હાઇકોર્ટનો સરકારને આદેશ, શાળા બાળકોનો પ્રવેશ રદ્દ ન કરે તે સરકાર સુનિશ્ચિત કરે

PC: dnaindia.com

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તેથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓને બંધ રાખવામાં આવી છે. તો બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્યની શાળાઓ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં બે મહિના જેટલો સમય રાજ્યના ધંધા ઉદ્યોગો બંધ રહ્યા હોવાથી લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેવામાં હવે કેટલીક ખાનાગી શાળાઓ વાલીઓની પાસેથી ફીની માંગણીઓ કરી રહી છે. શાળાઓ બંધ હોવાના કારણે તેમને મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું આવી રહ્યું છે, તો પણ વાલીઓની પાસેથી પૂરેપૂરી ફીની માંગણી કરવામાં આવે છે. ત્યારે વાલીઓઓએ હવે ખાનાગી શાળાઓ સામે ફી માફીને લઇને આંદોલન શરૂ કર્યું છે. વાલીઓ શિક્ષણ અધિકારીઓને આવેદન આપીને ખાનગી શાળાની ફી માફીની રજૂઆત કરી રહ્યા છે. તેવામાં હવે ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે વાલીઓને શાળાની ફી ભરવા માટે રાહત મળી છે.

ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, 30 જૂન સુધીમાં જો વાલીઓ શાળાની ફી ભરી ન શકે તો તેમની પાસેથી ફીની માંગણી કરી ન શકાય. આ ઉપરાંત કેટલાક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓને ફી ભરવા માટે દબાણ કરીને ફી ન ભરવા પર બાળકોનો પ્રવેશ રદ્દ કરવાનું કહેતા હતા ત્યારે આ બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ પણે આદેશ આપ્યો છે કે, જો વાલીઓ 30 જૂન સુધીમાં ફી ન ભરી શકે તો બાળકોનો પ્રવેશ રદ્દ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. હાઈકોર્ટના આદેશથી વાલીઓને શાળા દ્વારા કરવામાં આવતા ફીના દબાણમાંથી રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, શાળાની ફી મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના નેતાઓ ફી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ ફી માટે દબાણ કરતા શાળાના સંચાલકોના મોઢા કાળા કરવા જવા માટેનું કહ્યું છે. તેવામાં હવે હાઈકોર્ટના આદેશથી વાલીઓને શાળાની ફી ભરવા બાબતે રાહત મળી છે. અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, શાળાઓ ફી માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં. વાલીઓ સપ્ટેમ્બર મહિના સુધીમાં શાળાની ફી ભરી શકશે અને આ વર્ષે શાળાઓ દ્વારા ફીમાં વધારો કરવામાં આવશે નહીં. ત્યારે રાજ્યમાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે રાજ્ય સરકાર પણ ડીડી ગીરનાર ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ કરાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp