LRD પેપર લીક: યશપાલને ભાજપના જ એક નેતાએ ફેક્ટરીમાં છૂપાવ્યો હતો

PC: youtube.com

પોલીસની ભરતીના પેપર લીક કેસમાં પોલીસ જેને મુખ્ય સુત્રધાર માની રહી છે, તેવા યશપાલ સોંલકીને ગુજરાત ATS દ્વારા મહિસાગર જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પરંતુ યશપાલને પોલીસની નજરથી દૂર રાખવા માટે વડોદરા ભાજપના એક નેતાએ પોતાની ફેક્ટરીમાં યશપાલને છૂપાવવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ATS દ્વારા વડોદરાની કપુરાઈ ચોકડી પાસેથી અન્ય બે વ્યક્તિઓને પણ ઉપાડી લીધા છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે, જેમાં એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી હોવાની જાણકારી પણ મળી છે. 

પેપર લીક કેસમાં ભાજપ સરકારની આબરૂના લીરા તો ઉડી ગયા હતા, પરંતુ જ્યારે આ કેસના આરોપી તરીકે ભાજપના નેતાઓ નામ ખુલતા ભાજપ સરકાર વધુ કફોડી સ્થિતિમાં આવી ગઈ હતી, જેના કારણે પોલીસ ઉપર દબાણ વધુ હતું કે રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં કાળજી રાખવી. આ દરમિયાન યશપાલને શોધી રહેલી ગુજરાત ATSને માહિતી મળી હતી કે, યશપાલને વડોદરા ભાજપના એક નેતાઓ આશ્રય આપ્યો છે અને યશપાલને પોલીસથી દૂર રાખવા માટે એક ફેક્ટરીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતીને આધારે ATS દ્વારા યશપાલને ઝડપી લેવામાં આવ્યો હતો.

યશપાલની પૂછપરછમાં આ પ્રકરણના તાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પણ જોડાયેલા હોવાની જાણકારી મળતા ATSની ટીમે અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી છે, જેમાં એક વ્યક્તિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે. ખુદ યશપાલ પણ કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે. અગાઉ યશપાલને કોર્પોરેશન દ્વારા અનિયમિતતાને કારણે હાંકી કાઢવામાં આવ્યો હતો, ત્યારે ભાજપના આ જ નેતાએ તેને નોકરી ઉપર પરત લેવા દબાણ કરી નોકરી અપાવવી હતી. આ ઉપરાંત ભાજપના આ નેતા સાથે શિક્ષક અને પ્રોફેસરની ભરતી કૌભાંડનો પણ અગાઉ આરોપ લાગી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp