ગુજરાતના શિક્ષણ તંત્ર માટે શરમજનક અહેવાલ, 'ઢ'ની સંખ્યામાં ઉત્તરોતર વધારો

PC: khabarchhe.com

ગુજરાતના શિક્ષણ તંત્રની શરમ સામે આવી છે. એક સરવેમાં એવી બાબત સામે આવી છે કે ધોરણ-2માં અભ્યાસ કરતા 90 ટકા બાળકો તેમના અભ્યાસક્રમની ચોપડી વાંચી શકતા નથી. ગુજરાત સરકાર અને પ્રાઇવેટ સ્કૂલો જ્યારે શિક્ષકોને જાલીમ પગાર આપે છે ત્યારે તેમના બાળકોને શિક્ષા પ્રાપ્ત થઇ શકતી નથી. રાજ્યના શિક્ષણ વિભાગની આ ઘોર બેદરકારી છે. પ્રથમ નામના એક એનજીઓ એ સરવે કરાવ્યો હતો જેમાં બીજા ધોરણના બાળકોને વાંચતા જ આવડતું નથી. સરકારી સ્કૂલોમાં તો સમજ્યાં પરંતુ ખાનગી સ્કૂલોમાં પણ બાળકો વાંચી શકતા નથી. વાલીઓ તેમના સંતાનો પાછળ દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે બીજા ધોરણના વિદ્યાર્થીઓ વાંચી ન શકે તેના જેટલી શરમ કઇ હોઇ શકે છે.

સરવેમાં સામે આવેલી વિગતો પ્રમાણે સ્કૂલના 13 ટકા બાળકો એટલે કે 50નો વર્ગ હોય તો સરેરાશ છ બાળકો પુસ્તકનો એક અક્ષર પણ વાંચી શકતા ન હતા. 67 ટકા વિદ્યાર્થીઓ એક વાક્ય વાંચી શક્યા ન હતા. એવી જ રીતે ધોરણ-3ના વિદ્યાર્થીઓને ધોરણ-2ના પુસ્તક આપવામાં આવ્યા ત્યારે તેઓ પણ વાંચી શક્યા ન હતા. ગુજરાત સરકાર ધોરણ-5 અને ધોરણ-8 માટે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની પ્રથા બંધ કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની આવી હાલત છે. એનો મતલબ એ થયો કે પરીક્ષા આપી હોવા છતા આ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. જો કે તેમાં સરકારનો વાંક એટલા માટે છે કે સરકારે જ શિક્ષણ વિભાગની સ્કૂલો માટે આદેશ કર્યો હતો કે કોઇપણ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નહીં.

પ્રાથમિક સ્કૂલોના આ બાળકો ગણિતમાં વધારે કાચા છે. ધોરણ-2માં અભ્યાસ કરતા 93 ટકા વિદ્યાર્થીઓને બે આંકડાની બાદબાકી અને 99 ટકા વિદ્યાર્થીઓને ભાગાકાર આવડતા ન હતા. ધોરણ-3ના મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગાકાર કરી શકતા નથી. આ સરવે રાજ્યના 779 ગામડાઓમાં કરવામાં આવ્યો હતો. જેમાં 15000 પરિવારોનો સંપર્ક કરી તેમના ત્રણ થી 16 વર્ષના બાળકોને પૂછવામાં આવ્યું હતું. આશ્ચર્યની બાબત એવી છે કે ધોરણ-8ના વિદ્યાર્થીઓને પણ ભાગાકાર આવડતો નથી. આ સરવે માત્ર ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને આવું પરિણામ જોવા મળે છે. સરકારના ગુણોત્સવ અને વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો ગામડામાં ફેઇલ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp