આ ગામના સરપંચે કોરોનામાં બાળકોને ભણાવવા કર્યું એવું કામ કે, વાલીઓ થઈ ગયા ખૂશ

PC: youtube.com

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે બાળકો શાળાએ જઈ શકતા નથી. તો શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી સુધી શાળાઓ નહીં ખોલવામાં આવે તેવો એક નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકાર અને ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલાક વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે.

કારણ કે, જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન નથી તેઓ અભ્યાસથી વંચિત રહે છે અને જે વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન હોય પરંતુ ગામમાં નેટવર્ક ન આવતું હોય તો પણ વિદ્યાર્થીને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે કે, જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા શેરીએ-શેરીએ સ્પીકર મૂકવામાં આવ્યા હતા અને આ સ્પીકર દ્વારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર પાલનપુરમાં આવેલા પારપડા ગામમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં ખુબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાના કારણે તેમના વાલીઓ વિદ્યાર્થીઓને એન્ડ્રોઇડ મોબાઈલ અપાવી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા. જેના કારણે પારપડા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

પારપડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામમાં અલગ-અલગ જગ્યાઓ અને શેરીઓમાં સ્પીકર લગાવવામાં આવ્યા હતા અને આ સ્પીકરનું કંટ્રોલ પંચાયત ઓફીસમાંથી કરવામાં આવતું હતું. પંચાયત ઓફિસમાં જઇને શિક્ષક માઇક દ્વારા જે વિષયનો અભ્યાસ કરાવતા હતા તે વિષયનો અભ્યાસ વિદ્યાર્થીઓ સ્પીકરના માધ્યમથી કરતા હતા. જ્યારે ભણવાનો સમય થાય ત્યારે વિદ્યાર્થીઓ સ્પીકરની પાસે આવીને બેસી જાય છે અને શિક્ષક જે રીતે જે પ્રમાણે ભણાવે તેમ બાળકો પુસ્તકમાંથી તે રીતે અભ્યાસ કરે છે.

ગામના સરપંચના અલગ-અલગ શેરીઓમાં લાઉડ સ્પીકર લગાવીને માઇક દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના અભિગમને ગામ લોકોએ પણ આવકાર્યો છે અને વિદ્યાર્થીઓ પણ પૂરી નિષ્ઠાથી અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે, ગામમાં નેટવર્ક ન આવતું હોવાના કારણે બાળકો ગામમાં આવેલી પાણીની ટાંકી પર ચઢીને અભ્યાસ કરવા મજબૂર બને છે. તો કેટલાક ગામમાં વિદ્યાર્થીઓને નેટવર્કના અભાવે ઓનલાઇન અભ્યાસ મળતો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp