હવે આદિવાસી બાળકો પણ વિદેશમાં શિક્ષણ મેળવતા થયા છેઃ રાજ્યપાલ મંગુભાઈ પટેલ

PC: khabarchhe.com

આદિવાસી સમાજના બાળકો શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરી શકે એ માટે સરકારે ખૂબ ચિંતા છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે હવે આદિવાસી બાળકો પણ વિદેશમાં અભ્યાસ કરતા થયા છે એમ, મધ્યપ્રદેશના નવનિયુકત રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુકત થતા આયોજીત સન્માન સમારોહમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનું જીવન ધોરણ ઉંચુ આવે એ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આદિવાસી બાળકો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે સરકાર દ્વારા રૂા. 20 લાખની લોન આપવામાં આવે છે જેના કારણે આજે ગુજરાતના 18 આદિવાસી વિદ્યાર્થીઓ વિદેશમાં પાઇલોટની તાલીમ લઇ રહ્યા છે એમ વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત તેમણે આદિવાસી સમાજે વિકાસના શિખરો સર કરવા હશે તો શિક્ષણ મેળવવું જ પડશે એમ જણાવી તેમણે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ચોસઠ ટકા જેટલું છે એમ ઉમેરી તેમણે વાલીઓને વ્યસન મુકત થઇ બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે બાળકોને કૂપોષણમુકત કરવા માટેની સરકારની દુધ સંજીવની યોજના સહિત કેન્દ્રની પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જન ધન યોજના સહિતની અનેકવિધ યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે જાગરૂકપણે યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલની રાજકીય કારકીર્દી અંગે આછેરી ઝલક આપી આદિજાતિ વિકાસ મંત્રી તરીકે તેમણે કરેલી આદિવાસી સમાજના વિકાસ માટેની કામગીરીની વિગતે છણાવટ કરી હતી. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે કામ કર્યાના સંસ્મરણો તાજા કરી તેઓ આદિવાસી સમાજના વિકાસ માટે ખૂબ ચિંતિત હતા એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે રાજ્યપાલ થવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાજ્યપાલ મંગુભાઈ પટેલનું સન્માન કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા રશ્મિકાંત વસાવાએ ગુજરાતના પ્રથમ આદિવાસી રાજ્યપાલ મંગુભાઈ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, માજી મંત્રી શબ્દશરણ તડવી, માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા, માજી સાંસદ રામસિંહ રાઠવા, માજી ધારાસભ્ય શંકર રાઠવા, રમેશ મિસ્ત્રી, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય અદાધિકારીઓ, આગેવાનો તેમજ સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લાના આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp