રાજકોટમાં રાખડીમાં આવ્યો નવો ટ્રેન્ડ, મહિલાએ બનાવી વેક્સીન રાખડી

PC: news18.com

રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે અને બજારમાં અત્યારથી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી રાખડીઓ આવી ગઈ છે. દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે રાખડીઓમાં ઘણી નવી વેરાઇટી જોવા મળે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ રાખડીમાં નવી વેરાઈટી સામે આવી છે. હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોના સામેની જંગ લડવા અને તેની સામે જીત મેળવવા માટે વેક્સીન એક જ ઉપાય છે. ત્યારે આ વર્ષે વેક્સીન રાખડીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. મહત્ત્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને વેક્સીન લઈને બાહુબલી બનાવવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે આ રક્ષાબંધન નિમિતે બહેન તેના ભાઈના હાથમાં વેક્સીનની રાખડી બાંધીને ભાઈને કોરોના સામે લડવાની શક્તિ આપશે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો અને હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ હતી. તો ઘણા લોકોના મોત પણ થયા હતા. ત્યારે રાજ્ય સરકારે હવે વેકસીનેશન વધુ ઝડપી કર્યું છે અને લોકોને કોરોના વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ હજુ પણ અંધશ્રદ્ધાના કારણે લોકો વેક્સીન ન લેતા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે લોકોમાં વેક્સીનેશનને લઈને જાગૃતતા ફેલાવવા માટે રાજકોટના એક દંપતીએ વેક્સીન રાખડી તૈયાર કરી છે.

વેક્સીન રાખડી તૈયાર કરનાર રામાનુજ દંપતી દર વર્ષે અલગ-અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરતા હોય છે. જોકે આ વર્ષે આ રામાનુજ દંપતીએ વેક્સીન રાખડી સિવાય, ફ્રુટ ડિસ રાખડી, ચોકલેટ રાખડ, પીઝા રાખડી, ફોન રાખડી સહિતની અલગ-અલગ વેરાઇટીઓમા રાખડી તૈયાર કરી છે.

જોકે રાખડી બનાવનાર હિનલ રામાનુજે જણાવ્યું હતું કે, આ રાખડી બનાવવામાં તેમના પતિ જીગ્નેશ રામાનુજનો તેમને સંપૂર્ણ સહકાર મળે છે. આ ઉપરાંત પરિવારના લોકો પણ તેમને ખૂબ જ સહકાર આપી રહ્યા છે અને રાખડી બનાવવાનું કામ તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. તેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે કોરોનાનો કેસ નોંધાયો હોવા છતાં પણ તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે. જેથી કોરોના સંક્રમણ ફરીથી ન વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp