સમારકામના અભાવે જર્જરિત થઈ ગયેલ શાળામાં જીવના જોખમે ભણી રહ્યા છે બાળકો

PC: youtube.com

એક તરફ રાજ્ય સરકાર બાળકોને શિક્ષણ આપવાની વાત કરે પણ બીજી તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના દાવાઓ કેટલાક ગામડાંઓની સરકારી શાળાઓની હાલત જોઈએ પોકળ સાબિત થાય છે. ગુજરાતના ઘણા ગામોમાં વર્ષો જૂની સરકારી શાળા સમયસર સમારકામના અભાવે વિદ્યાર્થીઓ માટે જોખમરૂમ સાબિત થઇ રહી છે. આ પ્રકારની વધુ એક શાળા બાબતે આજે વાત કરવી છે. આ જોખમી સરકારી શાળા આવેલી છે, જામનગરમના કાલાવડ તાલુકાના બાવાખાખરીયા ગામમાં.

આ સરકારી શાળાની હાલત વર્ષ 2012થી જર્જરિત થઇ ગઈ છે. શાળામાં અવાર નવાર સ્લેબ અને પોપડાઓ પડવાની ઘટનાઓ બને છે. દીવાલો પર ઘણી તિરાડો પડી ગઈ છે. આ સરકારી શાળામાં 1થી 8 ધોરણના 120 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. કેટલીકવાર તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે પણ સ્લેબના પોપડાઓ પડે છે. આ પ્રકારની ઘટનાઓને ધ્યાને લઇને શાળાના શિક્ષકોએ બાળકોને શાળાના મેદાનમાં અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.

આ બાબતે શાળાના શિક્ષકોનું કહેવું છે કે, શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને જર્જરિત શાળાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે અમે શાળાના મેદાનમાં બાળકોને બેસાડીને તેમને અભ્યાસ કરાવીએ છીએ. બાળકોના હિતને ધ્યાનમાં લઇને શાળાનું સમારકામ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.

શાળાની વિદ્યાર્થીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે જે સમયે અભ્યાસ કરતા હોઈએ તે સમયે શાળામાંથી ઉપરથી પોપડાઓ ખરે છે. જેના કારણે અમને શાળાની બહાર બેસાડીને ભણાવવામાં આવે છે. અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે, અમારી શાળાનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે.

ગામના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ શાળા વર્ષ 2012થી જર્જરિત હલતમાં છે. આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આ બાબતે કોઈપણ પ્રકારનો નિકાલ આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp