દિપેશે કહ્યુ- મારો પગ કપાઈ ગયો હતો, સોનૂએ કહ્યુ- ચાલો તમારો નવો પગ લગાવીએ

PC: youtube.com

કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના સમયમાં રીયલ હીરો બનેલા સોનુ સુદે અનેક શ્રમિકોને ઘરે પહોંચાડવામાં મદદ કરી છે. એટલું જ નહીં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ પણ કરી છે અને કેટલાક લોકોની સારવાર પણ કરાવી આપી છે. હવે તેઓ મધ્ય પ્રદેશના એક યુવકની મદદે આવ્યા છે. આ યુવકે જણાવ્યું હતું કે, મારો એક પગ કપાઈ ગયો હતો. તો હવે શું હું ચાલી શકીશ અને તમે મારી મદદ કરશો. આ મેસેજ મળતા જ સોનુંએ યુદ્ધના ધોરણે પગલાં ભર્યા હતા.

સોનુંએ આ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મારી સવાર તમારા નવા પગથી શરૂ થશે. ચાલો ભાઈ તમારા નવા પગ લગાવીએ. આ મેસેજ મળતા જ મધ્ય પ્રદેશના દેવાસમાં રહેતો દીપેશ ગોસ્વામી ખુશ થઈ ગયો અને આંખમાં ફરી જીવવાનું સપનું ઊભું થયું હતું. એવું લાગ્યું કે, એમના જીવનમાં પગ નહીં પણ પાંખ લાગી ગઈ છે. હાલ આ યુવકને નવો પગ મળ્યો છે. જેના પર તે ઊભો રહી શકે છે. દેવાસના વિજય નગરમાં રહેતા દીપેશ ગોસ્વામીનું તા.22 ફેબ્રુઆરીના રોજ એક્સિડન્ટ થયું હતું. જેમાં જમણો પગ કાપવો પડ્યો હતો. તેમણે પોતાની સારવાર તો અનેક રીતે કરાવી પણ આર્થિક રીતે એટલો સદ્ધર ન હતો કે, નવો પગ લગાવી શકે. દીપેશ એક કન્સલ્ટન્સી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે એના પિતા એક કારખાનામાં શ્રમિક છે. અકસ્માતને કારણે તેમણે નોકરી છોડવી પડી અને બેરોજગાર બની ગયો હતો. પોતાના એક્સિડન્ટ બાદ તેમણે સોનું સુદ પાસે મદદ માંગી હતી.

તા. 21 ઓગસ્ટના રોજ તેમણે સોનું સુદને એક ટ્વિટ પણ કર્યું હતું. ટ્વિટમાં મદદ કરવા માટે પણ માંગ કરી હતી. જેના થોડા સમય બાદ સોનુએ રીટ્વિટ કરીને દીપેશની મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. સોનુએ આ ટ્વિટમાં લખ્યું હતું કે, મારી સવારની શરૂઆત આપના નવા પગથી થશે. ચાલો તમારો નવો પગ લગાવીએ. આ મેસેજ બાદ સોનુ સુદની ઓફિસમાંથી દીપેશનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભોપાલમાં આર્ટિફિશ્યલ પગ બનાવતી એક હોસ્પિટલને જ સીધી રકમ જમા કરાવી દીધી. છતાં પણ કેટલીક રકમની જરૂર પડી ત્યારે આશુતોષ પપ્પુ તરફથી દીપેશને આર્થિક મદદ કરવામાં આવી હતી.

કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના સમયમાં જ્યારે અનેક શ્રમિકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા હતા અને ઘરે જવા માટે પૂરતા પૈસા પણ ન હતા. ત્યારે અમુક વર્ગ ચાલીને ઘરે જવા માટે નીકળી પડ્યો હતો. આવી સ્થિતિમાં સોનુ સુદ આ શ્રમિકોની મદદે આવ્યા હતા. આ લોકો માટે બસ, ટ્રેન અને વિમાન સહિતની વ્યવસ્થા કરાવી હતી. એટલું જ નહીં લોકોને પીવાના પાણીથી લઈને જમવાના સુધી વ્યવસ્થા કરાવી હતી. આમ ફિલ્મી પદડાના વિલન રીયલ લાઈફમાં હીરો સાબિત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp