ગોધરાની આ શાળામાં લાઈટ-પંખા, કમ્પ્યુટર બધુ જ છે, પરંતુ તેને ચલાવવા માટે પાવર નથી

PC: youtube.com

આજે અમે એક એવી શાળાની વાત કરવાના છીએ, જ્યાં પંખા છે પણ ચાલતા નથી, શાળામાં કમ્પ્યુટર લેબ છે. પરંતુ તે પણ છ મહિનાથી ધૂળ ખાય છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લાં છ મહિનાથી અંધારામાં અને ગરમીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યાં છે. શાળામાં વિધાર્થીઓની સુરક્ષાને લઇને CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે પણ પાવર વગર કેમેરા ચાલે કઈ રીતે? શાળામાં બધી જ સુવિધાઓ છે. પણ વીજ સપ્લાય બંધ હોવાના કારણે કંઈ જ ચાલતું નથી.

એક રીપોર્ટ અનુસાર, લુણાવાડાના ચાંપેલી ગામમાં આવેલી સરદાર પટેલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં લગાડવામાં આવેલું વીજ મીટર છ મહિના પહેલા કાઢી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે બાળકો અંધારામાં અને ગરમીમાં ભણવા માટે મજબૂર બન્યા છે. શાળાનું વીજ જોડાણ વિવાદમાં આવ્યું છે કારણ કે, શાળાના આચાર્ય દ્વારા લો વોલ્ટેજની ફરિયાદ વીજ કંપનીને કરવામાં આવી હતી. વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા વાયરમાં ચેડા કરવા બદલ શાળાને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ ભરવા માટે આચાર્ય સક્ષમ ન હોવાના કારણે વીજ કંપની દ્વારા મીટર નાંખવામાં આવતું નથી.

શાળાના આચાર્યએ મડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી ફરિયાદના આધારે એક દિવસ વીજ કંપનીના કર્મચારીઓ આવ્યા હતા. આ કર્મચારીઓ નવું મીટર નાંખીને જતા રહ્યા હતા. ત્યારબાદ એક દિવસ ત્યાંથી ફોન આવ્યો કે, તમે લેબમાં આવો. અમે લેબમાં ગયા ત્યારે તે લોકોએ કહ્યું કે, તમારું મીટર ફોલ્ટમાં છે. તમે મીટર સાથે ચેડા કર્યા છે. આવા આક્ષેપો કરીને મારી લો વોલ્ટેજની ફરિયાદને દબાવીને મને 1.56 લાખનો દંડ ફટકાર્યો હતો.

વીજ કંપનીના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક્શન 135 અનુસાર આ બાબતે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે. જે સ્કૂલ છે, તેના ટ્રસ્ટીઓને વીજબીલના નાણા ભરી દેવા જોઈએ તો જ વીજ કનેક્શન શરૂ કરવામાં આવે. આની અંદર એ પણ પ્રોવિઝન છે કે, આ બાબતે અધિકારીને રજૂઆત કરે તો તેમાં હપ્તા પણ થઈ શકે છે. આ શાળાના ટ્રસ્ટીઓ અને વીજ કંપનીની લડાઈમાં 200 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp