આ રાજ્યમાં લોકડાઉન દરમિયાન પૂરી ફી નહીં લઈ શકે શાળાઓ: સુપ્રીમ કોર્ટ

PC: newindianexpress.com

લોકડાઉનની સૌથી વધારે અસર શાળાઓ પર પડી છે. શાળાઓ બંધ હોવાના કારણે ઓનલાઇન ક્લાસીસ શરૂ ચાલી રહ્યા છે. તો તેની સાથે જ ફીને લઈને વિવાદ પણ ઊભા થઈ ગયા છે. કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં છે અને હાલના સમાચાર એવા છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન શાળાઓ પૂરી ફી ના લઈ શકે. જોકે આ નિર્ણય સામાન્ય વ્યક્તિઓ માટે વધારે રાહતવાળો નથી.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ખાનગી શાળાઓ રાજ્યના કાયદા હેઠળ વાર્ષિક ફી લઈ શકે છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે, શાળાઓના શૈક્ષણિક સત્ર 2020-21ની વાર્ષિક ફીમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવે, કારણ કે બાળકોને આ વર્ષે એ સુવિધા નથી મળી જે શાળાએ જવા પર મળે છે. રાજસ્થાનની 36 હજાર ખાનગી શાળાઓની બાબતે સુપ્રીમ કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે.

જો કોઈ વાલી ફી નહીં ચૂકવી શકે તો તેમના બાળકોને ઓનલાઇન ક્લાસીસથી વંચિત રાખવામાં આવી શકે નહીં. શાળાઓએ એવા બાળકોની પરીક્ષા લેવી પડશે અને પરિણામ પણ જાહેર કરવા પડશે. જોકે આખી બાબતે વાલીઓને ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, શાળા 60-70 ટકા ફી વસૂલ કરે એટલે કે જેટલી ટ્યુશન ફી છે તે જ વસૂલવામાં આવે. તેની વિરુદ્ધ શાળા સંચાલકોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને શાળાની પૂરી ફી વસૂલવાની માંગણી કરી, જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે.

જોકે હજુ સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટનો પૂરો નિર્ણય સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે, શાળાઓ કેટલી અને કઈ રીતે ફી વસૂલ કરી શકશે. સુપ્રીમ કોર્ટે 6 હપ્તામાં ફીસ આપવાની સુવિધા આપી છે. શાળા સંચાલન તરફથી પ્રતિક્રિયા આવી રહી નથી. તમને જણાવી દઇએ કે, રાજસ્થાન સરકારે આદેશ આપ્યો હતો કે લોકડાઉનને જોતા શાળાઓ વિદ્યાર્થીઓની ફીમાં 30 ટકાનો ઘટાડો કરે.

શાળાઓને ફી ઘટાડાનો આદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 72 હેઠળ આપવામાં આવ્યો હતો. આ આદેશને શાળાઓએ હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો અને કહ્યું હતું કે, આ આદેશ તેમને સંવિધાનની અનુચ્છેદ 19.1G હેઠળ મળેલા વ્યવસાય કરવાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp