વિશ્વના 90%થી વધુ લોકોને હવા પણ ચોખ્ખી મળતી નથી!

PC: cloudfront.net

જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર રહે છે. હવે પાણીનો વેપલો શરૂ થઇ ગયો છે, ત્યારે હવા જ મફતમાં મળે છે. પરંતુ હવા પણ ચોખ્ખી મળતી નથી, ત્યારે કેમ જીવવું એ પ્રશ્ન થઇ ન પડે.

વિશ્વ આરોગ્ય સંગઠન હુએ હેવાલ આપ્યો છે કે વિશ્વના 90%થી વધુ લોકોને ચોખ્ખી હવા પણ મળતી નથી ! હુએ તેના હેવાલના તારણમાં કહ્યું છે કે આજે દસમાંથી નવ જણા સૌથી ખરાબ હવા શ્વાસમાં લે છે. એ તો ઠીક દર વર્ષે પ્રદુષણ વિશ્વમાં 60 લાખ લોકોના મોતનું કારણ બને છે. આપણે માનીએ છીએ કે શહેરોમાં વાહનો અને ઉદ્યોગોને કારણે હવા વધુ પ્રદુષિત બની છે. ગામડામાં હવા સારી હોવાનું આપણે માનતા રહ્યા છીએ. પરંતુ આ હેવાલ આપણી એ માન્યતાને ખોટી ઠેરવે છે. આ હેવાલમાં જણાવ્યા પ્રમાણે તો કેટલાય ગામડાની હવા તો આપણે માનીએ એના કરતાં વધુ ખરાબ છે. હુએ તેનો હેવાલ કાંઇ ટેબલ પર બેઠા બેઠાં તૈયાર કરી નાંખ્યો નથી.

વિશ્વભરના 3000 જેટલા સ્થળોની હવા તપાસીને, ચકાસીને આ હેવાલ તૈયાર કરાયો છે. ગરીબ દેશોમાં હજુ વિકાસના પગરણ ખાસ થયા નથી, તેથી ત્યાં ધૂળની રજકણો તથા રસોઇ બનાવવા માટે સળગાવાતા ચૂલાને કારણે પેદા થતો ધૂમાડો હવાને ગંદી કરતા રહે છે, એ સ્થિતિમાં કેટલાય ગરીબ દેશોની હવા વિકસીત દેશોની હવા કરતાં ગંદી હોવાનું પણ પુરવાર થયું છે. વિશ્વની 92% વસ્તી એવા સ્થળે રહે છે, જ્યાં હવાની ગુણવત્તા વિશ્વ આરોગ્ય સંસ્થાના માનાંક કરતાં ખરાબ હોય છે !

હવાના પ્રદુષણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોકસાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે, એ પ્રદુષણ ઉપરાંત હવામાં રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે, એ ચિંતાજનક છે. ખાસ કરીને 2.5 માઇક્રોમીટર કરતાં ઓછા વ્યાસવાળા રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે. આ રજકણો શ્વાસ વાટે ફેફસામાં જાય છે અને અઠે દ્વારકા કરીને ત્યાં જ જમાવડો કરી દે છે. આ રજકણો ફેફસાની સ્થિતિસ્થાપકતા ઘટાડે છે, તેને કારણે શ્વસન તંત્રના રોગો પણ વધી રહ્યા છે. આ રજકણો ફકત ધૂળના જ છે, એમ માનશો નહીં. સલ્ફેટ અને કાળા કાર્બનના કણોનું પણ હવામાં પ્રમાણ વધી રહ્યું છે, જે પણ શ્વાસમાં ફેફસામાં પહોંચી જાય છે. ફેફસામાં જમા થતાં આ રજકણો - પ્રદુષણને કારણે પણ શ્વસન તંત્ર તેમજ કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યાનું વિજ્ઞાનીઓ વર્ષોથી કહી રહ્યા છે. એક ક્યુબિક મીટર હવામાં 2.5 માઇક્રોમીટર કરતાં ઓછા વ્યાસવાળા કણોનું પ્રમાણ 10 માઇક્રોગ્રામથી વધુ હોય એ હવા ઉતરતી કક્સાની ગણાય છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp