ખેલૈયાઓ માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરમાં પાસ બુકિંગની જાહેરાત

PC: dnaindia.com

કોરોનાના કારણે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો અને ધાર્મિક ઉત્સવ મનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી કરીને હાલ ગણેશ મહોત્સવમાં પણ રાજ્યમાં કોઈ પણ જગ્યા પર બે ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના જાહેર જગ્યા પર થઈ નથી. લોકોએ તેમના ઘરે જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. ત્યારે આગામી દિવસોમાં આવનાર નવરાત્રિના તહેવારને લઈને પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

નવરાત્રિના લઇને હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ત્યાં જ રાજકોટના ગરબા આયોજકો દ્વારા સોશિયલ મીડિયામાં નવરાત્રીનું પાસ બુકિંગ શરૂ હોવા બાબતની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત રાજકોટના સુરભી ક્લબ દ્વારા કરવામાં આવી છે. ગરબા આયોજકોનું કહેવું છે કે, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ગરબા દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને એટલા માટે અમે પ્રિ-પ્લાનિંગ શરૂ કર્યું છે.

રાજકોટના ગરબા આયોજક પંકજ સખીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જો સરકાર અમને ગરબા આયોજન કરવાની છૂટ આપે તો અમે સંપૂર્ણપણે સરકારની ગાઈડલાઈન અનુસાર ગરબાનું આયોજન કરવા માટે તૈયાર છીએ. સામાન્ય રીતે નવરાત્રિનું આયોજન કરવા માટે અમારે બેથી અઢી મહિનાનો સમય જોઈતો હોય છે પરંતુ જો હજુ પણ સરકાર આયોજન કરવાની હા પાડશે તો અમે અમારી રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આયોજન દરમિયાન સંપૂર્ણપણે સરકારની ગાઈલાઈનનું ધ્યાન રાખવામાં આવશે. એટલા માટે જ અમે અત્યારથી પાસ અને અન્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો સરકાર પછીથી ના પાડે કે, આયોજન નથી કરવાનું તો તેમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. જો સરકાર છૂટ આપે એટલા માટે અમે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધું છે. આમ તો સુરભી ક્લબ રાજકોટના ગ્રાઉન્ડમાં 8,000થી વધુ ખેલૈયાઓ રમતા હોય છે પરંતુ આ વર્ષે સામાજિક અંતરને ધ્યાનમાં લઈને તે બાબતેનું પણ આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં ગરબા આયોજક જૈનીત પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર ગરબા આયોજન કરવાની છૂટ આપશે તો અમે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને જ આગળ વધીશું. નિયમોની વાત કરવામાં આવે તો માસ્ક ફરજીયાત પહેરવું, સેનિટાઇઝ ટનલ બનાવવી, સામાજિક અંતરનું ધ્યાન રાખવું, ગરબા લેતા સમયે હાથમાં મોજા પહેરવા અને અલગ-અલગ મુદ્દાઓ પર વિચારીને મુદ્દાઓ લખેલા છે. આ નિયમો ઉપરાંત જો સરકાર અન્ય કોઇ નિયમો બહાર પાડે તો તેનું પાલન પણ કરવા માટે અમે તૈયાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp