આપણી માતૃ ભાષામાં વાત કરવાનું આપણને ગૌરવ હોવું જોઇએ: ઉપ રાષ્ટ્રપતિ

PC: twitter.com

ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આઠ રાજ્યોમાં આવેલી 14 એન્જિનયિરિંગ કોલેજો દ્વારા પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમો શરૂ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી અને ખાસ કરીને ટેક્નિકલ અને વ્યાવસાયિક અભ્યાસ કરાવતી સંસ્થાઓ સહિત વધુને વધુ શૈક્ષણિક સંસ્થાઓ પ્રાદેશિક ભાષામાં શીખવવાના આ અભિગમને અનુસરે તેવો અનુરોધ કર્યો હતો.

તેમણે ખાતરી આપી હતી કે, પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમો શીખવવાથી વિદ્યાર્થીઓ માટે તે વરદાનરૂપ સાબિત થશે. પોતાની તીવ્ર ઇચ્છા અભિવ્યક્ત કરતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, ‘એવો દિવસ જોવાની મારી પ્રબળ ઇચ્છા છે જ્યારે એન્જિનયિરિંગ, મેડિકલ અને કાયદા જેવા તમામ રોજગારલક્ષી અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃ ભાષામાં શીખવવામાં આવતા હોય.’

ફેસબુક પર 'માતૃ ભાષામાં એન્જિનિયરિંગના અભ્યાસક્રમો - એક ડગલું સાચી દિશામાં' શીર્ષક સાથે 11 ભાષામાં મુકવામાં આવેલી પોસ્ટમાં ઉપ રાષ્ટ્રપતિએ 11 પ્રાદેશિક (મૂળ) ભાષાઓ એટલે કે હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી, મલયાલમ, બંગાળી, આસામી, પંજાબી અને ઓડિયામાં બી. ટેકના અભ્યાસક્રમો શીખવવા માટે અખિલ ભારતીય ટેક્નિકલ અભ્યાસ પરિષદ (AICTE) દ્વારા આપવામાં આવેલી મંજૂરી અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આઠ રાજ્યોમાં 14 કોલેજો દ્વારા પસંદગીની શાખાઓમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમો શીખવવા માટે લેવાયેલા નિર્ણયને પણ આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું દૃઢપણે માનુ છુ કે, આ એક સાચી દિશામાં ભરેલું ડગલું છે.’

માતૃ ભાષામાં શીખવાના લાભોનો સંદર્ભ લઇને ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેનાથી કોઇપણ વ્યક્તિની ગ્રહણશક્તિ અને સમજશક્તિનું સ્તર વધે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અન્ય કોઇ ભાષામાં વિષયને સમજવા માટે કોઇપણ વ્યક્તિએ સૌથી પહેલા તે ભાષા શીખવી પડે છે અને તેમાં નિપુણ થવું પડે છે. આમાં ખૂબ જ પ્રયાસો લાગે છે. જોકે, કોઇપણ વ્યક્તિની માતૃ ભાષાના કિસ્સામાં આવું થતું નથી.’

આપણી ભાષાના સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડતા ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત સેંકડો ભાષાઓ અને હજારો બોલીઓનું ગૃહ સ્થાન છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણી ભાષાકીય વિવિધતા આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના એક આધારસ્તંભ સમાન છે.’ માતૃ ભાષાના મહત્વ પર વિશેષ ભાર મુકતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, ‘આપણી માતૃ ભાષા અથવા આપણી મૂળ બોલી આપણા માટે ખૂબ જ વિશેષ હોય છે, કારણ કે આપણે તેમની સાથે અતૂટ સંબંધથી જોડાયેલા હોઇએ છીએ.’

દુનિયામાં દર બે અઠવાડિયામાં એક ભાષા લુપ્ત થઇ રહી છે તેવા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલને ટાંકતા વેંકૈયા નાયડુએ ભારતમાં વિલુપ્ત થવાના આરે રહેલી 196 ભારતીય ભાષાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણી મૂળ ભાષાઓનું સંરક્ષણ કરવા માટે અને માતૃ ભાષામાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે બહુગુણિત અભિગમ અપનાવવાની જરૂર છે.’ વેંકૈયા નાયડુએ લોકોને આહ્વાન કર્યું હતું કે, સૌએ પોતાનાથી શક્ય હોય એટલી વધારે ભાષા શીખવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, અલગ અલગ ભાષાઓમાં નિપુણતા વર્તમાન સમયના આંતરિક રીતે જોડાયેલા વિશ્વમાં એક ધાર પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, ‘આપણે શીખએ તે દરેક ભાષા સાથે, આપણે અન્ય સંસ્કૃતિ સાથે આપણા જોડાણને વધુ ઘનિષ્ઠ બનાવીએ છીએ.’

ભાષાઓના સંરક્ષણ માટે સરકારે લીધેલા પગલાંની પ્રશંસા કરતા ઉપ રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં માતૃ ભાષામાં/ સ્થાનિક ભાષામાં/ પ્રાદેશિક ભાષામાં/ ગૃહ ભાષામાં ઓછામાં ઓછા 5મા ધોરણ સુધી શિક્ષણ આપવા માટે પ્રોત્સાહન આપે છે અને જો 8મા ધોરણ તેમજ તેનાથી આગળ પણ આવી રીતે શિક્ષણ આપવામાં આવે તો ખૂબ જ સારું. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયામાં હાથ ધરવામાં આવેલા સંખ્યાબંધ અભ્યાસોમાં તારણ આવ્યું છે કે, શિક્ષણના પ્રારંભિક તબક્કામાં જો માતૃ ભાષામાં શિક્ષણ મેળવવામાં આવે તો બાળકમાં આત્મ-સન્માનની ભાવના વધે છે અને તેનાથી તેમની સર્જનાત્મકતા પણ ખીલી ઉઠે છે.

ઉપ રાષ્ટ્રપતિએ લુપ્ત થઇ રહેલી અથવા નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની શક્યતા હોય તેવી ભાષાઓના દસ્તાવેજીકરણ અને જાળવણી માટે શિક્ષણ મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવેલી લુપ્ત થઇ રહેલી ભાષાઓના સંરક્ષણ અને જાળવણીની યોજના (SPPEL)ની પ્રશંસા કરી હતી. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે ફક્ત સરકાર એકલી કંશુ જ નહીં કરી શકે. તેમણે કહ્યું હતું કે, ‘આપણી સુંદર ભાષાઓના સંરક્ષણ માટે લોકોની ભાગીદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી આપણી ભવિષ્યની પેઢીઓની કનેક્ટિવિટીના તાતણાને વધુ મજબૂત બનાવી શકાય.’ લોકોને તેમની માતૃ ભાષામાં સંવાદ કરવામાં થતા ખચકાટ અંગે નોંધ લેતા વેંકૈયા નાયડુએ લોકોને અનુરોધ કર્યો હતો કે, લોકોએ ફક્ત તેમના ઘરમાં જ નહીં પરંતુ શક્ય હોય ત્યાં બધે જ માતૃ ભાષા બોલવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, ‘ભાષાઓ ફક્ત ત્યારે જ ખીલી શકે અને ટકી શકે છે જ્યારે તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp