એક્ટર ઇન્દ્ર કુમારનું થયું નિધન, ફાંસીના ફંદા પર લટકેલું મળ્યું શવ, ઉંમર હતી 25

PC: indiatoday.in

મનોરંજન જગતમાંથી સતત માઠા સમાચારો સામે આવી રહ્યા છે. બૉલિવુડ એક્ટર સંદીપ નાહરની આત્મહત્યાની ઘટના હજુ શાંત થઈ નથી કે વધુ એક એક્ટરના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. તામિલ ટેલિવિઝનના જાણીતા એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન થઈ ગયું છે. શુક્રવારે તેનું શવ તેના મિત્રના ઘરમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળ્યું હતું. ઇન્દ્ર કુમાર 25 વર્ષનો હતો. તે તામિલ ટેલિવિઝનના દિગ્ગજ એક્ટરોમાંથી એક હતો. એક રિપોર્ટ અનુસાર, ઇન્દ્ર કુમાર ગુરુવારે રાતે ફિલ્મ જોઈને પેરમ્બલૂર સ્થિત પોતાના મિત્રના ઘરે ગયો હતો.

અહીં ઇન્દ્ર કુમારે આત્મહત્યા કરી લીધી હતી. અચાનક થયેલી મોતે સાઉથ સિનેમાની ઇન્ડસ્ટ્રી અને દિવંગત એક્ટરના મિત્રોને હચમચાવી નાખ્યા છે. ઇન્દ્ર કુમારના મોત બાદ ઘણા ફિલ્મી સ્ટારોએ તેને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. તે પોતાના પરિવાર સાથે ચેન્નાઈમાં રહેતો હતો. એક રિપોર્ટ અનુસાર ઇન્દ્ર કુમાર ફિલ્મોમાં ઘણા સમયથી કામ શોધી રહ્યો હતો. તેને સારું કામ મળી રહ્યું નહોતું અને તેના પોતાની પત્ની સાથે પણ સારા સંબંધ નહોતા, જેના કારણે તે ઘણો પરેશાન રહેતો હતો. આ કારણે તેણે આત્મહત્યા જેવુ પગલું ભરી લીધું.

ઇન્દ્ર કુમારનું શવ તેના મિત્રના ઘરે સીલિંગ ફેન સાથે લટકેલી હલતમાં મળ્યું હતું. ત્યારબાદ મિત્રએ આ બાબતે પોલીસને જાણકારી આપી હતી. હાલમાં પોલીસે ઇન્દ્ર કુમારના મોતની બાબતે કેસ દાખલ કરી લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ઇન્દ્ર કુમાર પહેલા હાલમાં જ બોલિવુડ એક્ટર સંદીપ નાહરે પણ આત્મહત્યા કરી લીધી હતી. સંદીપ નાહરે પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાની પરણિત જિંદગીમાં ચાલી રહેલી પરેશાનીનો ઉલ્લેખ કર્યો હતો.

એવામાં હવે મુંબઈ પોલીસે સંદીપ નહારની પત્ની અને તેની સાસુ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. અંગ્રેજી વેબસાઇટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ગોરેગાંવ પોલીસે સંદીપ નહારની પત્ની કંચન શર્મા અને તેની માતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાની બાબતે કેસ દાખલ કર્યો છે. એ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે સાઇબર સેલના અધિકારીએ એક્ટરની આત્મહત્યાનો વીડિયો જોયા બાદ તેને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યાં સુધી તેઓ કાર્યવાહી કરે ત્યાં સુધીમાં એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી.

સંદીપે આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો અને સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી હતી, જેમાં તેણે પરેશાનીઓના કારણે પોતાનો જીવ લેવાની વાત કહી હતી. સંદીપ નાહરનું નિધન મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં સ્થિત તેના આવાસ પર આત્મહત્યાના કારણે થયું હતું. જ્યારે તેની પત્ની અને મિત્રોને આ બાબતે ખબર પડી તો તે સંદીપને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp