26th January selfie contest

સુરતની સરકારી શાળાના શિક્ષકો બાળકોને ઘરઆંગણે શિક્ષણ- માર્ગદર્શન આપી રહ્યા છે

PC: khabarchhe.com

કોરોનાની આફત વચ્ચે શાળાઓ બંધ છે, પરંતુ બાળકોનું શિક્ષણ ન કથળે એ માટે શિક્ષણ વિભાગના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા અવિરતપણે શરૂ છે. સુરત જિલ્લાના વનવિસ્તાર અને દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં નબળું મોબાઇલ નેટવર્ક એક મોટી સમસ્યા હોવાથી ઓનલાઇન શિક્ષણ મેળવવું કઠિન છે. વળી, આર્થિક રીતે પછાત વાલીઓ પાસે પોતાનાં બાળકો માટે ઓનલાઈન કે અન્ય માધ્યમથી શિક્ષણ મેળવવાની પાયાની સુવિધાઓ નથી. આવા સંજોગોમાં ‘બાલ દેવો ભવ:’નો મંત્ર આત્મસાત કરનારા જિલ્લાના શિક્ષકો અનેકવિધ વિટંબણાઓ વચ્ચે પણ બાળકોને પ્રત્યક્ષ કે પરોક્ષ શિક્ષણ પૂરૂ પાડવા સતત સક્રિય રહ્યા છે.

શિક્ષકો કોરોના માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે બાળકોના ઘરે રૂબરૂ જઈ એકમ કસોટી પ્રશ્નપત્રો, 'ઘરે શીખીએ' પ્રવૃત્તિ પુસ્તકો કે અન્ય લર્નિંગ મટિરીયલ્સની આપ-લે તો કરે જ છે, પણ સાથોસાથ મોબાઈલ કે ટી.વી. ન ધરાવતા બાળકોને રૂબરૂ અભ્યાસિક માર્ગદર્શન આપી શિક્ષણયજ્ઞને સતત પ્રજવલિત રાખ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક દરજીએ જણાવ્યું હતું કે, કોરોના કટોકટીમાં ક્વોરન્ટાઈન, આઇસોલેશન, રેપિડ ટેસ્ટ, RT-PCR રિપોર્ટ, રેમડેસિવિર ઇન્જેક્શન, નેગેટિવ-પોઝિટિવ, લોકડાઉન, કર્ફ્યૂ જેવાં પારિભાષિક શબ્દોથી તદ્દન અજાણ એવાં નિર્દોષ બાળકોને શિક્ષણ પૂરૂં પાડવા તમામ શિક્ષકો લોકડાઉનથી આજપર્યંત સક્રિય છે. અને બાળકોને નિયમિત અભ્યાસ કરાવી રહ્યા છે. આટલું જ નહિ તેઓ સરકારી આદેશ અનુસારની દરેક કામગીરી પોતાના જોખમે માનભેર સ્વીકારી સુપેરે પાર પાડી રહ્યા છે, જે સરાહનીય અને સમાજે નોંધવા જેવી કામગીરી છે.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ તથા મહામંત્રી અરવિંદ ચૌધરી જણાવે છે કે, કોરોનાનો નવો વેરિયન્ટ હાલ માઝા મૂકી રહ્યો છે. ગત વર્ષે દેશભરમાં કોરોનાનો કહેર છવાયો અને એ સાથે જ માર્ચ-2020માં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉન ખુલ્યા બાદ થોડા સમયમાં શાળાઓ ચાલુ થઈને ફરી વખત બંધ થઈ ગઈ છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિ કેટલો સમય રહેશે તે નિશ્વિત નથી. ત્યારે બાળકોને ઘરઆંગણે શિક્ષણ સુલભ બને માટે જિલ્લાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp