ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવાનો નિર્ણય ઉતાવળિયો, બાળકોની જવાબદારી કોણ લેશે?

PC: DainikBhaskar.com

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા 21 નવેમ્બરના રોજ સુરતમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ 22 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને કોરોના પોઝિટિવ કેસ ઓછા હોવાના કારણે શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે એટલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી કોલેજ સુધીના તમામ વર્ગો ઓફલાઈન ઓનલાઈન શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાએ જવુ ફરજિયાત નથી. તેઓ ઘરે બેસીને પણ ઓનલાઇન અભ્યાસ કરી શકે છે. તો રાજ્ય સરકારના ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાના નિર્ણયને શાળાના સંચાલક મંડળ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે પરંતુ, બીજી તરફ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

વિદ્યાર્થીઓને ઓફલાઈન શાળાએ બોલાવવા માટે વાલીઓની મંજૂરી લેવાની રહેશે. તો બીજી તરફ શાળાના સંચાલકો અને શિક્ષકોએ બાળકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તેનું ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ કેટલાક લોકો સરકારના આ નિર્ણયને ઉતાવળિયો નિર્ણય કહી રહ્યા છે કારણ કે, હજુ સુધી રાજ્યમાં કે દેશમાં બાળકોની કોરોના વેક્સીન આવી નથી અને તેવામાં નાના બાળકોનું શિક્ષણકાર્ય ઓફલાઇન શરૂ કરવું તે બાળકો માટે જોખમકારક સાબિત થાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ બાબતે શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શિક્ષણમંત્રી દ્વારા ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. લાંબા સમયથી વિદ્યાર્થીઓએ શાળા જોઈ નથી. અમે 6થી 12ની જેમ જ ધોરણ 1થી 5ના વર્ગો ચલાવીશું અને બાળકોની તમામ કાળજી રાખીશું.

તો બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું છે કે, સરકારે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેતા પહેલાં અગમચેતીના ભાગરૂપે તમામ તૈયારી કરવી જોઈએ. શાળામા ટેસ્ટિંગ અને સેનિટાઈઝિંગ વ્યવસ્થા કરવી જોઈએ અને કોરોના સામે લડવાની પૂરી તૈયારી હોય તો જ શાળાઓ ખોલવી જોઇએ.

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસો ફરીથી વધી રહ્યા છે. તેવામાં ડૉક્ટરો દ્વારા પણ ત્રીજી લહેરની આશંકાને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે. આવા જ સમયે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5નું શિક્ષણકાર્ય ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય કહેવાય? તો કેટલાક વાલીઓએ પણ તેમના બાળકોને શાળાએ મોકલવા માટે અસમર્થતા દર્શાવી રહ્યા છે. આ બાબતે સવાલ એ થઇ રહ્યા છે કે, બાળકોની વેક્સીન આવી નથી તેવામાં જો બાળકોને શાળામાં કોરોના સંક્રમણ થાય તો તેની જવાબદારી કોણ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp