વાલીઓની મુશ્કેલી વધી, વાલીઓ પાસેથી હવે સ્કૂલવાન ભાડું પણ માંગવામાં આવ્યું

PC: twitter.com

કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે રાજ્યમાં બે મહિના સુધી મોટા ભાગના ધંધા ઉદ્યોગો બંધ રહ્યા હતા અને હવે અનલોકમાં ધીમે-ધીમે ધંધાઓ ખૂલી રહ્યા છે પરંતુ શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. છતાં પણ કેટલાક શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. શાળાની ફી માફીને લઇને વાલીઓ સરકારને રજૂઆત કરી રહ્યા છે. કારણ કે લોકડાઉનમાં ધંધા બંધ રહેતા તેમને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે સ્કૂલ ફીની સાથે-સાથે ટ્રાન્સપોટેશનનો ખર્ચ પણ વાલીઓ પર નાંખવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ પાસેથી લોકડાઉન દરમિયાન માર્ચ, એપ્રિલ અને મે મહિનાના સ્કૂલવાન અથવા તો સ્કૂલબસના ભાડાની માંગણી કરવામાં આવી છે. શાળાઓ બંધ હોવાના કારણે સ્કૂલવાન ચાલી નથી અને વિદ્યાર્થીઓ પાછળ એક પણ રૂપિયાનું પેટ્રોલ કે, ડીઝલ બળ્યું નથી છતાં પણ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ પાસેથી ત્રણ મહિનાના ભાડાની માંગણી કરવામાં આવી છે. આ ભાડું માંગવા બાબતે ડ્રાઈવરોની રોજગારી બંધ થવાનું જણાવવામાં આવ્યું છે. સ્કૂલવાન ચાલકોએ વાલીઓને મેસેજ કરીને પૈસાની માંગણી કરી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે વાલીઓને પૈસા માટે દબાણ કરવામાં આવ્યું નથી. જે રીતે સગવડ હોય એ પ્રમાણે પૈસા આપવા ભલામણ કરવામાં આવી છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે, વાલીઓને અમે એક જ ભલામણ કરી છે કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાના પૈસા માંગવામાં આવ્યા છે. આ ત્રણ મહિનાના પૈસા વાલીઓ પોતાની સગવડ પ્રમાણે આપે. ડ્રાઈવરને પણ પોતાનું ઘર હોય છે, તેમને પોતાનું ઘર ચલાવવાનું હોય છે અને તેઓ સ્કૂલ વર્ધી જ કરતા હોય છે. એટલે પેરેન્ટ્સને ભલામણ કરી છે કે, તમે તમારી સગવડ પ્રમાણે પૈસા આપો.

શાળાઓ તો ફી માંગી રહી હતી પરંતુ હવે સ્કૂલવાનના ચાલકોએ પણ પૈસાની માંગણી કરતા વાલીઓની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે, બે મહિના સ્કૂલવાન બંધ રહી તેની સાથે-સાથે વાલીઓના ધંધા પણ બંધ જ રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp