શું તમને ખબર છે લિપસ્ટીક લગાવવાની સાચી પદ્ધતિ

PC: superdrug.com

આપણે સેલિબ્રિટીઝને એકદમ પરફેક્ટ લૂકમાં જોતા હોઈએ છીએ. જેમા તેમની લિપસ્ટીક પણ એકદમ હોઠને અણીદાર બનાવીને લગાવેલી હોય છે. ઘરમાં ઘણા પ્રયાસો કર્યા છતાં પણ સ્ટાર્સ જેવી લિપસ્ટીક આપણી કેમ નથી લાગતી તેવા પ્રશ્નો તમને મનમાં થતા હશે. તો જાણી લો આજે લિપસ્ટિક લગાવવાની સાચી રીત.

લિપસ્ટિક મોટા ભાગની મહિલાઓનું ફેવરિટ સૌંદર્ય-પ્રસાધન હોય છે. ઘણી મહિલાઓ એવી પણ હોય છે જેમના ડ્રેસિંગ-ટેબલમાં અસંખ્ય લિપસ્ટિક સ્થાન શોભાવતી હોય છે. એમ છતાં તેઓ એના યોગ્ય ઉપયોગ તથા લગાડવાની સાચી રીતથી અભાન હોય છે. તેથી જો તમે લિપસ્ટિક દ્વારા તમારી ખૂબસૂરતીને દીપાવી દેવા માગતાં હો તો આ કળા પણ જાણી લેવી આવશ્યક છે.

લિપસ્ટીક લગાવવાની આ ટિપ્સ ખાસ યાદ રાખો:

  • સૌથી પહેલાં તો લિપસ્ટિક લગાડેલી ત્યારે જ સારી લાગે જ્યારે હોઠ નરમ અને મુલાયમ હોય. ફાટી ગયેલા કે ખરબચડા હોઠ પર મોંઘામાં મોંઘી, સારામાં સારા કલરની લિપસ્ટિક પણ બદસૂરત લાગી શકે છે. આ માટે ત્વચાની જેમ હોઠને પણ નિયમિત ધોરણે એક્સફોલિએટ કરતા રહેવું જોઈએ. આ કામ માટે હોઠ પર મધમાં નાખેલી થોડી સાકર ઘસી શકાય, હળવા હાથે ટૂથબ્રશ ઘસી શકાય કે પછી હોઠ પર થોડો લિપ-બામ લગાડ્યા બાદ ધોઈને સાફ કરેલા જૂના મસ્કરા બ્રશનો પણ ઉપયોગ કરી શકાય. આ સાથે રાતના સૂતાં પહેલાં હોઠ પર થોડો લિપ-બામ કે ઘી લગાડવામાં આવે તો હોઠ કાયમી ધોરણે નરમ અને મુલાયમ રહી શકે છે.

  • લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠને યોગ્ય આકાર આપવો પણ એટલો જ જરૂરી છે. આ માટે હોઠ પર તમારી ત્વચાના રંગને અનુરૂપ કન્સીલર લગાડો. ત્યાર બાદ જો તમારા હોઠ બહુ પાતળા હોય તો તમારી નૅચરલ લિપ-લાઇનની બહારની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો અને જો તમારા હોઠ બહુ જાડા હોય તો તમારી નૅચરલ લિપ-લાઇનની અંદરની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો. છેલ્લે લિપસ્ટિક-બ્રશથી અંદર કલર ભરો. કેટલાકના ઉપર-નીચેના હોઠના આકારમાં પણ ફરક હોય છે. આ ટેãક્નકથી તમે બન્ને હોઠને સમાન આકાર પણ આપી શકો છો.

  • અલબત્ત, લિપસ્ટિક-બ્રશથી લગાડેલી લિપસ્ટિક દેખાવમાં ખૂબ ધારદાર અને ઊડીને આંખે વળગે એવી હોય છે. જો તમારી ઇચ્છા હોઠ પરના રંગને એટલો શાર્પ બનાવવાની ન હોય તો લિપસ્ટિક-બ્રશના સ્થાને આઇશૅડો-બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આઇશૅડો- બ્રશ લિપસ્ટિક-બ્રશની સરખામણીમાં વધુ જાડું હોવાથી એ વધુ ઝડપથી લિપસ્ટિક ફેલાવી દે છે, જે લિપસ્ટિકના પ્રમાણ અને રંગને આછો બનાવી દે છે. આ માટે પહેલાં હોઠના મધ્ય ભાગમાં થોડો કલર લગાડી આઇશૅડો-બ્રશથી એને આખા હોઠ પર ફેલાવી દેવાથી એ લિપસ્ટિક નહીં પણ લિપ-ટિન્ટ લગાડ્યું હોવાનો આભાસ ઊભો કરે છે.
  • આટલું કર્યા બાદ પાતળું ટિશ્યુ પેપર લઈ એને હળવા હાથે હોઠ પર દબાવી દેવાથી લિપસ્ટિકમાં રહેલું વધારાનું તેલ ટિશ્યુ પેપર પર નીકળી જાય છે અને આપણને નૅચરલ લુક મળી શકે છે. જો તમને એવું લાગતું હોય કે આમ કરવાથી લિપસ્ટિકની ગ્લૉસી ઇફેક્ટ જતી રહે છે તો તમે બ્રશમાં બાકી બચી ગયેલી લિપસ્ટિકને ફરી પાછી હોઠ પર લગાડી ખોવાયેલી શાઇન પરત મેળવી શકો છો.
  • તમારી ઇચ્છા લિપસ્ટિકને વધુ લૉન્ગ-લાસ્ટિંગ બનાવવાની હોય તો લિપસ્ટિક લગાડ્યા બાદ પાતળું ટિશ્યુ પેપર તમારા હોઠ પર રાખો અને બહારની બાજુએથી એના પર થોડો ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર-બ્રશ વડે લગાડો. એમ કરવાથી આછો ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર હોઠ પર લાગી જશે, જે રંગને લૉક કરી દેવાનું કામ કરશે.

આ ટિપ્સ પણ તમને જરૂર કામમાં આવશે:

લિપસ્ટિકને વધુ લૉન્ગ-લાસ્ટિંગ બનાવવાની વધુ એક ટેãક્નક એ પણ છે કે લિપસ્ટિક લગાડતાં પહેલાં વાપરવામાં આવતું લિપ-લાઇનર ફક્ત હોઠને આઉટલાઇન કરવા જ ન વાપરવું, આઉટલાઇન કર્યા બાદ અંદર પણ લગાડવી અને પછી એના પર લિપસ્ટિક લગાડવી. આવું કરવાથી લિપસ્ટિકનો રંગ આછો થઈ જાય ત્યાર બાદ પણ લિપ-લાઇનરનો રંગ અકબંધ રહેતો હોવાથી લિપસ્ટિકનું સૌંદર્ય બરકરાર રહે છે.
ઘણી મહિલાઓ પોતાની લિપસ્ટિકના શેડની સરખામણીમાં ઘણા ડાર્ક શેડનું લિપ-લાઇનર વાપરતી હોય છે. આવું કરવાથી લિપસ્ટિક અને લિપ-લાઇનર વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે છે. આવું ન થાય એ માટે લિપ-લાઇનર હંમેશાં લિપસ્ટિકના શેડનું જ વાપરવું તથા એ લગાડ્યા બાદ આંગળીઓની મદદથી એનો રંગ થોડો આછો કરી દેવો. આમ કર્યા બાદ જ્યારે લિપસ્ટિક લગાડવામાં આવે છે ત્યારે એનો લુક એકસરખો આવે છે.
કેટલીક લિપસ્ટિક્સ, એમાં પણ ખાસ કરીને લિક્વિડ લિપસ્ટિક્સ લગાડ્યાના થોડા સમય બાદ હોઠની કિનારીઓથી બહાર ફેલાઈ જાય છે. આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠની કિનારીઓ પર થોડું મેકઅપ પ્રાઇમર લગાડી દેવું વધુ હિતાવહ છે.

 

લિપસ્ટિક દાંત પર લાગી જાયે છે?
કેટલીક મહિલાઓને હોઠ પર લાગેલી લિપસ્ટિક દાંત પર પણ લાગી જતી હોવાની સમસ્યા સતાવતી હોય છે. આ પરિસ્થિતિ ઘણી વાર તેમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેતી હોય છે. તમારી સાથે આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડ્યા બાદ હાથ ધોઈ નાખવા અને આવા સાફ હાથની પહેલી આંગળી મોમાં મૂકવી. એમ કરવાથી જે લિપસ્ટિક તમારા દાંત પર લાગવાની સંભાવના હશે એ આંગળી પર લાગી જશે અને તમે શરમજનક પરિસ્થિતિથી બચી જશો.

 

શું છે પાઉટ લિપ્સ?
આજકાલ પાઉટ લિપ્સના ટ્રેન્ડે પણ બહુ જોર પકડ્યું છે. પાઉટ લિપ્સ એટલે ભરાવદાર હોઠ. મોટા ભાગની મહિલાઓ હોઠને આવા ભરાવદાર દેખાડવા માટે લિપ-ગ્લૉસનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમારી ઇચ્છા આવું કોઈ લિપ-ગ્લૉસ વાપરવાની ન હોય તો વધુ એક વિકલ્પ તરીકે તમે તમારી મનપસંદ ડાર્ક કલરની લિપસ્ટિક લગાડ્યા બાદ બન્ને હોઠના મધ્યના ભાગમાં રંગની બાબતમાં એની સાથે મેળ ખાતી, પરંતુ શેડમાં એનાથી ઘણી આછા રંગની કોઈ લિપસ્ટિક લગાડી દો. તમે ઇચ્છો તો આ માટે તમારી મૂળ લિપસ્ટિકના રંગ સાથે મેળ ખાતા આઇશૅડોનો કે પછી ગોલ્ડ કે સિલ્વર કલરના આઇશૅડોનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી હોઠનો મધ્યનો ભાગ ઊપસેલો લાગતાં હોઠ ભરાવદાર હોવાનો આભાસ ઊભો થાય છે.

 

ન્યુડ કે રેડ કલરની લિપસ્ટિકની પસંદગી કેવી રીતે કરવી?
મોટા ભાગની મહિલાઓને પોતાના માટે ન્યુડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. જોકે આ માટે રસ્તો સાવ સરળ છે. ગોરી મહિલાઓએ પિન્ક અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઑરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બ્રાઉન અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ.

ન્યુડની જેમ ઘણી મહિલાઓને પોતાના માટે રેડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો સીધો સરળ ઇલાજ એ છે કે ગોરી મહિલાઓએ બ્લુ અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઑરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બર્ગન્ડી અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp