નવરાત્રી વેકેશનને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, શું થયો ફેરફાર જાણો

PC: dnaindia.com

ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈને થયેલા વિવાદ બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણું સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની તારીખમાં બદલાવ કરી દીધો છે. હવે શાળા અને કોલેજોમાં નવરાત્રીના પહેલા દિવસથી વેકેશન રહેશે. એટલે 10 ઓક્ટોબરથી નવરાત્રીનું વેકેશન ચાલુ થશે, જે 17 ઓક્ટોબર સુધી ચાલશે અને 18 ઓક્ટોબરે તો દશેરાની જાહેર રજા છે જ. એટલે જે 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વેકેશન પૂરું થતાની સાથે જ 19 ઓક્ટોબરથી પરીક્ષાની શરૂઆત થશે જે 30 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીના વેકેશનમાં કાપ મૂકીને નવરાત્રીનું વેકેશન આપવામાં આવ્યું છે. 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન રહેશે. એટલે કે દિવાળીના વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકવામાં આવ્યો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આનાથી શૈક્ષણિક કાર્યમાં કોઈપણ વિક્ષેપ ઉભો થતો નથી. કોલેજની પરીક્ષા 22 ઓક્ટોબરથી શરૂ થશે.

ગુજરાતના આ શહેરમાં નહીં મળે નવરાત્રીનું વેકેશન...

ગુજરાતમાં નવરાત્રી વેકેશનનો વિવાદ ઉભો રહેવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક વિવાદ આ બાબતે સામે આવી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી જ્યાં વિદ્યાર્થીઓ ખુશ છે, પરંતુ ખાનગી શાળાના સંચાલકો નાખુશ છે. રાજકોટમાં જ્યાં 400 ખાનગી શાળાના સંચાલકોએ નવરાત્રી વેકેશન કેન્સલ કરવાની સરકારને રજૂઆત કરી છે, ત્યાં હવે ગુજરાતના સુરત શહેરમાં પણ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો છે.

સુરતના ખાનગી શાળાના સંચાલકોએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો હતો અને નિર્ણય કર્યો હતો કે તેઓ પોતાની સ્કૂલોમાં નવરાત્રી દરમિયાન વેકેશન રાખશે નહીં. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે સુરતના વિદ્યાર્થીઓને નવરાત્રીમાં સ્કૂલે જવું પડશે તેવું લાગી રહ્યું છે. હવે સરકાર આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે, તે જોવું રહ્યું.

નવરાત્રી વેકેશન બાબતે જાણો કોંગ્રેસ પ્રમુખ અને નીતિન પટેલે શું કહ્યું...

ગુજરાત સરકાર દ્વારા શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરાયા બાદ સરકારના આ નિર્ણયનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. એકબાજુ રાજકોટની 400 ખાનગી શાળાના સંચાલકોએ વેકેશન રદ્દ કરવાની CM રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે, કારણ કે 9 દિવસના વેકેશનથી અભ્યાસક્રમ પૂરો નહીં થઈ શકે. બીજી બાજુ કોંગ્રેસે પણ વિરોધની વહેતી ગંગામાં હાથ ધોઈ નાંખવાનું નક્કી કર્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સરકારના આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી.

અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરકારે રજા આપવાની સાથે-સાથે શિક્ષણનું સ્તર પણ જોવું જોઈએ. શિક્ષણનું સ્તર વધારવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, સરકારે આ નિર્ણય લેતા પહેલા સ્કૂલ અને કોલેજ મેનેજમેન્ટ સાથે પણ વાત કરવી જોઈતી હતી.

જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારના આ નિર્ણયને યોગ્ય કહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર કોઈને પૂછીને નિર્ણય નથી લેતી. સ્કૂલ અને કોલેજમાં રજાઓથી બાળકો ખુશ છે, જ્યારે નવરાત્રીનો સ્કૂલ મેનેજમેન્ટ વિરોધ કરી રહી છે.

ગુજરાતમાં નવરાત્રી વેકેશન થઈ શકે છે કેન્સલ, આ લોકોએ કર્યો વિરોધ...

બે દિવસ પહેલા જ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશન આપવામાં આવશે. આ નિર્ણયને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. અમુક લોકોને આ નિર્ણય પસંદ પડ્યો હતો તો અમુકે આ નિર્ણય માટે સરકારની ઝાટકણી કાઢી હતી. તેવામાં હવે ગુજરાતના ખાનગી શાળાના સંચાલકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં 400 ખાનગી શાળાના સંચાલકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 400 ખાનગી શાળાના સંચાલકો નવરાત્રી વેકેશન રદ્દ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવાના છે. સંચાલકોની રજૂઆત છે કે, જો 9 દિવસ વેકેશન રહેશે તો શૈક્ષણિક કાર્ય કેવી રીતે પૂર્ણ થશે. જો રાજ્ય સરકાર આ રજૂઆતને માની લે તો વિદ્યાર્થીઓને માયૂસ થવું પડશે.

નવરાત્રી વેકેશનઃ શિક્ષણમંત્રી કહે CM રૂપાણીનો નિર્ણય છે, CM કહે છે મને ખબર નથી

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી વિભારવીબેન દવેએ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ કોલેજો અને શાળાઓમાં નવરાત્રીનું વેકેશન જાહેર કરી દીધું છે, પરંતુ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને કંઇ પૂછવામાં આવ્યું હોય તેવું લાગતું નથી. વિભારવીબેનની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવરાત્રીના વેકેશન અંગે પૂછતા તેમણે આ બાબતે કઇ જાણતા નથી, તેવું નિવેદન આપ્યું હતું અને સરકારમાં અંદર-અંદર જ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. વિભારવીબેન દવેએ એવું કહ્યું હતું કે, CM વિજય રૂપાણીએ નવરાત્રી વેકેશનનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp