સાર્વજનિક યુનિ.ના પ્રોવોસ્ટ ડો. કિરણ પંડ્યાનું નવી શિક્ષણ નીતિ પર ચાવીરૂપ પ્રવચન

ભરૂચની એમએસકે કોલેજ ઓફ કોમર્સમાં આપેલા પ્રવચનને તમે અહીં આખે આખું વાંચી શકો છો..
શિક્ષણનું મહત્વ, વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં કેટલું છે તેનાથી આપણે સૌ માહિતગાર જ છીએ. શિક્ષણના આર્થિક અને બિનઆર્થિક લાભ ઘણા છે. આમ છતાં શિક્ષણના ક્ષેત્રને જોઈએ તેટલું મહત્વ આપવામાં નથી આવતું. વર્લ્ડ બેન્કનાં વર્ષ 2018 નાં અહેવાલ નું શીર્ષક ‘Learning: to Realize Education’s Promise’ છે. આ અહેવાલ, વિશ્વમાં શિક્ષણની પરિસ્થિતિ કેવી છે તેનો ચિતાર રજૂ કરે છે. વર્લ્ડ બેન્કનાં અહેવાલનાં મત અનુસાર હાલમાં વિશ્વમાં ‘Learning Crisis’ (શીખવાની કટોકટી) છે. વધુમાં જણાવવામાં આવે છે કે જ્ઞાનપ્રાપ્તિ અને કૌશલ્ય વિના શાલેયશિક્ષણ, એ કિંમતી સંસાધનો અને માનવ સંભવિતતાનો ભયંકર વેડફાટ છે. વર્લ્ડ બેન્કનો વર્ષ 2018નો વાર્ષિક અહેવાલ અને ભારતમાં પ્રકાશિત થતો Annual Survey of Education Report (ASER), ભારતમાં શિક્ષણની પરિસ્થિતિ કેટલી હદે ખરાબ છે તેનો ખ્યાલ આપે છે.
તમામ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા કથળી છે એ બાબત, સર્વવિદિત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તદુપરાંત, નાણાંમંત્રી શ્રી અરુણ જેટલીએ તા. ૨૯/૦૧/૨૦૧૮, સોમવારના રોજ આર્થિક મોજણીનો અહેવાલ (Economic Survey) રજૂ કર્યો હતો તેમાં પણ શિક્ષણક્ષેત્રે પ્રવર્તતી પરિસ્થિતિની ચિંતા કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ વધારે કથળેલી જોવા મળે છે.
સૌ પ્રથમ શિક્ષણક્ષેત્રે પ્રવર્તતી પરિસ્થિતિનો અંદાજ કેવી રીતે મેળવવામાં આવેછે, તેની જાણકારી મેળવીએ. શિક્ષણક્ષેત્રે પ્રવર્તતી પરિસ્થિતિનો અંદાજ મેળવવા માટે Learning Poverty Count (LPC) અને Learning Poverty Gap (LPG) ની ચર્ચા કરવામાં આવે છે. આ બંને ખ્યાલો ગરીબી માપનમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેવો જ છે. LPC એ એવા બાળકોની સંખ્યા દર્શાવે છે કે જેઓ પાયાના શિક્ષણના બેન્ચમાર્ક સુધી પહોંચી શકતા નથી. બાળકો બેન્ચમાર્ક થી કેટલા દૂર છે તે માપવા માટે LPG નો ઉપયોગ કરવામાં આવે છે. આ અંદાજો મેળવવા માટે ASER નો ઉપયોગ કરવામાં આવે છે. ASER દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રહેતા પાંચ થી ૧૬ વર્ષના બાળકોની વાંચન અને ગણતરી કરવાની ક્ષમતાનું આકલન કરવામાં આવે છે.
એમ કહી શકાય કે ગરીબીરેખાની જેમ આ પરીક્ષણો બાળક નું ન્યૂનતમ જરૂરી જ્ઞાનભંડોળ દર્શાવે છે. અહિંયા ન્યૂનતમ જરૂરી જ્ઞાનભંડોળનું આકલન કરવા માતૃભાષામાં સામાન્ય વાર્તા વાંચવાની ક્ષમતા (આવડત) તેમ જ બાદબાકી કરવાની ક્ષમતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત અભ્યાસમાં ધોરણ ત્રણ થી આઠ સુધીનાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસનાં તારણો ખૂબ જ ચિંતાજનક છે. સામાન્ય ગણિતની આવડત અને વાંચવાની ક્ષમતાનાં નિદર્શકો પ્રમાણે ન્યૂનતમ જરૂરી જ્ઞાન ભંડોળનો બેન્ચમાર્ક ન ધરાવતા બાળકોનું પ્રમાણ ૪૦ થી ૫૦ ટકા છે. ટૂંકમાં કહી શકાય કે ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ ત્રણ થી આંઠમાં અભ્યાસ કરતા ૪૦ થી ૫૦ ટકા બાળકો ન્યૂનતમ જરૂરી જ્ઞાન ભંડોળ સુધી પહોંચી શકતા નથી. સારી વાત એ છે કે વિદ્યાર્થી અને વિદ્યર્થીનીઓ ની લક્ષ્યાંકસિદ્ધિમાં ખાસ તફાવત જોવા મળતો નથી. વર્ષ ૨૦૧૪ પછી પરિસ્થિતિમાં સુધારો નોંધવામાં આવ્યો છે. આમ, શિક્ષણનાંક્ષેત્રે જયારે ગુણવત્તાની વાત કરવામાં આવે છે ત્યારે ખૂબ નિરાશાજનક પરિસ્થિતિ જોવા મળે છે.
અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત દરમિયાન, શિક્ષક / અધ્યાપકોની પસંદગી કરતી વખતે, પ્રોજેક્ટ ઈન્ટરવ્યૂ વખતે, સ્કૂલનાં બાળકો સાથે સ્કૂલનાં શિક્ષણની વાતચીત દરમિયાન અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે ચર્ચા કરતાં એક જ બાબત જે સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે, તે એ છે કે, શિક્ષણના તમામ ક્ષેત્રે અને ભારતના વિવિધ રાજ્યોમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું ગયું છે.
શિક્ષણનાં સ્તર અંગેની ગણતરી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તૈયાર કરવામાં આવતી હ્યુમન કેપિટલ ઇન્ડેક્ષ પરથી પણ ખ્યાલ આવે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં વર્ષ ૨૦૧૭નાં રીપોર્ટ દ્વારા જાણવા મળે છે કે વિશ્વનાં કુલ ૧૧૮ રાષ્ટ્રોમાંથી ભારતનો હ્યુમન કેપિટલ ઇન્ડેક્ષમાં ક્રમ ૧૦૩ છે. આ બાબત ભારતમાં માનવમૂડીની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. ચીનમાં Foreign Direct Investment (FDI) વધુ હોવાનું કારણ, સસ્તું માનવ શ્રમ નથી, પરંતુ માનવમૂડી ની ઊંચી ગુણવત્તા છે.
યુનિવર્સિટીની પ્રવર્તમાન પરિસ્થિતિનું આલેખન: પ્રવર્તમાન સમયમાં યુનિવર્સિટીઓ કેવળ પરીક્ષા લેનારી સંસ્થા બનીને રહી ગઈ છે. જ્ઞાનનું વિતરણ પણ બરાબર થતું નથી. નિતનવી યુનિવર્સિટીઓ શરુ કરવામાં આવે છે. અને એમ માની લેવામાં આવે છે કે આપણો શૈક્ષણિક વિકાસ થઇ રહ્યો છે પણ તે એક ભ્રાંતિ છે. યુનિવર્સીટીઓની એક આગવી ઓળખ હોવી જોઈએ, પરંતુ યુનિવર્સિટીઓ કાર્યક્ષમ રહી નથી. યુનિવર્સીટીઓમાં જ્ઞાન વધે છે એવો ભ્રમ હવે કોઈનો રહ્યો નથી. National Assessment and Accreditation Council (NAAC) દ્વારા યુનિવર્સિટીઓનું એસેસમેન્ટ થાય છે પરંતુ અધ્યાપકો અને તંત્રવાહકોએ બધું જ મોટુંમોટું બતાવવાની કળા હસ્તગત કરી લીધી છે. અધ્યાપકો Aacademic Performance Index (API) નાં મોટા સ્કોર કરવામાં પારંગત થઇ ગયા છે. લેખો અને પુસ્તકો પ્રકાશિત થાય છે. કોન્ફરન્સ, સેમીનાર વગેરેના આયોજનો થાય છે અને કાર્યશિબિરો પણ યોજાય છે, છતાં એનાથી વિદ્યાક્ષેત્ર પર પ્રભાવ પડી શકે તેવું કશું થતું નથી. આવી બધી ઔપચારિકતામાં સમયનો અને નાણાંનો અપવ્યય થતો રહે છે. આપણી વ્યવસ્થામાં અધ્યાપક બઢતી મેળવવા કશુંક લખે છે, છપાવે છે. ગુણવત્તાની આલોચના કરનાર વિદ્વાન અધ્યાપકો નથી. માત્ર લેખો અથવા પ્રકાશનોની સંખ્યા જ મહત્વની બની રહે છે. પ્રોફેસરનું પ્રમોશન મેળવ્યા પછી અધ્યાપક જ્ઞાનના ઉપાર્જનની જંજટમાંથી મુક્તિ મેળવી લે છે. વિવિધ કમિટીઓમાં સેવા બજાવે છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને કઈં કર્યાનો સંતોષ લે છે.
અધ્યાપકોની પૂરતાં પ્રમાણમાં ભરતી ન થવાથી પરિસ્થિતિ વિકટ બને છે. તેમાં બિનશૈક્ષણિક સ્ટાફની પણ નિમણૂંક ન થતી હોય તો પરિસ્થિતિ વધુ વિકટ બને છે. અધ્યાપકોને વધુ ને વધુ વહીવટી કામોમાં જોતરવામાં આવે છે. કેટલાક અધ્યાપકોને એ ફાવી જતું હોય છે. તુલનાત્મક ખર્ચની વાત કરીએ તો બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાએ અધ્યાપકોનો ઉપયોગ કરવામાં આવે તો કામનો એકમદીઠ ખર્ચ વધુ આવે. કમનસીબે આ ગણિત / અર્થશાસ્ત્ર, સરકારને, યુનિવર્સિટીને કે તંત્રવાહકોને સમજાતું નથી. બીજી ગંભીર બાબત એ છે કે બિનજરૂરી વહીવટી કામનો બોજ ક્રિયાશીલ અધ્યાપકોને નિષ્ક્રિય બનાવી દે છે. આજે ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પૂરો અભ્યાસક્રમ શીખવતી હોય છે. કેટલાક વિષયો નાં અભ્યાસક્રમો તો અપ્રસ્તુત પણ બની ગયાં હોય છે. અર્થશાસ્ત્ર વિષયમાં ઘણી અપ્રસ્તુત બાબતો ભણવવામાં આવે છે.
યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓ: અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રવર્તમાન સમયમાં યુનિવર્સીટીઓ કેવળ પરીક્ષા લેનારી સંસ્થા બનીને રહી ગઈ છે. પરીક્ષા પદ્ધતિઓમાં ઘણા દુષણો પેંઠા છે. જેને પરિણામે ડીગ્રીનું અવમૂલ્યન થયું છે. પરીક્ષા બરાબર લેવાય છે એવું બતાવવા સ્કોવોર્ડસ્ની રચનાઓ થાય છે. બાહ્ય સુપ્રીટેન્ડની નિમણૂંક કરવામાં આવે છે અને જડબેસલાક તંત્ર ગોઠવવામાં આવે છે, પરીણામે બધું સલામત હોવાની ભ્રાંતિ ઉભી થાય છે. આમ છતાં પરીક્ષામાં ચોરીઓ થાય છે. યુપી અને બિહાર જેવા રાજ્યોનાં કિસ્સાઓ તો આખા દેશમાં કુખ્યાતછે. મજાની વાત એ છે કે વિદ્યાર્થીઓ ચોરી કેમ કરે છે તેના અંગે કોઈ વિચાર કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓને ચોરી કરતા અટકાવવા અને ચોરી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષા કરવી એ સારી બાબત છે પરંતુ વિદ્યાર્થીઓ ચોરી કેમ કરે છે તેનો અભ્યાસ કરીને તે પરિબળોને દૂર કરવા જરૂરી છે. સામાન્ય રીતે સ્વનિર્ભર કોલેજોમાં અને જ્યાં બાહ્યઅભ્યાસક્રમોની પરીક્ષા લેવાતી હોય છે ત્યાં પરીક્ષામાં ચોરીનું દૂષણ વધારે હોય છે. જે સંસ્થાઓમાં શિક્ષણ બરાબર ન થતું હોય ત્યાં પણ વધતા-ઓછા પ્રમાણમાં આ દૂષણ જોવા મળે છે. આ ઉપરાંત બીજા ઘણા કારણો છે. પરીક્ષામાં પાસ થવાનું દબાણ, અભ્યાસના ઓછા દિવસો, અભ્યાસનું માધ્યમ, પરીક્ષા લેવાનીપદ્ધતિ, પ્રશ્નપત્રનું માળખું વગેરે પરીબળો પણ અગત્યનો ભાગ ભજવે છે.
પરીક્ષાના સંચાલનમાં ઉભા થતાં પ્રશ્નોનો તત્પૂરતો ઉકેલ કામચલાઉ ધોરણે લાવવામાં આવે છે, પરંતુ ગંભીર સ્વરૂપનાં જટિલ પ્રશ્નોનો વિચાર કરવામાં આવતો નથી. કાયમી વહીવટી કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. બીજી બાજુ યુનિવર્સિટીઓ નવી કોલેજોને જોડાણ આપતી જાય છે. પરિણામે યુનિવર્સિટી વહીવટી તંત્ર પર સતત કામનું ભારણ પણ વધતું જાય છે. બાહ્યપરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવામાં આવે છે. આ બધા કારણોથી કર્મચારીઓની, તેમ જ, અધ્યાપકોની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે.
અભ્યાસમાં રુચિ ન હોય તેવા વિદ્યાર્થીઓ: કોલેજો અને યુનિવર્સિટીમાં ભણવા આવતાં વિદ્યાર્થીઓમાં પણ વિદ્યાપ્રાપ્તિ / નવું શીખવા માટેની રૂચી ઘટતી જોવા મળે છે. વિદ્યાર્થીઓ માટે કોલેજો અને યુનિવર્સિટીઓ એવા સ્થાન છે, જ્યાં જીવનનાં કેટલાક વર્ષો કોઈ પણ પ્રકારનાં પરિશ્રમ વિના, આસાનીથી પસાર થઇ જાય છે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજરી માટે ગંભીર નથી. વિદ્યાર્થીઓને માત્ર અધ્યાપકે લખાવેલ ‘નોટ્સ’ માં રસ હોય છે. જ્ઞાન નું આદાનપ્રદાન થતું જ નથી. પરિણામે, મૌલિક વિચાર ન કરી શકનારા અને કોઈપણ પ્રકારનું કૌશલ્ય ન ધરાવતા સ્નાતકો તૈયાર થાય છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંગે કેટલાક અવલોકનો: શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શિક્ષણ પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવાના હેતુથી લાંબી ચર્ચા વિચારણા બાદ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અમલમાં આવી. રાષ્ટ્રીય શિક્ષણનીતિની સમીક્ષા, એ કઠિન કાર્ય છે. શિક્ષણનીતિની સમીક્ષા માટે તેના બે પાસઓ પર દૃષ્ટિપાત કરવો જરૂરી છે. એક, શિક્ષણનીતિ નાં ઉદ્દેશો શું હતાં, અને તેનો અમલ કઇ રીતે કરવામાં આવી રહ્યો છે. શિક્ષણનીતિનાં ઉદેશોની વાત કરીએ, તો એ ચોક્કસપણે સ્વીકારવું પડે કે આ શિક્ષણનીતિ દ્વારા શિક્ષણક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન લાવવાનો ધ્યેય છે. નવી શિક્ષણનીતિનો ઉદ્દેશ્ય, ભારતકેન્દ્રિત શિક્ષણવ્યવસ્થા દ્વારા, પ્રત્યક્ષ રીતે ઉચ્ચકક્ષાનું શિક્ષણ પ્રદાન કરી, કાયમીધોરણે ભારત દેશને ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાનસમાજમાં પરિવર્તિત કરવાનો છે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા શિક્ષણનું ગતિશીલ માળખું, ગુણવત્તાયુક્ત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો, ઉદાર શિક્ષણ, સંચાલન અને નિયમન વ્યવસ્થામાં ફેરફાર, અધ્યાપક-તાલીમ, ભરતી પ્રક્રિયામાં ફેરફાર, શિક્ષણક્ષેત્રમાં જીડીપી નાં 6% જેટલા રોકાણનું લક્ષ અને તે દ્વારા વધુ નાણાંની ફાળવણી , રાષ્ટ્રીય સંશોધન સંસ્થાની સ્થાપના વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તદુપરાંત, ભારતમાં શિક્ષણનાં દષ્ટિકોણની દેખરેખ માટે વડાપ્રધાનની આગેવાની હેઠળ, રાષ્ટ્રીય શિક્ષણ આયોગની રચના કરવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે. વધુમાં, ભારતનાં વડાપ્રધાન દ્વારા ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં જણાવ્યું છે કે, શિક્ષણનું ધ્યેય, વિવેચનાત્મક વિચારો અને નાવીન્યપૂર્ણ વિચારો વિકસીત કઈ રીતે થાય, તે હોવું જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણ થકી જ્ઞાનઆધારિત અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાનું અભિપ્રેત છે. આર્થિક વિકાસમાં ઉચ્ચ શિક્ષણ, મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે બાબતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં ઘણાં વિદ્વાનોએ ભૂમિકા ભજવી છે. નીતિનો વ્યાપ, દર્શન અને સૂચનો ઘણાં ઉપયોગી છે. મારા મત પ્રમાણે, આ નીતિનો અમલ કેવી રીતે અને ક્યારે થાય છે તે અંગે વિચારણા કરવા નો છે. આ શિક્ષણનીતિનાં અમલીકરણમાં ઘણાં પડકારો છે. અહીં, આપણે કેટલાક પડકારોની ચર્ચા કરીશું.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં અભિપ્રેત સૈદ્ધાંતિક માળખું
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં મુખ્યત્વે ચાર સિદ્ધાંતોનો સમન્વય જોવા મળે છે.
1. રચનાત્મક / નિર્માણવાદી (Constructivist ) સિદ્ધાંત
શિક્ષણમાં રચનાત્મક સિદ્ધાંત એ એક અગત્યનો શિક્ષણ સિદ્ધાંત છે, જે શીખનારાઓની પોતાની સૂઝબૂઝ, સમજ અને જ્ઞાનના નિર્માણમાં સક્રિય ભૂમિકા પર ભાર મૂકે છે. આ અભિગમ પરંપરાગત શૈક્ષણિક મોડેલોથી તદ્દન વિપરીત છે, જ્યાં શિક્ષકથી વિદ્યાર્થીમાં એકપક્ષીય નિષ્ક્રિય રીતે, જ્ઞાન પ્રસારિત થાય છે. શિક્ષણમાં રચનાત્મક સિદ્ધાંત એ માન્યતા પાર આધારિત છે, કે દરેક શીખનારની સમજ અનન્ય છે, જે તેમના વ્યક્તિગત અનુભવો અને અગાઉના જ્ઞાન દ્વારા આકાર પામે છે.
2. પ્રાયોગિક /અનુભવજન્ય શિક્ષણ સિદ્ધાંત (Experiential Learning Theory)
પ્રાયોગિક શિક્ષણ સિદ્ધાંત, અર્થપૂર્ણ અનુભવોમાં વિદ્યાર્થીઓને જોતરવાનાં મહત્વ પર પ્રકાશ પાડે છે, અને તે અનુભવ દ્વારા શીખવાના મહત્વને ઉજાગર કરે છે.
3. એજ્યુકેશનલ ઇક્વિટી થિયરી (Educational Equity Theory )
તમામ વિદ્યાર્થીઓને સફળ થવા માટે સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે સમાવિષ્ટ અભિગમને સંબોધિત કરવો.
4. માનવ મૂડીનો સિદ્ધાંત (Human Capital Theory)
માનવ મૂડીનો સિદ્ધાંત, વ્યક્તિગત ઉત્પાદકતા અને આર્થિક પરિણામોને વધારવામાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.
કેટલાક પડકારો: 1. ડિજિટલ ડિવાઇડ
ડિજિટલ સંસાધનોમાં અસમાન ઍક્સેસ, ઓનલાઇન અને હાઇબ્રિડ શીખવાની મોડલને મહત્વપૂર્ણ અસર કરે છે, જેના કારણે શૈક્ષણિક અવસરોમાં ભેદભાવ સર્જાય છે.
2. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ
ઘણી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળનાં સુધારાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માળખાગત સુવિધાઓનો અભાવ છે.
3. શિક્ષક તાલીમ
શિક્ષકોને નવી શૈક્ષણિક પદ્ધતિઓને અપનાવવા માટે પૂરતી તાલીમ અને મદદનો અભાવ છે, જે તેમની કાર્યક્ષમતા પર અસર કરે છે.
4. સમાનતા અને સમાવેશ
આર્થિક રીતે પછાત સમુદાયો, ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં, શિક્ષણ સુધારાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે.
5. નાણાંકીય મર્યાદાઓ
વિશાળપાયે અમલ માટે પૂરતા નાણાં અને સંસાધનોનું વિતરણ ન હોવું એક મહત્વપૂર્ણ પડકાર છે.
6. પરિવર્તન સામેનો પ્રતિકાર
હાઈર એજ્યુકેશનમાં ભાગીદારો (Stakeholders) દ્વારા નવા સિસ્ટમોને અપનાવવા માટે ઘણીવાર સંકોચ હોય છે, જે પ્રગતિને અવરોધિત કરી શકે છે.
હું, કેટલીક મહત્વની અને પ્રભાવ કરનારી બાબતો પર ભાર મૂકવા માંગુ છું. સૌ પ્રથમ આપણે તમામ સંસ્થાઓને પ્રભાવ કરતી નાણાંકીય બાબતોથી શરૂઆત કરીશું.
ટાંચા નાણાંકીય સાધનો, મર્યાદિત અનુદાન અને તેનો વિવેકહીન ઉપયોગ: રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં જીડીપીના 6% જેટલા શિક્ષણક્ષેત્રે રોકાણનું લક્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બાબત આવકારવા જેવી છે. જો કે આ લક્ષ ઘણા લાંબા સમયથી રાખવામાં આવ્યું છે પરંતુ તેનો અમલ થતો નથી. જાહેર ખર્ચ વધારવામાં આવે તો તે ખાનગી ક્ષેત્રના ખર્ચને પણ આકર્ષિત કરે છે. નાણાંકીય સંસાધનોની બાબતમાં સરકારી, અનુદાનિત અને ખાનગી સંસ્થાઓની સમસ્યાઓમાં તફાવત જોવા મળે છે. અનુદાનની રકમ, તેની ફાળવણી અને ખર્ચની ગુણવત્તા વગેરે બાબતો ખૂબ મહત્વની હોય છે. શિક્ષણની ગુણવત્તા કથળવામાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે.
શિક્ષણ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવાની જરૂરીયાત તો છે જ, પરંતુ વધુ નાણાં ફાળવવાથી સમસ્યા હલ થવાની નથી. શિક્ષણ સાથે સંકળાયેલા તમામ ઘટકોમાં અને stakeholders માં સમસ્યા છે. નાણાં ફાળવણીની વાત કરીએ તો તેની સાથે બે પ્રશ્નો સંકળાયેલા છે. આપણે ઉચ્ચશિક્ષણની વાત કરીએ તો યુજીસી અને Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA) દ્વારા કોલેજોને અને યુનિવર્સિટીઓને અનુદાન આપવામાં આવે છે. ઘણી કોલેજો અનુદાન લેવામાં ઉદાસીનતા દાખવે છે. પ્રશ્નના મૂળમાં જઈએ કે કોલેજો અનુદાન લેવા કેમ આગળ આવતી નથી. ઘણી વખત એવું બને છે કે યુજીસી દ્વારા અનુદાન મેળવ્યા પછી કોલેજોના મેનેજમેન્ટ દ્વારા જે તે ફંડ મેનેજમેન્ટ નાં ખાતામાં ટ્રાન્ફર કરવા, આચાર્યશ્રીઓ પર દબાણ કરવામાં આવે છે. ફંડની તમામ જવાબદારી આચાર્યની હોય છે તેથી આચાર્ય અનુદાન લેવાનું ટાળતા હોય છે. આ ઉપરાંત યુજીસી દ્વારા હિસાબોને આખરી (final) કરવા કનડગત કરવામાં આવે છે, અથવા જુદા જુદા કારણસર કોલેજો હેરાન થાય છે. હાલમાં એવું જાણવા મળ્યું છે કે યુજીસી પાસે કેટલીક કોલેજોના રેકર્ડ જ ઉપલબ્ધ નથી તેથી જૂના પત્રવ્યવહારની તમામ મહિતી નવેસરથી મંગાવવામાં આવી છે. એક કિસ્સો એવો પણ ધ્યાનમાં આવ્યો છે કે, એક મેનેજમેન્ટની સારું નામ ધરાવતી કોમર્સ અને લૉ કોલેજમાં કોમર્સ કોલેજનું અનુદાન લૉ કોલેજને આપી દેવામાં આવ્યું હતું અને હિસાબોની ઉઘરાણી કોમર્સ કોલેજ પાસે કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય તો આચાર્ય / કોલેજ અનુદાન લેવાનું સ્વાભાવિક રીતે ટાળે. ટૂંકમાં વધુ નાણાંની ફાળવણી કરવાથી સંમસ્યાનો હલ થતો નથી. સાથે-સાથે વહીવટી પક્રિયા પારદર્શક અને સરળ કરવી જરૂરી છે.
ઘણી વખત યુનિવર્સિટીઓમાં એવું બને છે કે શૈક્ષણિક વિભાગો દ્વારા અનુદાન માટે દરખાસ્તો તૈયાર કરવામાં આવે અને અનુદાન મળ્યા પછી અનુદાનની ફાળવણીમાં ફેરફાર કરી નાખવામાં આવે તેથી અધ્યાપકોને નિરાશા સાંપડે છે. ‘શિક્ષણ સુધારણા' ઓમાં જે તે સમયના સ્થાપિત હિતો દ્વારા નાણાંની યોગ્ય ફાળવણીના બદલે અન્ય ઉપયોગ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે, અધ્યાપકો અને યુનિવર્સિટીનાં કર્તાહર્તાઓનાં દ્રષ્ટિકોણમાં ભેદ રહેવાનો. એવું જરૂરી નથી કે અધ્યાપકો નિર્ણયની પ્રક્રિયામાં પ્રમુખ ભૂમિકા ભજવતા હોય, તો પરિણામ સારું જ આવશે. ખરેખર તો નાણાંની ફાળવણી માટે અગ્રતાક્રમ પહેલેથી જ નક્કી હોવો જોઈએ અને તદાનુસાર નાણાંની ફાળવણી કરવી જોઈએ. આચાર્યની નિમણૂંક ન કરવાથી કોલેજનાં સંચાલનમાં ઘણાં પ્રશ્નો ઉભા થાય છે. દીર્ઘદ્રષ્ટિવાળા અને કાર્યક્ષમ આચાર્યશ્રીઓ દુર્લભ થઇ ગયા છે. મારી મુખ્ય દલીલ અહીં એ છે, કે નાણાંની ફાળવણી કરવાથી કે નવી જગ્યાઓ મંજૂર કરવાથી શિક્ષણની ગુણવત્તામાં હાલના તબક્કે કોઈ મોટો ફેરફાર આવવાનો નથી. શિક્ષણની ગુણવત્તા સુધારવાની સમસ્યા અત્યંત જટિલ છે.
ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રશ્નો વધુ વિકટ છે. મોટાભાગનાં અભ્યાસક્રમોની ફી, સરકાર દ્વારા નિયુક્ત આયોગ અથવા સમિતિ નિયમન કરે છે. જે પારદર્શી સંસ્થાઓ છે તેમને વધુ તકલીફો ભોગવવી પડે છે. અધ્યાપકોનું પગારધોરણ યુજીસી નક્કી કરે છે. તેથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનાં આવક અને જાવક વચ્ચે તફાવત વધતો જાય છે. પરિણામસ્વરૂપ , અધ્યાપકોની સંખ્યા પર કાપ મૂકવામાં આવે છે, તેમ જ મુલાકાતી અધ્યાપકો, કે જેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઓછાં હોય, એવા અધ્યાપકો દ્વારા અધ્યાપનકાર્ય કરાવવામાં આવે છે. બીજી બાજુ , વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી, બે વર્ગો ભેગા કરી દેવા, અને બીજા અન્ય માર્ગો શોધવામાં આવે છે. આ બધીજ બાબતો, શિક્ષણની ગુણવત્તાને વિપરીત અસર કરે છે.
સારા શિક્ષકોને આકર્ષવા, અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા, વિશ્વસનીય મૂલ્યાંકન પ્રણાલીઓ વિકસાવવા અને નવી માળખાગત સુવિધાઓ ઊભી કરવા, પૈસા ખર્ચ થાય છે. આમ, જેમજેમ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે છે, તેમતેમ નાણાંકીય જરૂરિયાતો વધશે. તેમ છતાં વધુ નાણાંકીય ભંડોળ ફક્ત ત્યારે જ વધુ સારા શિક્ષણ તરફ દોરી જાય છે, જયારે તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે, અને જેમાં ઇરાદાપૂર્વક શીખવાનાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે (વર્લ્ડ બઁક રિપોર્ટ 2018).
શિક્ષણમાં નેતૃત્વની સમસ્યા: શિક્ષણક્ષેત્રમાં અન્ય ક્ષેત્રની જેમ લીડરશીપની સમસ્યા છે. તેની શરૂઆત શિક્ષણ મંત્રાલય, શિક્ષણ વિભાગથી શરૂ થાય છે. સરકાર માટે શિક્ષણ, એ વહીવટી બાબત છે. શિક્ષણની બાબતોને હંમેશા વહીવટનાં પરિપ્રેક્ષ્યમાં મૂલાવાવામાં આવે છે. આ દ્રષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. કોલેજોનાં આચાર્યશ્રીઓ, ડીનશ્રીઓ, વિભાગના અધ્યક્ષશ્રીઓ, કુલપતીશ્રીઓ, વિવિધ અધિકારમંડળો તથા સંચાલકો, શિક્ષણનાં ચાલક પરિબળો છે. આ ચાલક પરીબળોમાં જ કાળક્રમે ઘસારો થતો હોય તો શિક્ષણનું સ્તર કથળે તેમાં કંઈ જ નવીન નથી. ઘણા વર્ષો પહેલા ડો.સુરેશ જોષીએ ‘વિદ્યા વિનાશના માર્ગે’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે વિદ્યાપીઠોની પરિસ્થિતિ અંગે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. શિક્ષણ સાથે નિસ્બત ધરાવતા તમામ વ્યક્તિઓને આ પુસ્તક વાંચવાની હું ખાસ ભલામણ કરું છું.
શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતે ડીન, ડીરેક્ટર અને વિભાગોના અધ્યક્ષની પસંદગી / નિમણૂંક થાય છે તે ખુબ જ ચિંતાજનક છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંક પણ કોઈપણ જાતના ધારાધોરણ વગર થતી હોય છે. હવે તો, યુજીસી પણ કુલપતિ અને પ્રોફેસર નિમવાના ધારાધોરણ બદલવા જઇ રહી છે. તેનો હેતુ ગમે તેટલો ઉમદા હોય પરંતુ તેનો અમલ કેવો થશે તે તો આવનાર સમય જ કેહશે.
ભારતમાં ઘણાંબધા રાજ્યોમાં અનુદાનિત અને ખાનગી યુનિવર્સિટીઓમાં યુજીસીના ધારાધોરણ અનુસાર નિમણૂંકો થતી નથી. આ ઉપરાંત, અવૈધાનીક પરીબળો યુનિવર્સિટીનું સંચાલન હાથમાં લઈ લે છે અને યુનિવર્સિટની નાણાંકીય પરિસ્થિતિ તેમ જ શૈક્ષણિક મૂલ્યોને, ન ભરપાઈ થાય તેવું નુકસાન કરે છે.
શિક્ષણમાં તાલિમનું મહત્વ: અધ્યાપકની ભુમિકા મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતક હોવી જોઇએ
શિક્ષણ, એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી નવીનવી વિવિધ તરાહો સાથે અધ્યાપકને સતત અપડેટ રાખવા તેને તાલિમ આપવી ખુબ જ જરૂરી છે. શિક્ષણને ગુણવત્તાનુસાર બનાવવા પણ તાલિમ આપવી જરુરી છે. અધ્યાપકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે અધ્યાપનકાર્ય માટેની વિવિધ પઘ્ધતિઓ-પ્રવૃતિઓ અને નૂતન શૈક્ષણિક પ્રવાહોથી જાણકાર બને છે. અધ્યાપકો તાલિમ લઇને પોતાના કૌશલ્યોનો વિકાસ કરી તેનો વિનિયોગ પોતાના વર્ગખંડમાં શિક્ષણકાર્યને અસરકારક બનાવવામાં કરે એટલા માટે પણ શિક્ષણમાં તાલિમનું મહત્વ છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં અધ્યાપકની તાલીમ પર વિશેષ ભાર મૂક્યો છે. આ બબત થોડી ચર્ચા માંગી લે તેવી છે. અધ્યાપકની તાલીમ માટે એકેડમિક સ્ટાફ કોલેજ અને હ્યૂમન રિસોર્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં અધ્યાપકોની તાલીમ કેટલી થાય છે એ આપણે સૌ જાણીએ છીએ છે. ખાસ કરીને તાલીમને ફરજિયાત કરવામાં આવે ત્યારે તે ઔપચારિક બની જાય છે. આ ઉપરાંત બીજી ઘણી સમસ્યાઓ છે. અધ્યાપકોને તાલીમ માટે રજા નથી મળતી. ખાનગી સંસ્થાઓ ભાગ્યે જ રજા આપે છે. તાલીમનો વિષય, સંધર્ભ સાહિત્યની ઉપલબ્ધતા, સમયગાળો અને તજગ્નૉની વિષયસજ્જતતા વિગેરે મહત્વના બને છે.
આ બધા પરિબળો મહત્વના છે જ, પણ સાથેસાથે તાલીમ પ્રાપ્ત કરવાની અધ્યાપકોની રુચિ પણ ઓછી થતી જોવા મળે છે. બઢતીમાં જો તાલીમના કોઈ પોઈન્ટ ન હોય તો ભાગ્યે જ કોઈ અધ્યાપકો તાલીમમાં ભાગ લેશે. સ્વેચ્છાએ નવું શીખવાની વૃતિ લગભગ નષ્ટ થઈ ગઈ છે એવું કહીએ તો તે અતિશયોક્તિ નહીં હોય.
ઓનલાઇન શીખી શકાતું હોય તો બહુ સારી બાબત છે. પરંતુ ખર્ચ ના બહાના હેઠળ હવે તાલીમવર્ગો ઓનલાઇન થવા લાગ્યા છે. આ બધુ પોઈન્ટ મેળવવા માટે થાય છે. સંસ્થાને NAAC માં પોઈન્ટ મળે છે અને અધ્યાપકને બઢતી માટે પોઈન્ટ મળે છે. આ બધામાં અધ્યાપક કેટલું શીખે છે એ તો સંશોધનનો વિષય છે.
શિક્ષણના ખાનગીકરણને લીધે એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અધ્યાપકોને કોન્ટ્રાક્ટ પર રાખી ખૂબ ઓછો પગાર આપવામાં આવે છે. કામનું ભારણ પણ વધારે હોય છે. સરકારી યુનિવર્સિટીઓ માં, ખાસ કરીને મોટાભાગનો બોજો સ્વનિર્ભર અભ્યાસક્રમમાં નિમણૂંક પામેલ અધ્યાપકો જ કરતાં હોય છે. ખાસ કરીને ન ગમતા કામ તેના ભાગે આવે છે. નોકરીની અનિશ્ચિતતા હોય છે એટલે કેરિયરમાં આગળ વધવા શું કરવું તેની ચિંતામાં તેઓ ઘેરાયેલા રહે છે. ઘણી વખત ટૂંકા રસ્તા પણ શોધે છે. આ બધી પરિસ્થિતિને લીધે શિક્ષણની ગુણવત્તા પર વિપરીત અસર થાય છે.
શિક્ષક, એ સમગ્ર શિક્ષણની પ્રક્રિયામાં એક અગત્યનું પરિબળ છે. અધ્યાપકોની ભરતી, તેની શૈક્ષણિક લાયકાત અને તાલીમ ખૂબ અગત્યના છે. સારા તાલીમબદ્ધ અધ્યાપકો તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે.
ઊચ્ચ શિક્ષણનું નિયમન: રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સમગ્ર ઉચ્ચશિક્ષણક્ષેત્ર માટે ભારતમાં ઉચ્ચશિક્ષણ આયોગ (HECI) ની રચના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિયમનની બાબત ચર્ચા માંગીલે તેવી છે. હાલમાં તો ઉચ્ચ શિક્ષણનું નિયમન માત્ર કાગળ પર છે એમ કહવાય. ભારતમાં અત્યારે કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં જે રીતે ડિગ્રીઓની લહાણી થાય છે એ ચિંતા ઉપજાવે તેવી બાબત છે.
નિમ્નસ્તરની યુનિવર્સિટીઓની સંખ્યામાં વધારો થાય તો નવાઈ ન પામશો. ગુણવત્તાવાળી યુનિવર્સિટીઓ નીચા ગુણવત્તાવાળી યુનિવર્સિટીઓ સાથે સ્પર્ધામાં ટકી ન શકે. આ અધ:પતન અટકાવવા, ઊચ્ચ શિક્ષણનું નિયમનનું યોગ્ય રીતે થાય, તે જરૂરી છે.
હાલમાં, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જે રીતે કામ કરે છે તે ખૂબ ચિંતાજનક છે. યોગ્ય આધારભૂત પુરાવાને અભાવે, ઘણીબધી કાઉન્સિલોની કામગીરી વિશે લખવું એ ઠીક ન ગણાય. મોટાભાગનાં પ્રિન્સિપાલ અને મેનેજમેંટ ને એની જાણકારી હશે જ.
ખૂબ ઝડપથી ઉચ્ચ શિક્ષણ આયોગ (HECI) ની રચના થાય એ જરૂરી છે.
શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં ભારતીય ચિંતન: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પણ એવું મને છે કે શિક્ષણ, એ સમાજની જવાબદારી છે. બાળકોને શિક્ષણ આપવું, એ સમાજના પોતાના જ હિતમાં છે. તેમના લખાણ પરથી એવું ફલિત થાય છે કે જે કાર્ય સમાજનાં હિતમાં હોય એમાં ફી લેવામાં આવવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું છે કે ૧૯૪૭ પહેલા ભારતનાં સઘળાં દેશી રજવાડાંમાં ક્યાંય શિક્ષણ માટે ફી લેવાતી ન હતી. જર્મની જેવા મૂડીવાદી દેશમાં પણ શિક્ષણ મફત આપવામાં આવે છે. પંડિત દીનદયાળજીને મતે શિક્ષણ, એ વ્યક્તિનો જન્મસિધ્ધ અધિકાર છે. તથા પોતાને સમાજ કહેવડાવનારા સમુદાયનું પ્રથમ કર્તવ્ય છે કે તે પોતાના સંતાનને શિક્ષિત તથા સંસ્કારિત કરીને સમર્થ બનાવે. શિક્ષાવિક્રય સમાજ માટે ઘાતક બની રહેશે. એટલે શિક્ષણ સુનિશ્ચિત અને નિઃશુલ્ક હોવું જોઈએ.
પંડિત દીનદયાળજીએ વધુમાં જણાવ્યું છે કે આજની બદલાએલી પરિસ્થિતિમાં જયારે આપણે લોકકલ્યાણકારી રાજ્યની સ્થાપના કરી છે, ત્યારે આ સામાજિક જવાબદારી નિભાવવાની ફરજ રાજ્યની છે. શિક્ષણને પ્રોત્સાહન આપવા બાબતે તેમના વિચારો સ્પષ્ટ છે. રાજ્યની ભૂમિકા અંગે તેઓનું મંતવ્ય એ છે, કે શિક્ષણસબંધી કાર્યમાં સહાયતા કરવી, દેશકાળ નિમિત્તોને અનુકૂળ રાખવા ઠેકઠેકાણે વિદ્યાલયો, શિક્ષાકેન્દ્રોની સ્થાપના કરવી તથા દરેક રીતે તેમના ઉત્સાહને વધારતા રહેવું એ રાજ્યનું પરંપરાગત કર્તવ્ય છે. તેમના ઘણાં વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. કેટલાક અંશો અહીં ટુંકાણમાં રજૂ કરૂ છું. આ અંશો ડૉ. મહેશચંદ્ર શર્મા દ્વારા લખાયેલ “દીનદયાળ ઉપાધ્યાય કર્તવ્ય અને વિચાર”માંથી લેવામાં આવ્યા છે.
• શિક્ષણનો ખર્ચ રાજ્ય દ્વારા થવા છતાં પણ તેનું સરકારીકરણ ન થવું જોઈએ.
• સરકારી અને બિનસરકારી શિક્ષણ સંસ્થાઓનો ભેદ દૂર કરી દેવો જોઈએ.
• દરેક ક્ષેત્રનાં શિક્ષકોનાં પગારધોરણ તથા અન્ય સુવિધાઓ, યોગ્ય વ્યક્તિ શિક્ષણક્ષેત્રમાં આકર્ષાય તેવી હોવી જોઈએ. વિદ્વાન પરિષદોમાં અધ્યાપક પ્રતિનિધીઓને મોકલવામાં આવે.
• કુલપતિપદે શિક્ષાવિદોની જ નિમણૂંક કરવામાં આવે.
• ‘શિક્ષણ સુધારણા’ ની પ્રથમ શરત છે ‘શિક્ષક સુધારણા’.
• શિક્ષણ દ્વારા પ્રાપ્ત સામર્થ્ય, સમાજને હંમેશા યોગ્ય માર્ગ શોધી લેવા માટે તૈયાર કરે છે.
સમાપન: આ સમગ્ર ચર્ચા, એ દર્શાવે છે કે શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તાનો પ્રશ્ન અતિગંભીર છે. વિશ્વના સાંપ્રત પ્રવાહો જોતાં જે પ્રકારનાં તકનિકી પરિવર્તન આવી રહ્યા છે, તે જોતાં ખૂબ ઊંચા પ્રકારનાં કૌશલ્ય ધરાવનાર વ્યક્તિઓની માંગ રહેશે. આપણી શૈક્ષણિક સંસ્થાઓ, આ પ્રકારનું શિક્ષણ આપવા સક્ષમ નથી. શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનની જરૂર છે. આ બધીજ સમસ્યાઓ માટે માત્ર સરકારને દોષ દેવાથી કોઈ ફેરફાર થવાના નથી. શિક્ષણ, એ આખા સમાજની જવાબદારી છે, આવી અગત્યની જવાબદારી અમલદારો, રાજકારણીઓ, સરકાર વગેરે પર સોંપીને નિશ્ચિંત થઇ જઈએ તો તેનું પરિણામ શું આવે તે આપણે અનુભવી રહ્યા છીએ. યુનિવર્સિટીઓનો ઉદ્દેશ જ્ઞાનનું સર્જન કરવાનો અને જ્ઞાનનું પ્રસારણ / વિતરણ કરવાનો હોય તથા વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા હોય તો, જ્ઞાનનાં ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમને જ શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન સોપાવું જોઈએ.
શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવશે તો તેનાથી માનવમૂડીમાં વધારો થશે, શ્રમની ઉત્પાદકતામાં વધારો થશે, શ્રમની આવકમાં વધારો થશે, જીવનની ગુણવત્તા પણ સુધારશે અને સાથેસાથે આવકવૃધ્ધિમાં પણ વધારો થઇ શકે છે. શિક્ષણની ગુણવત્તા સુધારવી એ સાચે જ મોટો પડકાર છે.
શિક્ષણની ગુણવત્તા નિમ્નસ્તરે હોવાનાં ઘણાંબધા કારણો છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાની તાત્કાલિક જરૂર છે. થોડાં ટૂંકાગાળાનાં અને કેટલાક લાંબાગાળાનાં નીતિવિષયક નિર્ણયો લઇ શિક્ષણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવું જરૂરી છે. માત્ર વધુ નાણાંની ફાળવણી કરવાથી સમસ્યા હલ નહીં થાય. શિક્ષણનું પ્રબંધન, ડીગ્રીઓ ઉપરાંત સારી યોગ્યતા ધરાવતા અધ્યાપકોની નિમણૂંક, શિક્ષકો / અધ્યાપકોની સમયાંતરે યોગ્ય તાલીમ, સંચાલક મંડળનાં અભિગમ અને વલણોમાં ફેરફાર, વિદ્યાર્થીઓ અને વાલીઓની ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાની તત્પરતા વગેરે બાબતોમાં સાનુકૂળ ફેરફાર થવાથી શિક્ષણની ગુણવત્તામાં કદાચ ફેરફાર શક્ય બનશે. શિક્ષણની ગુણવત્તામાં ફેરફાર થશે તો જ માનવવિકાસ, માનવમૂડીનો વિકાસ, સ્પર્ધાત્મક સૂચકઆંક વગેરેમાં સુધારો થશે. તેની અસર ગરીબી નિવારણમાં અને રોજગારી ઉપર પણ થશે. એટલા માટે જ શિક્ષણની ગુણવત્તાનો આવકવૃધ્ધિને પ્રભાવિત કરનાર એક અગત્યના પરિબળ તરીકે સ્વીકાર થયો છે.
ડો. કિરણ પંડ્યા, પ્રો-વોસ્ટ સાર્વજનિક યુનિવર્સિટી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp