હોળી-ધૂળેટી અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, નીતિન પટેલે કરી જાહેરાત

PC: facebook.com/NitinbhaiPatelbjp

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી અલગ-અલગ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, હોળી ધાર્મિક રીતે પ્રગટાવી શકાય છે પરંતુ તેના બીજા દિવસે કલરથી રમી શકાશે નહીં અને લોકોને એકઠા કરી શકાશે નહીં.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હોળી અને ધૂળેટીના તહેવારમાં ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની આપણે મંજૂરી આપીશું પરંતુ એકબીજા પર કલર છાંટવા, એકબીજાને રંગવા, ટોળાં એકઠા કરવા અને દોડી દોડીને એકબીજાને રંગવા માટે ભીડ એકત્ર કરવી, આ પ્રકારની કોઇ પણ મંજૂરી આપવાની નથી. ફક્ત ધાર્મિક રીતે હોળી દહન માટે મર્યાદિત લોકોને એકત્ર થાય તે માટે મંજૂરી આપવામાં આવી છે. ગામડાઓમાં શહેરોમાં મહોલ્લાઓમાં શેરીઓમાં અને ગલીઓમાં ધાર્મિક રીતે અને ધાર્મિક વિધિ અનુસાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ કોઈને રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

ચૂંટણીના કારણે કોરોના ફેલાયો હોવાનો સવાલ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દરેક લોકો જુદા-જુદા અનુમાન કરે છે. જો ક્રિકેટ મેચનું કારણ હોય તો ક્રિકેટ મેચ ફક્ત અમદાવાદમાં હતી. ક્રિકેટ મેચ જોવા માટે અમદાવાદની 60 લાખની વસતિમાંથી 40થી 50 હજાર લોકો ગયા હશે. એવી રીતે ચૂંટણીની વાત કરીએ મહાનગરપાલિકા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. તેની પહેલા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી અત્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની કાર્યવાહી ચાલી રહી છે. તામિલનાડુમાં ચૂંટણી ચાલી રહી છે, કેરાલામાં ચૂંટણી ચાલી રહી છે. આખા દેશમાં ચૂંટણીઓ કરવાની હોય ત્યાં ચૂંટણીઓ યોજાય છે. ક્રિકેટની વાત હોય તો ક્રિકેટ માત્ર અમદાવાદમાં હતી. આ ઉપરાંત AMTS અને BRTSની વાત હોય તો આ બસો કરતાં વધારે લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ બધું અનુમાન છે અને તારણો છે પરંતુ આમાં એક વસ્તુ નિશ્ચિત છે લોકો માસ્ક પહેરીને જાહેરમાં જાય અને સામાજિક અંતરનું પાલન કરે તો મોટા પ્રમાણમાં સંક્રમણથી આપણે બચી શકીએ છીએ અને સંક્રમણને પહેલાં અટકાવી શકીએ છીએ. એટલે ક્રિકેટ મેચના કારણે સંક્રમણ વધ્યું હોત તો આખા ગુજરાતમાં ન વધ્યું હોત અને ચૂંટણીના કારણે વધ્યું હોત તો આખા દેશમાં વધ્યું હોત. મહારાષ્ટ્ર અને મુંબઈમાં અત્યારે કોઇ ચૂંટણી નથી કોઈ ક્રિકેટ મેચ નથી છતાં પણ આખા દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp