400 ગણા ફી વધારાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મદાહની કોશિશ

PC: news18.com

અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ફી વધારાને લઇને પ્રદર્શનો કરી રહ્યા છે. એક દિવસ પહેલા વિદ્યાર્થી પોતાને જીવતો સળગાવવા માટે ગેસ સિલિન્ડર લઇને યુનિવર્સિટીની બિલ્ડીંગની ઉપર ચડી ગયો હતો, જ્યારે બુધવારે લગભગ 4 વિદ્યાર્થીઓએ પણ આત્મદાહ કરવાની કોશિશ કરી છે. જોકે, સ્થળ પર હાજર પોલીસે સમય પર જ સ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી. કથિત રૂપે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં 400 ટકા ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીસંઘ સંયુક્ત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ વિદ્યાર્થીઓ ફી વધારાને પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે.

યુનિવર્સિટીનો દાવો છે કે, સરકાર પર નિર્ભરતા ઓછી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક પ્રેસ નિવેદનમાં અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રશાસને કહ્યું કે, વધારા છતાં અન્ય સેન્ટ્રલ યુનિવર્સિટીની સરખામણીમાં કોર્સની ફી હજુ પણ સૌથી ઓછી રહેશે. પ્રશાસન અનુસાર, વધારા બાદ સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી માટે 4151 ખર્ચ થશે.

સમાચાર એજન્સી અનુસાર, SP સંતોષ કુમાર મીણાએ કહ્યું કે, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી એક આદર્શ ભદૌરિયાએ યુનિવર્સિટી કેમ્પસની અંદર આત્મદાહની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે, તેમને આમ કરવાથી રોકવામાં આવ્યા અને હિરાસતમાં લેવાયા. બાદમાં પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો અને પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવ્યા. મીણાએ કહ્યું કે, યુનિવર્સિટી પ્રશાસને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત કેટલાક લોકો વિરૂદ્ધ પરિસરમાં શાંતિ ભંગ કરવાની ફરિયાદ કરાવી છે. પોલીસે ઘટનાને લઇને કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી દીધી છે.

વિદ્યાર્થીઓનું પ્રદર્શન પાછલા બે સપ્તાહ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓને વિપક્ષી દળોના કેટલાક નેતાઓ સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું સમર્થન કરતા વાડ્રાએ કહ્યું કે, અલ્હાબાદ યુનિવર્સિટી તરફથી 400 ટકા ફી વધારો ભાજપ સરકાર તરફથી એક યુવા વિરોધી પગલું છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારના સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણે છે અને ફી વધારીને સરકાર આ યુવાઓનું શિક્ષણનું એક મોટું સ્ત્રોત છીનવી રહી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. વિદ્યાર્થી સંઘોને લોકતંત્રનો પ્રાથમિક હિસ્સો કહેતાં, યાદવે કહ્યું કે, વિરોધ કરનારા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ યુનિવર્સિટીનો વ્યવહાર ભાજપ સરકાર તરફથી નિરાશાનું પ્રતિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp