DUના હાઈ કટઓફ લિસ્ટે લીધો વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીનીનો ભોગ

PC: news18.com

દિલ્હી યુનિવર્સીટીમાં સ્નાતક કોર્સમાં એડમિશન માટે દર વર્ષે વધી રહેલા કટઓફ લિસ્ટને લઈને વિદ્યાર્થીઓમાં તણાવ વધવા લાગ્યો છે. આ વધી રહેલો તણાવ ઘાતક સાબિત થઇ રહ્યો છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના સીતાપુર પ્રદેશથી એક આવી જ ખબર સામે આવી છે, જેણે કટઓફના દબાણને લઈને ફરી ચર્ચા જગાવી છે. રિપોર્ટ અનુસાર, સીતાપુરની એક 17 વર્ષની છોકરીએ એટલા માટે આત્મહત્યા કરી કારણ કે તેના ધોરણ 12માં આવેલા ટકા DUમાં એડમિશન માટે પૂરતા નહોતા.

રિપોર્ટ અનુસાર, સીતાપુરની ગરિમા વર્માએ UP બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું અને તેના 81% આવ્યા હતા. રવિવારે બોર્ડનું પરિણામ જાહેર થયા પછી તે દુઃખી થઇ ગઈ હતી. ગરિમા DUની કોલેજમાં એડમિશન લેવાનું વિચારી રહી હતી. પરંતુ તેના જેટલા ટકા આવ્યા હતા, તેનાથી તેને એડમિશન મળવાની અપેક્ષા નહોતી. ત્યારબાદ રવિવારે મોડી સાંજેથી તે ગૂમ થઇ ગઈ હતી. તેની શોધખોળ કરવામાં આવી હતી અને મંગળવારે સવારે તેનો મૃતદેહ બારાબંકીમાં શારદા નદીમાંથી મળ્યો હતો. છોકરીના પિતા ગિરીશકુમાર વર્માએ તેની ઓળખ કરી હતી.

પોલીસને ગરિમાના સામાનમાંથી એક સુસાઇડ નોટ મળી, જેમાં તેણે લખ્યું હતું કે તે તેના બોર્ડના પરિણામથી ખુશ નથી. મહમૂદાબાદના SHO વિજયેન્દ્ર યાદવે કહ્યું કે, છોકરીના પિતાએ જણાવ્યું કે, ગરિમા DUમાં એડમિશન લેવા માંગતી હતી, પરંતુ તેના ટકા એડમિશન માટે પુરતા નહોતા. પરિણામ આવ્યા પછી ગરિમા ઉદાસ થઇ ગઈ હતી. તેણે કોઈ સાથે વાત પણ કરી નહતી. માહિતી અનુસાર, છેલ્લા વર્ષે DUમાં મોટાભાગના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અંતિમ સરેરાશ કટઓફ લગભગ 95%-96% સુધી ગયું હતું.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ગરિમા વર્માનું ઓળખપત્ર અને સુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું, સોરી મમ્મી, સોરી પપ્પા, મને ખબર છે કે આ ખોટું છે, પણ હું શું કરું, મને કંઈ સમજાતું નથી. હું આ પરિણામ સાથે જીવી શકીશ નહીં. પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ગરિમાએ નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગરિમાની સુસાઇડ નોટને હેન્ડરાઈટિંગ એક્સપર્ટ પાસે મોકલવામાં આવી છે. જોકે તેના માતા-પિતાએ પુષ્ટિ કરી છે કે આ લખાણ ગરિમાનું જ છે. SHOનું કહેવું છે કે, અમે ગરિમાના મિત્રો અને શિક્ષકોનું પણ નિવેદન લઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp