શિક્ષકની બદલી થતા ગામ લોકોએ શાળાને માર્યું તાળુ

PC: Youtube.com

નર્મદા જિલ્લાના તિલકવાડાના નવાપુર ગામની સરકારી શાળાના શિક્ષક નરેન્દ્ર મહેરાની બદલી કરવામાં આવતા ગામ લોકો દ્વારા શાળાને તાળુ મારી દેવામાં આવ્યું હતું. ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું કે DPO સાહેબ દ્વારા ગામની શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકની બદલી ખોટી રીતે કરવામાં આવે છે. ગામ લોકોની ખોટી સહી લઈને DPO સાહેબ દ્વારા શિક્ષકને બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ગામ લોકોએ વધુમાં કહ્યું કે DPO દ્વારા નરેન્દ્ર મહેરાની બદલીનો ઓર્ડર કેન્સલ કરવામાં નહિ આવે ત્યાં ગામની શાળામાં અને શિક્ષણ કાર્ય થવા દેશું નથી. જો કે ગામ લોકો દ્વારા આપેલી ચીમકીને DPO ગંભીરતાથી ન લેતા ગામ લોકોએ ગામની શાળાને તાળુ માર્યું હતું. તાળુ કોઈ ખોલે નહિ તે માટે વિદ્યાર્થીઓ શાળાના ઓટલા પર બેસીને પોતાના પ્રિય શિક્ષકની બદલી રોકી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ કહ્યું કે નરેન્દ્ર મહેરા અમારા પ્રિય શિક્ષક છે, તેઓ અમને સારી રીતે અભ્યાસ કરાવે છે. જો શાળામાં કોઈ વિદ્યાર્થી શાળાએ ન આવે તો સાહેબ જાતે બાઈક પર જઈને તે વિદ્યાર્થીને શાળાએ લઈ આવે છે. આ મામલાની જાણ ધારાસભ્યને થતા તેઓ પણ ગામમાં આવ્યા હતા અને શિક્ષકની બદલી મામલે તપાસ કરતા શિક્ષકની બદલી ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. બીજી તરફ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે આક્ષેપ કર્યો કે DPO દ્વારા શિક્ષકની બદલી બાબતે તેમને કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી. જો શિક્ષકની બદલી કરવામાં આવનાર હોય તો તેમને પહેલાથી એક નોટિસ આપવી પડે. શિક્ષકની ભૂલના કારણે બદલી કરવામાં આવતી હોય તો પહેલી ભૂલ માટે ચેતવણી આપવામાં આવે છે. ત્યારે આ કિસ્સામાં એવું થયું છે કે શિક્ષકનો કોઈ વાંક છે જ નથી, એવા સંજોગોમાં કોના ઇશારે આ શિક્ષકની બદલી કરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે.

શિક્ષકએ ગામ લોકો માટે કેટલો મહત્ત્વનો વ્યક્તિ હોય છે એ નવાપુરના ગામ લોકોએ તંત્રને બતાવ્યું છે કે જ્યાં શિક્ષકની બદલી થતા આખું ગામ એકઠું થઈને એક સુરમાં શિક્ષકને પરત લાવવા માગ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp