પરીક્ષા પે ચર્ચા 2021માં આ રીતે લઇ શકશો ભાગ, PM સાથે પણ કરી શકશો વાત

PC: PIB

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' એ આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે PMના સંવાદ કાર્યક્રમ – પરીક્ષા પે ચર્ચા 2021ના ચોથા સંસ્કરણ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કરી હતી.

પરીક્ષા પે ચર્ચા દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે જેની સૌ કોઇ ખૂબ આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ કાર્યક્રમમાં PM એક જીવંત કાર્યક્રમ દરમિયાન સૌ કોઇને સંવાદમાં ઓતપ્રોત કરી દેવાની પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં આવતા તણાવ અને તેને સંલગ્ન અન્ય પ્રશ્નોના ઉત્તર આપે છે. પોખરિયાલે માહિતી આપી હતી કે, આ વખતે આ કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12માં ભણતા શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે મુંઝવતા પ્રશ્નો MyGov પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવશે અને તેમાંથી પસંદ કરવામાં આવેલા પ્રશ્નોને આ કાર્યક્રમ દરમિયાન સમાવી લેવામાં આવશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આ કાર્યક્રમ માટે સમગ્ર દેશમાંથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાઓને MyGov પ્લેટફોર્મ પર તેમના માટે ખાસ તૈયાર કરવામાં આવેલી સર્જનાત્મક લેખનની ઑનલાઇન સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અલગ અલગ વિષયો સોંપવામાં આવ્યા છે. અરજીકર્તાઓ આ પ્લેટફોર્મના માધ્યમથી પણ તેમના પ્રશ્નો પૂછી શકે છે. પસંદગી પામેલા સહભાગીઓ તેમના સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વડામથક ખાતેથી ઑનલાઇન માધ્યમ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે અને તેમને વિશેષ PPC કિટ (પરીક્ષા પે ચર્ચા કિટ) આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ઑનલાઇન સર્જનાત્મક લેખન સ્પર્ધા માટેનું પોર્ટલ 14 માર્ચ, 2021 સુધી ખુલ્લું રહેશે.

પોર્ટલની લિંક ઍક્સેસ કરવા માટે અહીં ક્લિક કરો: https://innovateindia.mygov.in/ppc-2021/

MyGov પર સર્જનાત્મક લેખન સ્પર્ધાના વિષયો નીચે ઉલ્લેખ કર્યા પ્રમાણે છે

વિદ્યાર્થીઓ માટે

વિષય 1: પરીક્ષાઓ તહેવાર સમાન હોય છે, તેની ઉજવણી કરો

પ્રવૃત્તિ: તમારા મનપસંદ વિષય પર તમારી આસપાસમાં ઉજવણીનો માહોલ દર્શાવતું કોઇ ચિત્ર દોરો.

વિષય 2: ભારત અતુલ્ય છે, પ્રવાસ ખેડો અને નવું શોધો

પ્રવૃત્તિ: કલ્પના કરો કે તમારા મિત્ર ત્રણ દિવસ માટે તમારા શહેરની મુલાકાતે આવ્યા છે. નીચે દર્શાવેલી પ્રત્યેક શ્રેણીમાં તમે તેમના માટે કેવી યાદોનું સર્જન કરશો?

જોવાલાયક સ્થળો: (શબ્દ મર્યાદા: 500 શબ્દ)

માણવા લાયક ભોજન: (શબ્દ મર્યાદા: 500 શબ્દ)

યાદ રાખવા જેવા અનુભવો: (શબ્દ મર્યાદા: 500 શબ્દ)

વિષય 3: એક સફર પૂરી થતા જ બીજી શરૂ થાય છે

પ્રવૃત્તિ: તમારા શાળાકીય જીવનના સૌથી યાદગાર અનુભવોનું મહત્તમ 1500 શબ્દોની મર્યાદામાં વર્ણન કરો

વિષય 4: મહત્વાકાંક્ષી, માત્ર બનશો નહીં પણ કરો

પ્રવૃત્તિ: જો સંસાધનો અથવા તકોની કોઇ જ મર્યાદાઓનું બંધન ના હોય તો તમે સમાજ માટે શું કરશો અને શા માટે? મહત્તમ 1500 શબ્દની મર્યાદામાં લેખન મોકલો

વિષય 5: કૃતજ્ઞ બનો

પ્રવૃત્તિ: તમે જેમના આભારી હોવ તેમના માટે મહત્તમ 500 શબ્દોની મર્યાદામાં 'કૃતજ્ઞતા કાર્ડ્સ' લખો

શિક્ષકો માટે

વિષય: ઑનલાઇન શિક્ષણ પ્રણાલી - તેના લાભો અને કેવી રીતે તેમાં વધુ સુધારો લાવી શકાય.

પ્રવૃત્તિ: આપેલા વિષય પર અંદાજે 1500 શબ્દોમાં નિબંધ લેખન કરો

માતાપિતા માટે

વિષય 1: તમારા શબ્દો તમારા સંતાનની દુનિયા રચે છે - પ્રોત્સાહન આપો, તમે જેમ હંમેશા કર્યું છે એવી જ રીતે

પ્રવૃત્તિ: તમારા સંતાનના ભવિષ્ય માટે તમે તેની અથવા તેણી સાથે શેર કરી હોય તેવી દૂરંદેશી વિશે વાર્તા લખો. પહેલું વાક્ય તમારા સંતાન પાસે લખાવો. ત્યારબાદ તમે લખો અને આગળની વાર્તા પૂરી કરો. (શબ્દ મર્યાદા: 1500 શબ્દ)

વિષય 2: તમારા સંતાનના મિત્ર બનો - હતાશાને દૂર રાખો

પ્રવૃત્તિ: તમારા સંતાનને ટપાલ લખો અને તેને અથવા તેણીને જણાવો કે શા માટે તમારા જીવનમાં તે ખાસ છે. (શબ્દ મર્યાદા: 100 શબ્દ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp