સળગતી ઈંઢોળીના અનોખા રાસ, છેલ્લા 11 વર્ષથી કરાય છે આ રાસનું આયોજન

PC: india.com

નવલાં નોરતા ગુજરાતનો લોકપ્રિય તહેવાર છે. નાના બાળકો હોય કે મોટા તમામ લોકો મા અંબાની આરાધનામાં લીન થઈ ગરબે ઘૂમતા જોવા મળે છે. પરંપરાગત ગરબા હોય કે નવતર ફ્યૂઝન ગરબા સૌ કોઈ ગરબે ઝૂમતા હોય છે. ત્યારે રાજકોટમાં અર્વાચીન રાસોત્સવના આયોજન ઠેર ઠેર થઈ રહ્યાં છે. જો કે અર્વાચીન રાસોની ઝાકમઝોળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ યથાવત્ છે. ત્યારે સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે.

રંગીલા રાજકોટવાસીઓ નવરાત્રિના મહોત્સવમાં મગ્ન થઈ ગયું છે. ત્યારે શહેરમાં એક તરફ પાર્ટી પ્લોટ્સમાં વિવિધ અર્વાચીન ગરબાના આયોજન થયા છે. ત્યારે પ્રાચીન ગરબીઓનું પણ મહત્ત્વ ઓછું નથી થયું. પ્રાચીન ગરબીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જોવા મળે છે. હાલ તો રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલી પ્રાચીન બજરંગ ગરબી મંડળમાં પ્રાચીન રાસ જોવા લોકો દૂર દૂરથી આવે છે. અહીંની સળગતી ઈંઢોળીનો રાસ રાજકોટવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ રાસમાં બાળાઓના સાહસ અને શૂરવીરતાના લોકોને દર્શન થાય છે. બાળાઓ સળગતી ઈંઢોળી તેમના માથે લઈને ગરબે રમે છે. જેમાં સળગતી ઈંઢોળીનો રાસ માટે બાળાઓ દ્વારા નવરાત્રિ પહેલાં પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ રાસ માટે એક મહિનો પ્રેક્ટિસ કરે છે. જ્યારે સળગતી ઈંઢોળીનો રાસ જોવા માટે રાજકોટથી જ નહીં આસપાસના ગામોમાંથી પણ લોકો આવે છે. સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ બાળાઓના સાહસ અને તેમની આ કલાને જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.

શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ છેલ્લાં 12 વર્ષથી ઈંઢોળી રાસ રમાય છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મંજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવી સળગતી ઈંઢોળીનો રાસ છે. તેમજ આયોજકો દ્વારા સળગતી ઈંઢોળીના રાસ દરમિયાન કોઈ દૂર્ધટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ટેક્નોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કુતિની યાદ અપાવી જાય છે. આવા ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.

(નિમિષા ભટ્ટ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp