શું મહામંડલેશ્વર બનવા 10 કરોડ ચૂકવ્યા? જાણો મમતા કુલકર્ણીએ પોતે શું કર્યો ખુલાસો

એક સમયે શોબિઝમાં પોતાની સ્ટાઇલથી બધાને ક્લીન બોલ્ડ કરનારી મમતા કુલકર્ણીએ હવે સંન્યાસ લઇ લીધો છે. તે વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગ અને લાઈમલાઈટથી દૂર રહી. પછી જ્યારે તે 24 વર્ષ પછી ભારત પરત ફરી, ત્યારે તેને મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવી. પરંતુ જ્યારે તે મહામંડલેશ્વર બની, ત્યારે લોકો ખુશ ઓછા અને નિરાશ વધુ થયા. ઘણા સંતો અને ઋષિઓએ પણ મમતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો.
જોકે, ત્યાર પછી કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે તેમને આ પદ પરથી બરતરફ કરી દીધી. મમતા પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવવાનો આરોપ હતો. આમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે મમતાએ પોતાનું મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે, આ ખોટો આરોપ છે. તેની પાસે એટલા પૈસા નથી. 10 કરોડની વાત તો ભૂલી જાઓ, તેની પાસે 1 કરોડ રૂપિયા પણ નથી.
મમતાએ TVના એક શૉમાં કહ્યું, મારી પાસે 1 કરોડ પણ નથી, 10 કરોડ તો વાત તો દૂરની છે. સરકારે મારા બેંક ખાતા સીલ કરી દીધા છે. તમને ખબર નથી કે, હું કેવી રીતે જીવી રહી છું. મારી પાસે પૈસા નથી. મારા આંસુ આમ જ બહાર નથી નીકળતા. મેં ઘણું બલિદાન આપ્યું છે. ગુરુજીને દક્ષિણા આપવાની હોવાથી મેં કોઈ પાસેથી 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. મમતાએ જણાવ્યું કે, તેના ત્રણ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે અને તેમાં ઉધઈનો ઉપદ્રવ થઇ ગયો છે. કારણ કે તે છેલ્લા 23 વર્ષથી બંધ હાલતમાં હતા.
ભારત પાછા ફરતા તેણે કહ્યું, હું 23 વર્ષથી ભારત આવી ન હતી. મેં નક્કી કર્યું હતું કે, જેણે મારા પર આરોપ મુક્યો છે તે વ્યક્તિ સામેનો કોર્ટ કેસ પહેલા પૂરો થવો જોઈએ. ત્યારે જ હું ભારતમાં પગ મૂકીશ. મમતા કુલકર્ણીનું નામ પબ્લિસિટી માટે આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું. મેં 23 વર્ષ સુધી તપસ્યા કરી છે. મેં 3 મહિનાથી ખાવાનું છોડી દીધું હતું. હઠયોગનું પાલન કરીને, મેં આદિશક્તિને મારી સમક્ષ હાજર થવા માટે મજબૂર કરી. મેં આદિશક્તિને કહ્યું કે, તું જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી હું ખાવાનું નહીં ખાઉં. હું 5 દિવસ સુધી પાણી વગર રહી. 15મા દિવસે ભગવતીના દર્શન થયા.
મમતા બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી છે. તેમણે 1992માં ફિલ્મ તિરંગાથી ડેબ્યૂ કર્યું હતું. તેમની સફળ ફિલ્મોમાં 'વક્ત હમારા હૈ', 'ક્રાંતિવીર', 'કરણ અર્જુન', 'સબસે બડા ખિલાડી', 'બાઝી'નો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2000માં આ ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp