ઉચ્ચશિક્ષણ નીચું બની રહ્યું છે

PC: india.com

ગુજરાત ઉચ્ચશિક્ષણ પરિષદ ધારો-2017નો અમલ શરૂ થતાં તેનો વિરોધ લોકશાહી બચાવો અભિયાનના ઉપક્રમે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને ડૉ. રોહિત શુક્લએ કર્યો છે. સરકાર અધ્યાપકોનો અવાજ ડામી દેવા માંગે છે. અધ્યાપકો સરકારની વાજબી ટીકા ના કરે અને કશું વિચારે કે બોલે જ નહીં અને ચૂપચાપ સરકારનું કહ્યું કર્યા કરે તે માટે ગુજરાત રાજ્ય ઉચ્ચશિક્ષણ પરિષદ ઊભી કરવામાં આવી છે. તે માટે કોઈની સાથે કશો જ સંવાદ કરવામાં આવ્યો નહીં. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ કે યુનિવર્સિટીઓનાં અન્ય મંડળો સાથે કશી ચર્ચા કરી જ નહીં અને વિધાનસભામાં કશી ચર્ચા વિના અને વિરોધપક્ષની ગેરહાજરીમાં તે અંગેનો કાયદો પસાર કરી અમલ કરાયો છે.

આ કાયદામાં અધ્યાપકોની બદલી દેશમાં ગમે ત્યાં થઈ શકે તેવી જોગવાઈ કરાઈ છે. ઉપરાંત, આ કાયદા અનુસાર તો ખાનગી યુનિવર્સિટીઓ સહિત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ નિર્ણયને આ પરિષદ ઉથલાવી શકે છે કે પછી તેને કોઈ પણ આદેશ કરી શકે છે. કાયદાની કલમ-૧૫ કહે છે કે : “રાજ્ય સરકાર પરિષદની ભલામણને આધારે અથવા આપમેળે સુધારાનો અમલ કરવા માટે જરૂરી હોય તેવા ફેરફાર સાથે કોઈ યુનિવર્સિટીને આદેશ કરી શકશે.” આ પરિષદમાં સરકાર જ સરકાર છે; મુખ્ય પ્રધાન તેના અધ્યક્ષ છે. એટલે પરિષદના અધ્યક્ષ મુખ્ય પ્રધાન જ રાજ્ય સરકારના મુખ્ય પ્રધાનને સલાહ આપે એવો આ ઘાટ છે!! વળી, કાયદામાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે પરિષદના નિર્ણય સામે અદાલતમાં પણ જઈ ના શકાય. આ તો બંધારણ હેઠળના મૂળભૂત અધિકારનો જ ભંગ થાય છે.

ગુજરાતમાં ઉચ્ચશિક્ષણ માટે કુલ 59 યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ છે. સરકાર એમ કહે છે કે તેણે યુનિવર્સિટીઓ વધારી છે પણ તેમાં ૩૩ યુનિવર્સિટીઓ જ સરકારી છે. બાકીની બધી તો ખાનગી છે. આમ, સરકારે ઉચ્ચશિક્ષણમાં બેસુમાર અને બેહદપણે ખાનગીકરણ કર્યું છે. સરકારે પોતાની નવી કૉલેજો અને યુનિવર્સિટીઓ ખોલી છે, પણ તેમાં અધ્યાપકો અને મકાનોનાં ઠેકાણાં નથી.

તેમણે જણાવ્યું હતું કે, દુનિયાની 100 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં 16 વિદ્યાર્થીઓએ એક અધ્યાપક છે; પણ ગુજરાતમાં આટ્‌ર્સ અને કૉમર્સ કૉલેજોમાં 85 વિદ્યાર્થીઓએ એક અધ્યાપક છે. એક જ કૉલેજમાં એક જ અધ્યાપક હેઠળ એક જ અભ્યાસક્રમ માટે જુદી-જુદી ફી ભરનારા વિદ્યાર્થીઓ ભણે છે. કારણ એ છે કે વિદ્યાર્થીઓની અમુક સંખ્યા ભરાય પછી સ્વનિર્ભર રીતે ફી વસુલાય છે. સરકાર ઉચ્ચશિક્ષણ પાછળનું ખર્ચ ઘટાડી રહી છે. 2017-18માં રૂ.1,692 કરોડ ખર્ચનો અંદાજ મુકાયો છે. 2016-17માં રૂ.1,695 કરોડ થયું હતું. આમ, ચાલુ વર્ષે તેમાં 1.76 ટકાનો ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp