કોરોનાથી તો વિદ્યાર્થીઓ બચી જશે પણ આ શાળામાં છતથી વિદ્યાર્થીઓ કેવી રીતે બચશે

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે 10 મહિના જેટલો સમય શાળા-કોલેજો બંધ હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. રાજ્યમાં દિવાળી પછી શાળા કોલેજો શરૂ કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણ દિવાળી પછી વધ્યું હોવાના કારણે સરકારના નિર્ણયને મૂકૂફ કરવામાં આવ્યો હતો અને હવે 11 જાન્યુઆરીથી રાજ્યની શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી છે. શાળા-કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સામાજિક અંતરનું પાલન કરાવીને બેસાડવામાં આવે છે. અભ્યાસ કરતા સમયે પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. ત્યારે 10 મહિના પછી જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે રાજ્યના કેટલાક ગામડાઓમાં વિદ્યાર્થીઓ ફરીથી જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. આજે આવી જ એક શાળાની વાત કરવી છે કે, જે શાળામાં વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળામાં ભણતા સમયે કોરોનાથી નથી ડરી રહ્યા પરંતુ શાળાની છત ક્યારે પડશે તે બાબતે તેઓ ડરી રહ્યા છે. આ શાળા આવેલી છે સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં.

સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં આવેલી જલારામજી વિદ્યાલયમાં કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ શાળા હાલમાં એટલી જર્જરિત થઇ ગઈ છે કે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે પણ છત પરથી મોટા-મોટા પોપડા નીચે પડે છે. અગાઉ પણ શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન પોપળા પડયા હોવાના કિસ્સાઓ બન્યા છે. પણ કોઈ વ્યક્તિને સદનશીબે ઈજા થવા પામી નથી. કેટલાક જર્જરિત વર્ગખંડોને શાળાના આચાર્ય દ્વારા તાળાં લગાવી દેવામાં આવ્યા છે.

હાલ કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય શરૂ થતા શાળામાં વિદ્યાર્થીઓને બેસાડવા માટે સારા વર્ગખંડની જરૂર છે. આ શાળામાં કુલ 10 વર્ગખંડ, એક લાયબ્રેરી અને કોમ્પ્યુટર રૂમમાં આવેલો છે. તમામ રૂમમાંથી માત્ર એક જ રૂમ બેસવા લાયક રહ્યો છે. વર્ષોથી શાળાની બિલ્ડીંગનું સમારકામ ન થતા શાળાનું બિલ્ડીંગ હાલ પડું-પડું થઈ રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

મહત્ત્વની વાત છે, શાળાનું સમારકામ કરવા બાબતે શાળાના આચાર્ય દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માત્ર રીપેરીંગનું આશ્વાસન જ મળી રહ્યું છે. 10 વર્ગખંડ ધરાવતી શાળામાં હાલ માત્ર એક જ વર્ગખંડ બેસવા લાયક રહ્યો છે. જેથી કોરોનાની મહામારી વચ્ચે બે ધોરણના વિદ્યાર્થીઓ અલગ-અલગ પાળીમાં એક વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા વધારે ધોરણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલના મેદાનમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવી શકે છે. ત્યારે હવે ગામના લોકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, સરપંચ અને વાલીઓ પણ સરકાર દ્વારા નવી સ્કૂલનું નિર્માણ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp