ગુજરાતમાં નવરાત્રી વેકેશન થઈ શકે છે કેન્સલ, આ લોકોએ કર્યો વિરોધ

PC: gandhinagarportal.com

બે દિવસ પહેલા જ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશન આપવામાં આવશે. આ નિર્ણયને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. અમુક લોકોને આ નિર્ણય પસંદ પડ્યો હતો તો અમુકે આ નિર્ણય માટે સરકારની ઝાટકણી કાઢી હતી. તેવામાં હવે ગુજરાતના ખાનગી શાળાના સંચાલકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં 400 ખાનગી શાળાના સંચાલકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 400 ખાનગી શાળાના સંચાલકો નવરાત્રી વેકેશન રદ્દ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવાના છે. સંચાલકોની રજૂઆત છે કે, જો 9 દિવસ વેકેશન રહેશે તો શૈક્ષણિક કાર્ય કેવી રીતે પૂર્ણ થશે. જો રાજ્ય સરકાર આ રજૂઆતને માની લે તો વિદ્યાર્થીઓને માયૂસ થવું પડશે.

નવરાત્રી વેકેશનઃ શિક્ષણમંત્રી કહે CM રૂપાણીનો નિર્ણય છે, CM કહે છે મને ખબર નથી

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી વિભારવીબેન દવેએ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ કોલેજો અને શાળાઓમાં નવરાત્રીનું વેકેશન જાહેર કરી દીધું છે, પરંતુ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને કંઇ પૂછવામાં આવ્યું હોય તેવું લાગતું નથી. વિભારવીબેનની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવરાત્રીના વેકેશન અંગે પૂછતા તેમણે આ બાબતે કઇ જાણતા નથી, તેવું નિવેદન આપ્યું હતું અને સરકારમાં અંદર-અંદર જ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. વિભારવીબેન દવેએ એવું કહ્યું હતું કે, CM વિજય રૂપાણીએ નવરાત્રી વેકેશનનો નિર્ણય કર્યો છે.

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી દરમ્યાન મિનિ વેકેશન રહેશે...

શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે રાજ્યની તમામ શાળા કોલેજોમાં આગામી નવરાત્રી તા. 15મી ઓકટોબર 2018થી 21મી ઓક્ટોબર 2018 દરમિયાન વેકેશન રહેશે.

મંત્રીએ ઉમેર્યુ કે ગુજરાતનો ગરબો આજે વૈશ્વિક ઓળખ બની ગયો છે ત્યારે જગત જનની મા જગદંબાના શક્તિના આ ઉત્સવમાં યુવાનો આનંદ ઉલ્લાસથી ગરબે ઘૂમી શકે એ માટે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પર્વમાં આ સમયે યુવાનોની પરીક્ષા હોય છે અને અભ્યાસની ચિંતા રહેતી હોય છે. આ માટે આ આધ્યાત્મિક પર્વમાં યુવાનો ઉત્સાહપૂર્વક ગરબે રમી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રીમાં વેકેશનનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીને વાત કરતા મુખ્યમંત્રીએ સહર્ષ વાત સ્વીકારીને આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે એ માટે રાજ્યની મહિલાઓ અને બાળાઓ તથા યુવાનો વતી બંનેનો મંત્રી વિભારવીબેન દવેએ આભાર માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp