબદારીની વિગતો રજૂ કરવામાં આવી હતી, તેમ પણ તેમણે કહ્યું હતુ.

પરીક્ષાને સફળ બનાવવા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમા ગેરરીતિ ન થાય તે હેતુથી 700 થી વધુ ફ્લાઇંગ સ્કોર્ડની રચના કરવામાં આવી હતી. રાજ્યના કુલ-ર9 શહેરો અને જિલ્લાઓની 2,440 શાળા-કોલેજોના ર9,રર0 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવી હતી, આ તમામ બ્લોક CCTV કેમેરાથી સંપૂર્ણ સજ્જ હતા. પરીક્ષાનું સાહિત્ય સંપૂર્ણ સુરક્ષિત રહે તે હેતુથી CCTV કેમેરાથી સંપૂર્ણ સજ્જ 41 સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પરીક્ષાને સફળ બનાવવા શિક્ષણ વિભાગના 64,769 તેમજ પોલીસ વિભાગના 31,529 અધિકારી/કર્મચારીઓની સેવા લેવામાં આવેલ હતી. ઉમેદવારોને આવવા-જવાની વિનામૂલ્યે સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવી હતી આમ, તાજેતરમાં સંપૂર્ણ પારદર્શકરીતે યોજાયેલી લોકરક્ષકની પરીક્ષા અંગેની સચોટ વિગતો રજૂ કરીને રાજ્ય ગૃહ મંત્રીએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો ફગાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp