અમદાવાદના 1000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સમયની કોઈ કિંમત નહીં?

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટમાં અમદાવાદના એક વિદ્યાર્થી દ્વારા દાખલ એક જનહિત યાચિકામાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની બેંચ દ્વારા ગુજરાત સરકારને બોગસ ડિગ્રી આપતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ (NIEM)ના મામલે નોટિસ ફટકારવામાં આવી છે. દાખલ PIL મુજબ NIEM અમદાવાદ, મુંબઇ, પૂણે, સહિતની સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન અને માસ્ટરની બોગસ આપી રહી છે જે મામલે યાચિકા કરતા વિદ્યાર્થી દ્વારા ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારને જાણ કરવા છતા કાર્યવાહી ન થતા સૂપરું કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે અત્યારે NIEM અમદાવાદ, પૂણે,સહિતના સંસ્થાઓમાં 1000 થી વધારે વિદ્યાર્થીઓ BBA, MBA સહિતના ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરી રહ્યા છે જેમને રાજસ્થાનની ખાનગી યુનિવર્સિટી સિંઘાનિયા યુનિની ડિગ્રી એનાયત કરવામાં આવશે જે UGC ના નિયમો પ્રમાણે બોગસ ગણવામાં આવે છે.

એવી પરિસ્થિતિમાં જો સુપ્રીમ કોર્ટ NIEM સાથે કોઈ કડક કાર્યવાહી કરે તો એક હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવાની શક્યતા છે. છતાંય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના દમદાર મંત્રી ભુપેન્દ્રસિંહની ઘોર નિંદ્રા ક્યારે ઉડશે તેની રાહ સુપ્રીમમાં યાચિકા કરનાર વિદ્યાર્થી સમેત હજારો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે.

વિદ્યાર્થી શ્યામ કુમાર પરીક અમદાવાદના એડવોકેટ ઓમ કોટવાલના મારફતે સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી છે. જનહિત યાચિકામાં સુનવણી કરી રહેલા ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટમેનેજમેન્ટની બધીય શાખાઓ, રાજસ્થાનના ઝુનઝુનુંમાં આવેલી સિંઘાનિયા યુનિ, રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગ, મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગને નોટિસ ફટકારી છે.

આવનાર દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર રૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે કેમકે પ્રોફેસર યશપાલ બનામ છત્તીસગઢ સરકારના જજમેન્ટ પછી આ પ્રકારના બીજા મામલે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરાઈ છે. નોંધનીય છે કે પ્રોફેસર યશપાલ બનામ છત્તીસગઢ મામલે સુપ્રીમ કોર્ટ ખાનગી યુનિવર્સિટી કેમ્પસની બહાર કોઈ પણ પ્રકારે કોર્સ ચલાવવા કે ડિગ્રી અપાવાની મનાઈ ફરમાવી હતી અને જો યુનિ કેમ્પસ બહાર ડિગ્રી અથવા તો સર્ટિફિકેટ આપવામાં આવે તો બોગસ ગણવામાં આવે છે.

એડવોકેટ ઓમ કોટવાલે શું કહ્યું...

સમગ્ર મામલે અમદાવાદના એડવોકેટ ઓમ કોટવાલ કે જેઓએ યાચિકા કરતા વિદ્યાર્થી શ્યામ પરિક દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી તેઓ સાથે Khabarchhe.com દ્વારા ચર્ચા કરીને હકીકત જાણતા ખૂબ શરમજનક પરિસ્થિતિનો ચિતાર જોવા મળ્યો. પોતાના ભવિષ્યની ચિંતા કરતો વિદ્યાર્થી જ્યારે કોઈ ડિગ્રી મેળવીને સમાજમાં મોભાદાર જીવન જીવવાની મથામણમાં સરકારી અઘોરબાજીનો કેવો શિકાર થઈ જાય છે તેની દયનિય પરિસ્થિતિ જાણવા મળી.

ઓમ કોટવાલના કહેવા મુજબ આવી ઘણી ગેરકાયદે ચાલતી સંસ્થાઓ તરફ UGCનું ઉદારવલણ અથવા તેની કેટલીક મર્યાદાઓ સમજવી મુશ્કેલ છે. તેમજ રાજ્યના શિક્ષણ વિભાગે ઘણી સતર્કતા રાખવી જોઈએ, જેને કારણે આવા પ્રકારના બોગસ સર્ટિફિકેટ કે બોગસ ડિગ્રીઓ વહેંચાય નહીં અને તેવી સંસ્થાઓમાં પોતાના પૈસા અને સમયને વેડફીને પાસ થનાર વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકાર સિવાય કશું મળે નહીં તો તેનો મતલબ શું?

છેલ્લે એક વાત જણાવતા એડવોકેટ ઓમ કોટવાલે કહ્યું કે છેલ્લા જેટલા વર્ષોથી UGC ની જાણ બહાર ચાલતી આવી રમતોમાં કેટલા વિદ્યાર્થીઓ NEIM જેવી સંસ્થાઓ માંથી બોગસ ડિગ્રી લઈને સમાજમાં સેવા આપી રહ્યા હશે એ પણ સમાજ માટે ચાલતા ખતરનાક ખેલના જવાબદાર "રિંગ માસ્ટરો" કોણ.?

(સંજય દવે)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp