વીરપુરમાં વિદ્યાર્થી પાસે અધિકારીએ ચાના કપ સાફ કરાવ્યા, રજા છતા બોલાવ્યા સ્કૂલે

PC: google.com

રાજ્યમાં કોરોના વાયરસની દહેશતના પહેલા રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય બંધ રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યા છે. પરંતુ, કેટલીક શાળાઓએ આ આદેશની ઐસી કી તૈસી કરી નાંખી છે. રજા જાહેર થઈ હોવા છતા રાજ્યની કેટલીક ખાનગી શાળાઓએ શિક્ષણ ચાલું રાખ્યું હતું. તો સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં ટ્યુશન ક્લાસ પણ યથાવત રહ્યા હતા. પછીથી અધિકારીઓના કાને વાત પડતા તાત્કાલિક ધોરણે બધુ બંધ કરાવાયું હતું. સૌરાષ્ટ્રના વીરપુરમાં આવેલા જલારામ વિદ્યાલયમાં વિદ્યાર્થી પાસે ચાના કપ-રકાબી અધિકારીઓએ સાફ કરાવ્યાનો મામલો સામે આવ્યો છે.

જે ઘટનાને લઈને શિક્ષણ જગતમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનું જ નથી ત્યાં જલારામ વિદ્યાલયમાં અધિકારીઓની સરભરા માટે ઘરેથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જલારામ વિદ્યાલય મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર છે. આ ઘટના સામે આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તથા સ્ટાફ, સ્ક્વોડ ટીમ, પરીક્ષા વિભાગ સચીવ તથા પોલીસ કાફલો જલારામ વિદ્યાલય ખાતે દોડી ગયો હતો. સ્કૂલમાં પટ્ટાવાળાઓને ચા-પાણીના તથા અન્ય કામ માટે રાખવાના હોય છે. તેના બદલે વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવાતા જિલ્લા શિક્ષણ કેન્દ્ર કચેરી સુધી આ ઘટનાના પડધા પડ્યા છે. જેમાં ધો.9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે પીધેલા ચાના કપ સાફ કરાવવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓ અધિકારીઓને કપમાં ચા પીરસી રહી છે.

જોકે, આવી ઘટનાની સામે આવેલી તસવીરમાં સ્પષ્ટ થાય છે કે, વિદ્યાર્થી એક અધિકારીને પાણી આપી રહ્યો છે. શિક્ષણ વિભાગમાં આ બનાવને લઈને એ પણ પ્રશ્ન ચર્ચાય છે કે, રજા હોવા છતા વિદ્યાર્થીઓને શાળાએ કોણે બોલાવ્યા? પટ્ટાવાળાનું કામ વિદ્યાર્થીઓ પાસે કોણે કરાવ્યું? બુધવારે રાજકોટ-વીરપુર અને રાજકોટ-ગોંડલ હાઈવે પરથી બોર્ડના વિદ્યાર્થીઓની લખેતી ઉત્તરવહી મળી આવતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં પાંચ લોકો દોષિત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જે વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થઈ છે તેને સરેરાશ માર્ક અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp