26th January selfie contest

હોળી-ધુળેટીનું પર્વ: રંગોત્સવની સાથે રમતોત્સવ પણ છે

PC: khabarchhe.com

રંગોથી રમવાની સાથોસાથ આપણી સંસ્કૃતિમાં વિવિધ પરંપરાગત રમતો રમવાનો પણ રિવાજ છે. વિવિધ રમતોમાં સૌથી જાણીતી રમત નાળિયેર ફેંક છે. આ રમતને આખા ગુજરાતમાં રમવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આંધળા પાટાની રમત છે તો આદિવાસી વિસ્તારમાં ભરતા મેળામાં વિવિધ રમતો રમવામાં આવે છે. જૂના જમાનામાં જે રમતો રમાતી હતી તે જ રમાય છે પણ સમયની સાથોસાથ તેનાં સ્વરૂપો બદલાયાં છે. હોળી-ધુળેટીના દિવસે તમે પણ આવી રમતોમાં ઝંપલાવી શકો છો.

નાળિયેર ફેંક:

હોળી-ધુળેટીના દિવસોમાં આદિકાળથી પ્રચલિત બની ગયેલી નાળિયેર ફેંક રમત તહેવારનો પર્યાય બની ગઈ છે. આ રમતમાં બે સ્પર્ધકો વચ્ચે નિશ્ચિત જગ્યા પર નક્કી કરેલા ઘા મુજબના અંકોડાની મદદથી નાળિયેર પહોંચાડવામાં આવે છે. આ માટે સ્પર્ધકોએ પોતાના હાથ વડે નાળિયેર ફેંકવાના હોય છે. ઉદાહરણ તરીકે વીસ ઘામાં નાળિયેર નક્કી કરેલી જગ્યા પર પહોંચાડવાની શરત લાગી હોય તો વીસ ઘામાં જે પહોંચાડે તે વિજેતા કહેવાય તેમજ જો કોઈ સ્પર્ધક ઓછા ઘામાં તે સ્થળે પહોંચાડી દે તો તે પ્રથમ વિજેતા કહેવાય. ઘણી વાર તો ગામડાઓમાં આ રમત "આબરુનો સવાલ" પણ બની જાય છે.

આંધળો પાટો:

સૌરાષ્ટ્રમાં નાળિયેર ફેંકની જેમ આંધળો પાટો પણ ઘણી પ્રચલિત છે. આ રમત બે વ્યક્તિઓ કે બે જૂથો વચ્ચે પ્રયોજવામાં આવે છે. જેમાં ગામડાની નક્કી કરેલી જગ્યા પર અને નક્કી કરેલા સમયમાં આંખ પર પાટા બાંધીને પહોંચવાનું હોય છે. જો સમયસર પહોંચી જાય તો એમણે શરત જીતી કહેવાય અને તેને રોકડ પુરસ્કાર અથવા તો નક્કી કરેલી ભેટ આપવામાં આવે છે. જોકે, ગામડાઓમાં રમાતી રમત હોવાથી કોઈ પણ મુશ્કેલી પડે તો સ્પર્ધકને મદદ કરવામાં આવે છે. જેમ કે, ખાડા-ખાબોચિયા જેવી પરિસ્થિતિમાં તેને યોગ્ય દિશા બતાવવા મદદ કરવામાં આવે છે. આ રમતમાં મોટા ભાગે ગામની ભાગોળે જ રમવામાં આવે છે.

પાણીના ઘડાની રમત:

આ રમતમાં હથેળી પર કે આંગળીઓ વડે પાણીથી ભરેલો ઘડો પકડવામાં આવે છે અને નક્કી કરેલા સ્થળ પર પહોંચાડવાનો હોય છે. હથેળીમાં ઘડો લઈને રમત રમવામાં આવતી હોય છે તેમાં સ્થળ થોડું નજીકનું રાખવામાં આવે છે, જ્યારે આંગળીઓના સહારે ઘડો પકડીને રમત રમવાની હોય છે તેમાં અંતર થોડું વધારે હોય છે. આ પ્રકારની રમતમાં સ્પર્ધકનું સાચું બળ પુરવાર થાય છે. આ રમતમાં બીજી વિશિષ્ટતા એ છે કે ઘડાને એક જ હાથથી લેવાનો હોય છે જો બીજો હાથ અડાડવામાં પણ આવે તો શરત ભંગ કરી કહેવાય. આ રમતમાં પણ ગામની ભાગોળ કે પછી ગામની સીમને સ્થળ તરીકે પસંદ કરવા આવે છે.

શ્રીફળ છોલવાની રમત:

વ્યક્તિની શારીરિક તાકાતનો પરિચય કરાવતી આ રમતમાં બે સ્પર્ધકો મોં વડે શ્રીફળ છોલે છે. જે સ્પર્ધક બને તેટલા ઓછા સમયમાં મોં વડે શ્રીફળ છોલી બતાવે તે વિજેતા જાહેર થાય છે. આ રમત એક બહાદુરીની રમત પણ છે. કારણ કે મોં વડે શ્રીફળને છોલવું કઈ નાની વાત નથી.

સિક્કા ફેંક:

નાળિયેર ફેંકની સિવાય સિક્કા ફેંક પણ હોળીના તહેવારમાં પ્રચલિત છે. અ રમત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન નાની બાળાઓ દ્વારા પણ રમવામાં આવે છે. આ રમતમાં ઘરના ગોખલામાં કે જમીનમાં એક નાનો ખાડો કરવામાં આવે છે. સ્પર્ધકો દ્વારા સિક્કા ફેંકવામાં આવે છે અને તે સિક્કા ખાડામાં જ પડવા જોઈએ. જે વ્યક્તિના સૌથી વધુ સિક્કા ખાડામાં પડે તે વિજેતા જાહેર થાય છે. આ રમત મહિલાઓમાં ઘણી પ્રચલિત છે.

માચીસ તોડ:

માચીસ તોડ રમતમાં દીવાસળીથી ભરેલી માચીસને ભીંત પર અથડાવવામાં આવે છે. નક્કી કરેલા પ્રયાસોની અંદર માચીસને તોડી બતાવવાની હોય છે. ઓ તે નક્કી કરેલા પ્રયાસોમાં માચીસ તોડી બતાવે તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. માચીસની અંદર રહેલી તમામ દિવાસળીઓ બહાર કાઢવાનું કહેવામાં આવે છે. ઘણી વાર દીવાસળીના અંદરોઅંદર અથડામણથી દિવાસળીઓ સળગી પણ ઊઠે છે.

ખાણીપીણીની સ્પર્ધા:

હોળીના તહેવાર નિમિતે આ રમતો ખાવાના શોખીનો અને ખાઉધરા પહેલવાનો માટે આયોજિત કરવામાં આવે છે. જેમાં જુદી જુદી મીઠાઈઓ ખાવાની સ્પર્ધા યોજવામાં આવે છે. નક્કી કરેલા સમયમાં વધુમાં વધુ મીઠાઈઓ ખાનાર વિજેતા ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં આ રમત બહુ પ્રચલિત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો લાડુ ખાવાની સ્પર્ધા બહુ પ્રસિદ્ધ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp